છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બઘેલે મોદીને મળ્યા બાદ તેમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ તેમના રાજ્યના મુદ્દાઓને લઈને પીએમ મોદીને મળ્યા હતા.
મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, તેમણે છત્તીસગઢના મુદ્દાઓને લઈને પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે સમય માંગ્યો હતો. ‘ગઈ કાલે તેમના માતા હીરાબેનનું અવસાન થતાં મેં મુલાકાત બીજા કોઈ દિવસે કે પછી મોકૂફ રાખવા વિનંતી કરી હતી, પરંતુ મને કહેવામાં આવ્યું હતું કે કાર્યક્રમ નિર્ધારિત સમય મુજબ યોજાશે. આવું બહું ઓછું જોવા મળે છે કે આવી ઘટના થયા પછી પણ તમામ કાર્યક્રમો નિયત સમય મુજબ કરવામાં આવે. મોદીએ ગઇ કાલે તમામ કાર્યક્રમો સમય મુજબ કર્યા હતા અને આજે પણ મને મળવા માટે સમય આપ્યો હતો.
વિપક્ષના પીએમ પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીનું નામ આગળ કરનાર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથનું તેમણે સમર્થન કર્યું હતું ્ને જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર તરીકે તેઓ ચોક્કસપણે ઈચ્છે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર બને.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે શુક્રવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. કમલનાથે કોંગ્રેસની દેશવ્યાપી ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરવા બદલ ગાંધીની પ્રશંસા પણ કરી હતી.