બ્રેસ્ટ કેન્સર સામે જંગ જીતીને છવિ મિત્તલે આપ્યો નવો જીવન મંત્ર

લાડકી

પ્રાસંગિક-અનંત મામતોરા

અભિનેત્રી છવિ મિત્તલ બ્રેસ્ટ કેન્સર સાથેની તેની લડાઈ અને પોતાની જીવનયાત્રાના ઉતાર-ચઢાવ તેમ જ જીવનમાં અત્યાર સુધીમાં શીખેલા પાઠ વિષે વિસ્તારથી જણાવે છે.
છવિ કહે છે કે તેને કેન્સરની જાણ અચાનક જ થઈ અને તેની જિંદગી એક દિવસમાં બદલાઈ ગઈ. તે કહે છે, ‘એક રાતે હું શાંતિથી ઊંઘી રહી હતી અને બીજી સવારે મને કેન્સર હોવાની જાણ થઈ. એક દિવસમાં આખી જિંદગી બદલાઈ ગઈ.’
ઝી ટીવીના એક શોથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારી છવિ પંદર વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. હરિયાણાના ગુરુગ્રામની છવિ shhh…કોઈ હૈ’ અને ‘ટ્વિન્કલ બ્યુટી પાર્લર’ જેવા શોથી મશહૂર થઈ હતી. અત્યારે તે પોતાના પતિ મોહિત હુસેન સાથે એક ડિજિટલ પ્રોડક્શન કંપની ચલાવે છે. અત્યારે છવિ પોતાની કહાણી લોકોને કહેવા અને સ્તન કેન્સર વિષે જાગૃતિ ફેલાવવા પ્રવાસ કરી રહી છે. એપ્રિલમાં તેણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પોતાના ફોલોઅર્સને જણાવ્યું કે તેને કેન્સર થયું છે. સાથે તેણે જણાવ્યું કે તેની સર્જરી અને રેડિયેશન વિષે પણ ચર્ચા કરવા તૈયાર છે.
તેના જણાવ્યા મુજબ વર્કઆઉટ કરતી વખતે તેને છાતી પર ઈજા થતાં તે ડોક્ટર પાસે ગઈ. ત્યાં એમઆરઆઈ કર્યું તો ડોક્ટરને બીજી તરફ ગાંઠ દેખાઈ. ડોક્ટરે તરત સોનોગ્રાફી અને એક બાયોપ્સી કરવા કહ્યું, જેમાં પુષ્ટિ થઇ કે કેન્સર છે. છવિ કહે છે, કેન્સરની જાણ થતાં તે રડી કે ગભરાઈ નહિ, પણ શાંત હતી. તે ઘણી વાર નાની નાની વાતોમાં પરેશાન થઇ જાય છે, પણ જ્યારે મોટી તકલીફ આવે છે ત્યારે ખૂબ શાંત રહે છે.
છવિ જણાવે છે કે ‘આ ખબરને ગળે ઊતરતાં થોડો સમય લાગ્યો. મેં પોતાને હકીકત સ્વીકાર કરવાનો થોડા દિવસનો સમય આપ્યો. એ સમયમાં મેં થોડું ગ્રાઉન્ડ વર્ક કર્યું. ડોક્ટરો સાથે વાત કરી, બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સ સાથે વાત કરી અને તેમની સાથે વાત કરીને મને સમજાયું કે જો કેન્સરની જાણ જલદી થઇ જાય તો તેનો ઈલાજ થઇ શકે છે.’
એન્કોલોજીના ડાયરેક્ટર, ડો. રાજસુંદરમ જણાવે છે, ‘ચેન્નાઈ, મુંબઈ, બેંગલુરુ જેવાં શહેરોમાં જાગૃતિ વધારે છે અને શહેરોની મહિલાઓની સરખામણીમાં ગ્રામીણ ક્ષેત્રોની મહિલાઓમાં ખાસ્સું અંતર હોય છે, જ્યાં જાગૃતિ અને સુવિધાઓની પહોંચ ઓછી છે.’
તેમના કહેવા મુજબ શહેરી મહિલાઓ નિયમિત તપાસ માટે આવે છે, એટલે રોગની જાણકારી જલદી મળવાની સંભાવના છે. જ્યારે ગ્રામીણ મહિલાઓ બહુ મોડી આવે છે જેથી તેમના ઈલાજ અને બચવાની તકો ઘટી જાય છે. તેઓ કહે છે, ‘સરકારોએ ગ્રામીણ ક્ષેત્રોમાં સુલભ દેખભાળ અને સ્વાસ્થ્ય શિક્ષાની દિશામાં કામ કરવાની જરૂર છે.’
હુ (WHO) મુજબ દુનિયામાં સૌથી વધુ થતું કેન્સર, બ્રેસ્ટ કેન્સર છે. બ્રેસ્ટ કેન્સર ઇન્ડિયા અનુસાર, ભારતમાં દર ચાર મિનિટમાં એક મહિલાને સ્તન કેન્સરની જાણ થાય છે. છવિ મિત્તલ કહે છે, જ્યારે ડોક્ટરે તેને ગાંઠ હોવાનું જણાવ્યું ત્યારે તેણે એ વાત બહુ ગંભીરતાથી ન લીધી. બાયોપ્સી પણ અનિચ્છાથી કરાવી. તે કહે છે, ‘રિપોર્ટ આવતાં પહેલાં હું ડરી ગઈ હતી. મને કેન્સર નહોતું થવું જોઈતું, પણ મને લાગે છે કે બધાની પ્રતિક્રિયા આવી જ હશે.’
કેન્સરનો કેવી રીતે કર્યો મુકાબલો?
છવિ કહે છે, આ કપરા સમયમાં પરિવાર તેના પડખે ઊભો હતો. એ કહે છે, ‘મારા પતિ મારો સૌથી મોટો સહારો હતા. તેમણે હોસ્પિટલ, કામ અને ઘર બધું એકલે હાથે સાંભળ્યું. મારાં બાળકો પણ સમજણાં છે. મારી દીકરી નવ વર્ષની છે અને તેને મેં જ્યારે કહ્યું તો તે રડી પડી, પણ મેં તેને સમજાવ્યું કે બીજી કોઈ પણ બીમારીની જેમ હું આનો પણ મુકાબલો કરીશ. મારો દીકરો ત્રણ વર્ષનો છે. આ બધું સમજવા માટે તે હજી નાનો છે. તેને માત્ર એટલી ખબર છે કે મને ‘ચોટ’ વાગી છે અને હું તેને ઊંચકી નહીં શકું. જાણે એ અચાનક મોટો થઇ ગયો હોય તેમ, હું હોસ્પિટલમાં હતી ત્યારે એ ઘરમાં બહુ ડાહ્યો થઈને રહ્યો.’
કેન્સર એક એવી બીમારી છે જેમાં તમારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો, સિવાય કે તેની સામે લડવું. છવિ કહે છે, ‘જેમ કે તમારા પેટમાં બાળક હોય તો એક સમયે તે બહાર આવવાનું જ છે. પછી ડિલિવરી ટેબલ પર ગભરાવાનો કોઈ અર્થ નથી. મેં કેન્સરની સર્જરીને અન્ય કોઈ સર્જરી જેવી જ સમજીને કરાવવાનો નિર્ણય કર્યો. આમ પણ આપણી પાસે વિકલ્પ નથી હોતો કે કેન્સર થશે કે નહીં. એક વાર તમે તેનાથી ગ્રસ્ત થાઓ એટલે તેની સામે લડવાનું તો છે જ.’
સર્જરી અને રેડિયેશન પછી શરીર પર પડતા પ્રભાવ વિષે વાત કરતાં તે કહે છે કે સર્જરીને બે મહિના થઇ ગયા અને હવે એ ઠીક પણ થઇ રહી છે. તે કહે છે, ‘મારું રેડિયેશન પંદર દિવસ પહેલાં પૂરું થઇ ગયું હતું. મને હજુ દર્દ છે, સ્તન સૂજેલાં છે અને રંગ બદલાઈ ગયો છે. આ એક ધીમી પ્રક્રિયા છે. હું બધો વખત માનસિક અને શારીરિક રીતે મજબૂત રહી છું, પણ કેટલાક દિવસો એવા પણ હોય છે કે જ્યારે મને લાગે છે કે આ બધાથી ક્યારે છુટકારો મળશે? હું જલદી સારી થઇ જાઉં તે માટે જે બની શકે તે બધું મેં કર્યું. મેં ફિઝિયોથેરપી જલદી શરૂ કરી, સક્રિય રહેવાની કોશિશ કરી અને આરોગ્યપ્રદ ભોજન કર્યું.’
જોકે છવિ કહે છે કે શારીરિક રીતે ઘણું બદલાઈ ગયું છે. સ્તન સૂજેલા છે, ભારે થઈ ગયાં છે અને દુખાવો પણ થાય છે અને તે જમણા પડખે ઊંઘી નથી શકતી. જમણા હાથે વજન નથી ઉપાડી શકતી અને થાક લાગે છે, પણ સૌથી વધુ પરિવર્તન વિચારોમાં આવ્યું છે. તેણે સ્વયંને પ્રાથમિકતા આપતાં શીખી લીધું છે. ‘હું હંમેશાં ભાગ-દોડમાં રહેતી હતી અથવા કામમાં વ્યસ્ત રહેતી અથવા બાળકોની સંભાળમાં પડી રહેતી. મારી પાસે પોતાના માટે તો જાણે સમય હતો જ નહીં. હું પોતાના પર દબાણ નાખતી હતી. બધું પરફેક્ટ હોવું જોઈએ તેવું માનતી. ભારતમાં ઘણી મહિલાઓ આમ જ કરે છે, પણ સૌથી મહત્ત્વની વાત મેં એ શીખી કે જીવનને હળવાશથી ન લેવું જોઈએ. ૪૦થી વધુ ઉંમરની બધી મહિલાઓએ દર વર્ષે મેમોગ્રામ કરાવવું જોઈએ.’
ડોક્ટર્સ કહે છે કે ત્રણ રીતની તપાસ હોય છે – સેલ્ફ એક્ઝામિનેશન, ક્લિનિકલ એક્ઝામિનેશન અને સ્ક્રીનિંગ ટેસ્ટ, જેમ કે મેમોગ્રામ. દર મહિને સ્વયં તપાસ કરો. પોતાની આંગળીઓનો ઉપયોગ કરીને સ્તનોને તપાસો કે ક્યાંય ગાંઠ, કોઈ ડાઘ કે કોઈ બદલાવ તો નથીને? ક્લિનિકલ એક્ઝામિનેશન તાલીમબદ્ધ નર્સ દ્વારા કરવામાં આવે છે. સ્વયં તપાસથી મહિલાઓને કેન્સરને જલદી શોધી કાઢવામાં મદદ મળે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર એકવીસ મહિલાઓમાંથી એકને સ્તન કેન્સર હોય છે. જાગૃતિ અને શિક્ષણથી આયુષ્ય વૃદ્ધિ થઇ છે અને વાર્ષિક તપાસ, ૪૦ વર્ષ પછી રોગની જલદી ખોજ કરવામાં મદદ કરે છે. પ્રાથમિક સ્તરમાં કેન્સરની ભાળ મળી જાય તો જીવિત રહેવાની સો ટકા શક્યતા છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.