Homeમેટિનીબચ્ચોં કો સમજને કે લિયે ખુદ બચ્ચા બનના પડતા હૈ...

બચ્ચોં કો સમજને કે લિયે ખુદ બચ્ચા બનના પડતા હૈ…

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

વિકી, મુન્ની અને સની ત્રણ શરારતી બાળકો મુખ્ય ભૂમિકામાં. આમિરખાન અને રોબિન ભટ્ટે એક સાઉથની ફિલ્મ પરથી સ્ટોરી ઉપાડીને પટકથા લખી.
તાહિરહુસેન નિર્માતા હતા એટલે આમિરખાન માટે હોમ પ્રોડક્શન અને દિગ્દર્શક મહેશ ભટ્ટ. સંગીત નદીમ શ્રવણ અને ગીતલેખક સમીર. નદીમ શ્રવણની જોડીએ ૯૦ના દસકામાં હિન્દી ફિલ્મોને પોતાના સંગીતની મધુરતાથી ભરી દીધી હતી. આ ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’ માટે પણ સંગીત ફિલ્મનું હૃદય છે અને બાળકો આ ફિલ્મનાં ફેફસાં છે. હિન્દી ફિલ્મોમાં હળવી રમૂજી ફિલ્મોમાં ઘણી ફિલ્મો વારંવાર જોઈએ તેવી કલાસ ફિલ્મો બની છે. ચુપકે ચુપકે, ગોલમાલ, જાને ભી દો યારો વગેરે.
આ બધી રમૂજી ફિલ્મોમાં લોકોની પોત પોતાની અંગત પસંદગી હોય છે અને પોતાની પસંદગીની ફિલ્મો જ્યારે પ્રથમ વખત રિલીઝ થઈ હોય ત્યારે જ ચાહકોએ બે-ચાર વખત જોઈ કાઢી હોય છે.
જ્યારે પણ ક્યાંય કોઈ ફિલ્મ રસિક રમૂજી હિન્દી ફિલ્મ અધવચ્ચેથી ક્યાંય પણ જોઈ જાય ત્યારે પાંચ દસ મિનિટ તો જોઈ જ લે છે. જો તમે આ ફિલ્મ અત્યારે પણ યુ ટ્યુબમાં કે કોઈ બીજા માધ્યમમાં ગમે ત્યાંથી અધવચ્ચેથી પણ જોવાનું શરૂ કરશો તો તમે પણ આ ફિલ્મ ફટ કરીને બદલીને નહીં જઈ શકો એ હકીકત છે.
જુહી ચાવલાનો સમગ્ર ફિલ્મ કારકિર્દીમાં સર્વશ્રેષ્ઠ અભિનય, આ ફિલ્મથી જુહી હિન્દી ફિલ્મમાં ગજબનું કાઠું કાઢી ગઈ. બેસ્ટ અભિનેત્રીનો ઍવૉર્ડ પણ જીત્યો. જુહી ચાવલાને આજે પણ યાદ કરતા એના ફેનની નજરે યશ ચોપરાની ‘ડર’ અને ‘હમ હૈ રાહી પ્યાર કે’ની જુહી જ તરવરે. સાવ સિમ્પલ ગભરું, શાંત જુહી ‘આઈના’ ફિલ્મમાં હતી અને ડરમાં એક માનસિક બીમાર હિંસકથી પરેશાન જુહી. આ ત્રણેય ફિલ્મો એક જ વર્ષમાં રજૂ થઈ હતી ૧૯૯૩માં. ‘દામિની’ની મીનાક્ષી, ‘ખલનાયક’ની માધુરી અને ‘રૂદાલી’ ની ડિમ્પલ ની જગ્યાએ જુહીને ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો વાજબી રીતે. જુહી ચાવલા ‘હમ હૈ રાહી પ્યાર કે’ ફિલ્મની ભૂમિકા ભજવીને મીનાક્ષી, માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડીયાને વટી ગઈ.
વિકી, મુન્ની અને સનીની બરોબરીની ભૂમિકા જુહી ચાવલા ભજવી ગઈ, અરે એ ત્રણેય બાળકો પર એનાથી પણ સવાયી અને એમનાથી પણ વધારે શરારતી બાળકી બની ગઈ. અલકા યાજ્ઞિકનાં સર્વશ્રેષ્ઠ ગણાય એવા ગીતોમાંનું એક ગીત ‘ઘૂંઘટ કી આડ સે દિલબરકા દીદાર અધૂરા રહેતા હે.’ઘૂંઘટ કી આડ સે દિલબરકા દીદાર અધૂરા રહેતા હે ગીત, ત્યારે આવતા ફિલિપ્સ ટોપ ટેન પ્રોગ્રામમાં વર્ષનું શ્રેષ્ઠ ગીત જાહેર થયેલું..
‘યૂં હી કટ જાયેગા સફર સાથ ચલને સે. ‘મેરી નીંદ મેરા ચૈન મુજે લૌટા દો.’ જેવા સદાબહાર ગીતો અને બાકીના દરેક કલાકારોનો સમતોલ અભિનય અને મહેશ ભટ્ટના દિગ્દર્શનની ચમક ફિલ્મને ચકચકિત ચમકાવીને દર્શકો પાસે પરદા પર રજૂ કરે છે.
આમિરખાન જે ફિલ્મ કરે એમાં પોતે જ સર્વશ્રેષ્ઠ દેખાવો જોઈએ એવી ખાતરી કરીને જ ફિલ્મ સ્વીકારે છે અને એ પછી પણ જો એને એમ લાગે કે ફિલ્મમાં બીજું પાત્ર એના પર હાવી થઈ જશે તો એ સ્વીકારેલી ફિલ્મ પણ તરછોડી દે છે. યશ ચોપરાની ‘ડર’ અને ડેવિડ ધવનની ‘દીવાના મસ્તાના’ આ જ કારણે આમિરે છોડલી. ‘ડર’ ફિલ્મમાં શૂટિંગ શરૂ થતાં એને લાગ્યું કે સની જ છવાઈ જશે ફિલ્મમાં અને પોતે નેગેટિવ ભૂમિકામાં ખોવાઈ જશે. એટલે એ ફિલ્મ છોડી અને ગોવિંદા સાથે કોમેડી ટાઈમિંગમાં પોતાનો કોઈ કલાસ નથી એ જાણીને ‘દિવાના મસ્તાના’ છોડી દીધું. આમિર ફક્ત બે જ ફિલ્મમાં થાપ ખાઈ ગયો, એક તો રાજકુમાર સંતોષીની કોમેડી ક્લાસિક ‘અંદાઝ અપના અપના’માં એણે સલમાનને કોમેડીમાં નબળો માનીને ફિલ્મ કરી પણ ફિલ્મમાં સલમાન આમિર કરતા સવાયો સાબિત થયો અને ‘હમ હૈ રાહી પ્યાર કે’માં જુહી આમિરને વટી ગઈ.
રાહુલ મલ્હોત્રા બનતા આમિરને પોતાની બહેનના ત્રણ સંતાનો ઉછેરવાની જવાબદારી આવી પડે છે અને બાળકો આ ફિલ્મમાં એમના મામાને સતત ‘મામા’ બનાવ્યા કરે છે. સાઉથમાંથી ભાગીને મુંબઈ આવી ગયેલી જુહી અને ત્રણ બાળકો સિનેમાનો પરદો સતત જીવંત રાખે છે. એક્ટ્રેસ નવનીત નિશાનનો પણ વેમ્પ તરીકે ખૂબ જ સરસ અભિનય, કોઈ ફિલ્મમાં દર્શકોને નવનીત નિશાન પાત્ર તરીકે યાદ રહી ગઈ હોય તો એ આ ફિલ્મ છે.
૧૯૯૩ એટલે આજે ત્રીસેક વરસ પસાર થઈ ગયા છે અને આ ફિલ્મમાં ક્યૂટ ચબરાક બાળક સનીની ભૂમિકા ભજવતો બાળક કુણાલ ખેમુ પોતે ફિલ્મોમાં કામ કરતો કલાકાર થઈ ગયો છે અને પટોડી ખાનદાનનો જમાઈ બની ગયો છે.
વિકી બનતો શાહરુખ ભરુચા અમુક ટીવી સિરિયલોમાં કામ કરીને પછી એકાએક જ ફિલ્મજગત અને ટીવી જગતને રામરામ કરીને બધું છોડીને ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સુખી પરિવાર જીવન વ્યતીત કરે છે અને કોઈ કંપની ચલાવે છે. મુન્ની બનતી બેબી અશરફા વિશે કોઈ માહિતી નથી. હળવી ફુલ ફિલ્મ, ફિલ્મના બધા જ પાસાઓમાં શ્રેષ્ઠ સુપરહિટ ફિલ્મ છે.

RELATED ARTICLES

Most Popular