Homeસ્પોર્ટસબંગલાદેશ સામે ટેસ્ટમાં સદી ચૂક્યો ચેતેશ્ર્વર પૂજારા

બંગલાદેશ સામે ટેસ્ટમાં સદી ચૂક્યો ચેતેશ્ર્વર પૂજારા

ભારતે પ્રથમ દિવસે બનાવ્યા ૨૭૮ રન

અડધી સદી: બંગલાદેશના ચાત્તોગ્રામ ખાતે ભારત અને બંગલાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે અડધી સદી ફટકાર્યા બાદ શ્રેયસ અય્યર સાથે ઉજવણી કરી રહેલો ચેતેશ્ર્વર પૂજારા. (એજન્સી)

ઢાકા: બંગલાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ છ વિકેટ ગુમાવીને ૨૭૮ રન બનાવી લીધા છે. દિવસના અંતે શ્રેયસ અય્યર ૮૨ રને રમતમાં હતો.
ભારતીય કેપ્ટન લોકેશ રાહુલે ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે ગિલ સાથે મળીને સારી શરૂઆત આપી હતી. જોકે, ગિલ ૨૦ રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે ટીમનો સ્કોર ૪૧ રન હતો. ગિલ પેવેલિયન પરત ફરતાની સાથે જ કેપ્ટન રાહુલ અને વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયા હતા.
ભારતીય ટીમ ૪૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પહેલા દિવસે લંચ સુધીમાં ભારતે ત્રણ વિકેટના નુકસાન પર ૮૫ રન બનાવ્યા હતા. આ પછી પંત અને પૂજારાએ ભારતીય દાવને સંભાળ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી કરી હતી. આ પછી પંત પણ ૪૬ રન બનાવીને આઉટ થયો હતો.
પૂજારાએ શ્રેયસ સાથે મળીને ઇનિંગને આગળ ધપાવી હતી. બંનેએ શાનદાર બૅટિંગ કરી અને પોતપોતાની અડધી સદી પૂરી કરી હતી. જો કે, પૂજારા દિવસના અંતે તેની સદી સુધી પહોંચે તે પહેલાં જ આઉટ થઈ ગયો હતો. તેણે ૯૦ રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અને પૂજારાએ પાંચમી વિકેટ માટે ૧૪૯ રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ભારતીય ટીમને મેચમાં પરત લાવી હતી. આ પછી અક્ષરે શ્રેયસ સાથે મળીને ૧૯ રન જોડ્યા હતા, પરંતુ તે પણ દિવસના છેલ્લા બૉલે આઉટ થઈ ગયો. હવે શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. તે ૧૬૯ બૉલમાં ૮૨ રન બનાવીને અણનમ રહ્યો છે.
બંગલાદેશ તરફથી પ્રથમ દિવસે તૈજુલ ઈસ્લામે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ મેહદી હસન મિરાજને બે વિકેટ મળી હતી. ખાલેદ અહેમદને એક સફળતા મળી હતી. હવે બીજા દિવસે બંગલાદેશના બૉલરો ભારતીય ટીમને ઝડપથી કાબૂમાં રાખવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ૩૫૦ રનનો આંકડો પાર કરવા ઈચ્છશે. આ મેચમાં શ્રેયસ અય્યરને ઇબાદત હસને આઉટ કર્યો હતો, પરંતુ બેલ્સ જમીન પર પડ્યા ન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular