મુંબઈ: મુંબઈ રેલવેમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે પણ એની સાથે સાથે આત્મહત્યાનાં કિસ્સા વધી રહ્યાં છે, તાજેતરમાં પશ્ચિમ રેલવેનાં ચીફ લૉકો ઇન્સ્પેક્ટરે વિલેપાર્લે સ્ટેશને ટ્રેનની નીચે ઝંપલાવ્યું હતું. તે લોકલ ટ્રેનને આવતી જોઈને પ્લેટફોર્મ પરથી નીચે ઉતરીને રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો અને ગણતરીની સેકન્ડમાં ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં વિલેપાર્લે સ્ટેશને ગુરુવારે બપોરના ૧.૪૫ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. સ્ટેશને ડાઉન લોકલ ટ્રેન આવતી જોઈને એક વ્યક્તિ સીધો રેલવે ટ્રેક પર કૂદીને આડો સૂઈ ગયો હતો ત્યારબાદ તેના પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી, જેમાં તેનું મોત થયું હતું.
મૃતકની ઓળખ રાકેશ ગૌડ (૫૭) તરીકે કરવામાં આવી હતી. ગૌડ પશ્ચિમ રેલવેમાં ચીફ લોકો ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે આત્મહત્યા માટે કોઈને જવાબદાર ઠરાવ્યા નથી, એમ પોલીસે જણાવ્યું હતું. ગૌડ (૫૭ વર્ષ)નાં પરિવારમાં બે દીકરી અને પત્ની છે. જોકે તેમણે શા માટે અંતિમ પગલું ભર્યું તેના માટે કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. પોલીસે વધુમાં કહ્યું હતું કે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક અનિંદ્રા (Insomania)થી પીડાતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આત્મહત્યાનો વિડિયો વાઇરલ થયા બાદ લોકોએ તેની ગંભીર નોંધ લીધી હતી. એના સિવાય ગયા બુધવારે પણ રાતના આવો બનાવ બન્યો હતો. બદલાપુર અને અંબરનાથ રેલવે સ્ટેશનની વચ્ચે એક શખસે લોકલ ટ્રેનની સામે પડતું મૂક્યું હતું. આ અકસ્માતમાં શખસનું મોત થયું હતું. મૃતકની ઓળખ ગિરીષ નંદલાલ ચૌબે (35) તરીકે કરવામાં આવી હતી. અકસ્માતના સ્થળેથી એક પત્ર મળ્યો હતો, જેમાં અંતિમ પગલું ભરવા માટે અમુક શખસને જવાબદાર ગણાવ્યા હતા. મુંબઈ રેલવેમાં વધતા આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે એ ચિંતાજનક બાબત છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.