મેલ મેટર્સ-અંકિત દેસાઈ

પાછલા બે લેખોમાં આપણે રિલેશનશિપ એન્ક્ઝાઈટી વિશે વાત કરી. જેમાં રિલેશનશિપ એન્ઝાઈટી શું છે, એનાં કારણો શું અને એમાંથી બહાર કઈ રીતે નીકળાય એ વિશે ચર્ચા કરી. એ દરમિયાન કેટલાક વાચકોએ સમાજ તરીકે આપણે સૌ વિચારવા મજબૂર બનીએ એવો પ્રશ્ર્ન કર્યો કે રિલેશનશિપ એન્ક્ઝાઈટી એ તો માનસિક પ્રશ્ર્ન છે. પરંતુ કપલ્સમાં વાસ્તવમાં અમુક પ્રશ્ર્નો હોય છે. જે પ્રશ્ર્નોમાં એક્સ્ટ્રા મરાઈટલ્સથી લઈ, બાય સેક્સયુઅલ એક્ટિવિટિઝ કે પછી એકબીજા પ્રત્યેના પ્રેમ કે આદરનો અભાવ હોય છે. એવા સંજોગમાં જો કપલને સંતાન નથી હોતું તો તેઓ આસાનીથી છૂટાં થઈ જાય છે, પરંતુ સંતાન જન્મી ચૂક્યા પછી કે સંતાન અત્યંત નાનું હોય ત્યારે કપલ્સ વચ્ચે એક્સ્ટ્રા મરાઈટલ, બાય સેક્સયુલ એક્ટિવિટિઝ કે એકબીજા પ્રત્યેના અનાદરના પ્રશ્નો ઊભા થાય તો શું કરવું?
આ મુદ્દો ખરેખર અત્યંત ગંભીર છે. કારણ કે આવા પ્રશ્ર્નોમાં કપલ્સ તો મ્યુચ્યુઅલી કે કાયદાકીય રીતે છૂટા થઈ શકે. પરંતુ સંતાનનું શું? એના ભવિષ્યનું શું? શું તેણે લિગલી ડિપાર્ટેડ માતા-પિતાના ઈમોશનલી ડિપાર્ટેડ સંતાન તરીકે અમુક અભાવો વિના મોટા થવાનું? કાયદો તો આવા કિસ્સામાં સંતાનની જવાબદારી માતાને સોંપી દે છે અને પિતાને માથે ભરણપોષણની જવાબદારી આપે છે. અને માતા-પિતા બંને વહેલાં કે મોડા એવું કરવા રાજી થઈને પોતપોતાના રસ્તે ફંટાઈ જવાનું પસંદ કરતાં હોય છે.
પરંતુ સંતાનોના પર્સપેક્ટિવથી આ બાબત નૈતીક ખરી? સંતાનને એકલવાયું અથવા યાતનાઓથી ભરેલું અથવા અભાવોથી ભરેલું જીવન આપી શકાય ખરું? કોઈ એમ દલીલ કરી શકે કે સંતાનને ભરણપોષણ તો મળે છે. અથવા તેની મા પણ સારું એવું કમાઈ જ લેતી હશે. પરંતુ એનાથી તો સંતાનની ભૌતિક જરૂરિયાત સંતોષાય છે. એનાથી સંતાનને ભાવનાત્મક સપોર્ટ થોડો મળે? તેની અંદર જન્મી જતા હારેલા કે એકલા હોવાના ભાવને કોઈ બજારૂ સવલતથી પૂરી શકાય ખરો?
તો પછી એવા કિસ્સામાં કરવું શું? આ બાબતે અમે અનેક એક્સપર્ટ્સ સાથે વાત કરી. સાયકોલોજિસ્ટ્સથી લઈ કાયદાના નિષ્ણાતો કે પેરેન્ટિંગ એક્સપર્ટ્સ સુધીના લોકોને અમે આ વિશે પૂછ્યું કે સંતાન જન્મી ગયાના થોડા સમય પછી કપલ વચ્ચે એક્સ્ટ્રા મરાઈટલથી લઈ એકબીજા પ્રત્યેની રિસ્પેક્ટના અભાવના પ્રશ્ર્નો ઊભા થાય તો એવા કિસ્સામાં કપલ્સનું પોતપોતાના રસ્તે ફંટાઈ જવું કેટલું યોગ્ય?
તો પેરેન્ટિંગ એક્સપર્ટ્સ અને સાયકોલોજિસ્ટ્સ તો એમ કહે છે કે પછી કપલ્સે થોડી બાંધછોડ કરીને, પોતાના અરમાનો જવા દઈને એડ્જસ્ટ કરી લેવું જ શ્રેષ્ઠ રસ્તો છે, પરંતુ સંતાનના ભવિષ્ય સાથે ચેડાં ન કરવા જોઈએ. પણ કાયદાના એક્સપર્ટ્સ પણ એમ જ કહે છે, ડિપાર્ટ થયેલા અમુક બાંધછોડ ન કરીને ડિપાર્ટ થયેલા કપલ્સના કેસ સ્ટડીઝ પણ એમ જ દર્શાવે છે કાયદાની જીત કરવામાં સંતાનની ભાવનાઓની હાર થાય છે અને એવા સંતાનો આજીવન એક ચોક્કસ અભાવ અને એ અભાવગ્રસ્ત પર્સનાલિટી સાથે મોટા થાય છે.
એટલે અહીં પ્રશ્ર્ન ઊભો થાય છે કે તો પછી બાંધછોડ કોણે કરવી અને કેટલી કરવી? હા, એમાં જો વાયોલન્સના અત્યંત ગંભીર પ્રશ્ર્નો હોય તો તો સ્વાભાવિક જ છૂટા પડવું હિતાવહ છે. પરંતુ અનેક કપલ્સ એવાં છે, જેમની વચ્ચે વાયોલન્સ નહીં, પરંતુ એક્સ્ટ્રા મરાઈટલ, બાય સેક્સયુઅલ એક્ટિવિટિઝ કે પછી એક બીજા પ્રત્યેની સમજણ કે ઈગોના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આ બધા પ્રશ્ર્નો એવા છે કે એમાં કોઈ એક પાર્ટનરની ભૂલ હોવા છતાં બીજા પાર્ટનરની ખેલદિલીથી સોલ્વ થઈ શકે છે. યસ, ભૂલ થઈ જ હશે. કોઈ બાબત ઓચિંતા નથી થતી. ઈરાદાપૂર્વક જ થતી હોય છે. અને જ્યારે પોતાના લાઈફ પાર્ટનરે એક્સ્ટ્રા મરાઈટલની કે બાયસેક્સુઅલ રિલેશનશિપની કે સતત પોતાનો ઈગો મોટો કરીને ડોમિનેટ કરવાની કોઈ મોટી ભૂલ કરી હશે તો બીજા પાર્ટનરને ચીટ થયાનું અત્યંત દુ:ખ પણ થાય અને તેને આક્રોશ પણ અત્યંત આવે.
પણ એવા સમયે એ પાર્ટનરના ખભે એક મોટી જવાબદારી એ પણ આવે છે તે આખા ઈશ્યુને કઈ રીતે સોલ્વ કરે છે. પોતાના આક્રોશ અને પોતાની સાથે થયેલા અન્યાયને થોડા સમય માટે એ ખેલદિલીપૂર્વક કે ધીરજપૂર્વક ભૂલી જાય છે તો એકસાથે બે બાબત બની શકે છે. એક બાબત એ કે તેના પાર્ટનરની અંદર પોતાની ભૂલની ગિલ્ટ ઊભી થશે અને એ ગિલ્ટથી પાર્ટનર પોતાની ભૂલોનું પુનરાવર્તન નહીં કરે અને થોડાં વર્ષોમાં એ ભૂલો અને એ કિસ્સા ક્યા માળિયે ચઢી જાય એની ખબર પણ નહીં પડે. તો બીજી બાબત એ બનશે સંતાનને તો સ્વપ્નેય ખ્યાલ ન આવે કે તેના જીવન પર આવી ચઢેલું ઝંઝાવાત તેની માતા કે તેના પિતા દ્વારા ક્યારનું ય દૂર કરી દેવાયું છે! આ મુદ્દો છે ગંભીર અને ઈમ્પ્રેક્ટિકલ પણ લાગે એવો છે. પણ વિચારવા જેવો તો છે જ. વિચારી જોજો.

Google search engine