ચેમ્બુર, ગોવંડીની હવા અતિ પ્રદૂષિત
મુંબઈના ચેમ્બુર, ગોવંડી વિસ્તારોમાં હવાનું સ્તર રવિવારે અતિ પ્રદૂષિત સ્તર પર પહોંચી ગયું હતું. મુંબઈમાં ચેમ્બુર વિસ્તારમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ હતી. રવિવારે રજા હોવા છતાં, હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી જતાં સ્થાનિક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેઓ એવી ફરિયાદ પણ કરતા હતા કે હવાની સમસ્યાને કારણે તેમને ત્રાસ થઇ રહ્યો છે.
‘સફર’ સંસ્થાની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, રવિવારે બપોરે ચેમ્બુરનો હવા ગુણવત્તા સૂચકાંક 332ના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયો હતો. તો મુંબઈના વરલી, બાંદ્રા, કુર્લા, મઝગાંવ વિસ્તારોમાં હવાની ગુણવત્તા મધ્યમ હતી. જ્યારે મલાડ અને કોલાબામાં હવા ખરાબ સ્તરે હતી. જોકે, રવિવાર રજા હોવા છતાં, ચેમ્બુર વિસ્તારમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ સ્તરે પહોંચી હતી, જેને કારણે સ્થાનિક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા હતા.
દેવનાર ખાતે ડમ્પિંગ ગ્રાઉન્ડ ચાલુ છે. ત્યાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. આ માટે આ વિસ્તારમાં જમીન સમથળ કરવાની કામગીરી ચાલી રહી છે. જેથી પ્રદુષણમાં વધારો થયો છે. ગોવંડી વિસ્તારમાં આવેલા આરએમસી પ્લાન્ટને કારણે પણ પ્રદૂષણ વધી રહ્યું છે, એવો આક્ષેપ સ્થાનિક રહેવાસી અને ગોવંડી ‘ન્યૂ સંગમ વેલ્ફેર સોસાયટી’ના પ્રમુખ ફિયાઝ આલમ શેખે કર્યો હતો. દરમિયાન, આ પ્રદૂષણને કારણે, સ્થાનિક લોકોએ રવિવારે પણ બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું પડ્યું હતું. શેખે ઉલ્લેખ કર્યો હતો કે પાલિકાએ આ અંગે પગલાં લેવાની જરૂર છે.