પ્રદૂષણ નિયંત્રણ, આરોગ્ય વ્યવસ્થાને બળવત્તર, પ્રશાસનમાં પારદર્શિતા, સુશોભીકરણનો સમાવેશ કરો
દિલ્હી, ગુડગાંવ અને લખનઊની માફક મુંબઈમાં પણ એર પ્યુરિફાયર ટાવર બેસાડાશે
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી માયાનગરી મુંબઈની હવાનો ગુણવત્તાનો સ્તર ઘટી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં લેતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈની હવાને સુધારવા માટે નવો નિર્ણય લીધો છે અને પાલિકાના કમિશનરને અમુક નિર્દેશો સૂચવ્યા હતા.
મુંબઈમાં પ્રદૂષણનિયંત્રણ માટે એર પ્યુરિફાયર ટાવર, ડાયાબિટીસ અને હાઈ બ્લડ-પ્રેશરની બીમારીથી પીડાતા નાગરિકોના ઘરે ઘરે જઇને તપાસ કરવી, પાલિકાની શાળામાં કુશળતા વિકાસ કેન્દ્ર શરૂ કરવાં, પાલિકા પ્રશાસનમાં પારદર્શિતા અને શહેરનું સૌંદર્યીકરણ જેવા વિષયનો સમાવેશ મુંબઈ મહાપાલિકાના આગામી બજેટમાં કરવો, એવો નિર્દેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાલિકા કમિશનર આઈ.એસ. ચહલને આપ્યો છે.
મુંબઈ મહાપાલિકાના આ વર્ષના બજેટને તૈયાર કરતા સમયે મુંબઈગરાના આરોગ્યની કાળજી લેતાં તેઓને સારા શાસનનો અનુભવ થાય એ માટે વિવિધ મુદ્દાઓ અને ઉપાયયોજનાઓનો સમાવેશ કરવામાં આવવો જોઇએ, એવું પણ મુખ્ય પ્રધાને પાલિકા કમિશનરને જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈમાં પ્રદૂષણને નિયંત્રણ અને હવાની ગુણવત્તાને નિયંત્રિત રહે એ માટે દિલ્હી, ગુડગાંવ અને લખનઊની માફક એર પ્યુરિફાયર ટાવર શહેરમાં બેસાડવામાં આવશે. આ સાથે અર્બન ફોરેસ્ટી વધે એ માટે ઉપાયયોજનાઓ કરવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.