મહારાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 15 હજારથી વધુ બાળ વિવાહ થયા હોવાની કબૂલાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. વિધાન પરિષદમાં એક લિખિત પ્રશ્નનો જવાબ આપતી વખતે સરકાર દ્વારા આ વાતનો ખૂલાસો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ 18 વર્ષથી નીચેની ઉંમરની 15 હજાર 253 યુવતીઓ માતા બની હોવાની વિગતો પણ જાણવા મળી હતી.
બાળ વિવાહની કુપ્રથા રોકવા માટે 2006માં બાળ વિવાહ પ્રતિબંધ કાયદો ઘડવામાં આવ્યો હતો. જોકે આ કાદાનો કોઇ ઠોસ અમલ થતો હોય એવું નથી લાગી રહ્યું. આઘાતજનક વાત તો એ છે કે બાળ વિવાહનો ભોગ બનેલી 15 હજાર 253 યુવતીઓ જે 18 વર્ષથી નીચેની ઉંમરની છે તે માતા બની હોવાની જાણકારી મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ ક્રાઇમ રેકોર્ડ મુજબ રાજ્યમાં 2019, 2020 અને 2021માં 152 ગુનામાંથી 137 ગુનાનું દોષ પત્ર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું છે. આમા ગંભીર બાબત તો એ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્ય સરકાર માત્ર 10 ટકા બાળ વિવાહ રોકવામાં સફળ થઇ છે.
પરભણી જિલ્લો બાળ વિવાહમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે
પરભણી જિલ્લો બાળ વિવાહમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે. છેલ્લાં કેટલાંય સમયથી પરભણી જિલ્લામાં બાળ વિવાહનું પ્રમાણ દેખીતી રીતે વધ્યું છે. છેલ્લાં છ દિવસમાં જિલ્લામાં 9 બાળ વિવાહ રોકવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ જિલ્લામાં ચાઇલ્ડ લાઇન સંસ્થાની મદદથી બાળ વિવાહ રોકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને બાળ વિવાહ મૂક્ત પરભણી એવો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે.