Homeઈન્ટરવલચેલૈયા રે કુંવર, ખમ્મા ખમ્મા તને... તમિળ, ક્ધનડ અને મરાઠીમાં ચેલૈયાની કથા...

ચેલૈયા રે કુંવર, ખમ્મા ખમ્મા તને… તમિળ, ક્ધનડ અને મરાઠીમાં ચેલૈયાની કથા…

તર્કથી અર્ક સુધી-જિજ્ઞેશ અધ્યાર

આજની વાત મારે આપણી એક પ્રચલિત લોકગાથા સુધી લઈ જવી છે પણ શરૂઆત દક્ષિણ ભારતથી, પછી મહારાષ્ટ્ર અને અંતે ગુજરાત..
તમિલ ભાષાનો એક ગ્રંથ છે પેરિયાપુરાણ અર્થાત મહાનપુરાણ અથવા મહાગાથા જે ૬૩ મહાન શિવભક્તો અથવા નાયનારની કથા વર્ણવે છે. બારમી સદીમાં ચોલવંશના રાજા કુલોત્તુંગના દરબારમાં શોભતા સંત શેક્કિળારે આ કથાઓને અલગ અલગ વિસ્તારોમાંથી એકત્ર કરી અને તેને વ્યવસ્થિત ગોઠવીને ગ્રંથ સ્વરૂપ આપ્યું આમ એ રચયિતા નહીં પણ સંપાદક ગણાય. ખેર, આપણે વાત કરવી છે આ ગ્રંથની ૩૫મી કથા વિશે.
આ કથા ચિરુતોણ્ડર નાયનારની છે. કાવેરી નદીના પ્રદેશમાં પરંજોતિ નામે વીર યોદ્ધો થયો, રાજાજ્ઞાથી એણે એકવાર વાતાપિ શહેર પર હુમલો કર્યો. પોતાની આયોજનશક્તિ અને ચતુરાઈથી યુદ્ધ જીતી અપાર ધનસંપત્તિ રાજાને ચરણે ધરી. જ્યારે રાજા તેના સરળ પરંતુ ભવ્ય વિજય વિશે આશ્ર્ચર્યચકિત થઈ રહ્યો ત્યારે મંત્રીઓએ તેને કહ્યું કે પરંજોતિ નાયનાર શિવનો પરમ ભક્ત છે. તેને હરાવવો અશક્ય છે. ન્યાયી રાજાને શોક થયો કે એણે એક શિવભક્તને યુદ્ધે મોકલ્યો. એણે પરંજોતિની ક્ષમા માગી તેને અઢળક ભેટસોગાદો આપી શિવભક્તિમાં જીવન વ્યતીત કરવા વિનંતિ કરી. પરંજોતિએ પોતાના નગરમાં આવી શિવભક્તિની અખંડ જ્યોત જગાવી, તેને શિરુતોણ્ડ એવું નામ મળ્યું. શિરુતોણ્ડ એટલે વિનમ્ર ભક્ત. તેમના જેવી જ શિવભક્ત ક્ધયા તિરુ વૈંકટુ સાથે તેમણે લગ્ન કર્યા. ગૃહસ્થાશ્રમમાં આ યુગલની એવી ટેક હતી કે આગંતુકને જમાડ્યા વગર જમવું નહીં. તેમને શિરાળ નામે પુત્ર થયો.
શિવજી તેની પરીક્ષા કરવા અઘોરીનું રૂપ લઈને આવ્યા. આ તરફ કોઈ આગંતુક ન મળવાથી શિરુતોણ્ડ જમાડવા માટે ભૂખ્યા વ્યક્તિને શોધવા નીકળ્યા હતાં અને ઘરમાં તેમના પત્ની અને ગૃહદેવી (દાસી) એ બે જ હતાં. એમનો પુત્ર શાળાએ ગયો હતો. કથા છે કે અઘોરી સ્વરૂપે શિવજીએ ઘરે આવી ભોજન માગ્યું પરંતુ સ્ત્રીઓ જોઈ પતિ આવે તો તેને મોકલવાનું કહી ત્યાંથી ગણપતિશ્ર્વરમના મંદિરે જઈ બેઠાં. કોઈ ન મળવાથી નિરાશ શિરુતોણ્ડ ઘરે આવ્યા તો પત્નીએ અઘોરી આવ્યાની વાત કહી. શિરુતોણ્ડ પ્રસન્ન થઈ તેમને બોલાવવા ગયાં તો અઘોરીએ તેમને કહ્યું કે હું છ મહીને એકવાર જ જમું છું અને ત્યારે બલિ ચડે છે એટલે તારાથી મને ભોજન નહીં આપી શકાય. શિરુતોણ્ડે વિચાર્યું કે તેની પાસે ઘેટાં બકરાંનું ધણ છે, એમાંથી બલિ કરીશ. તે અઘોરીને ઘરે લઈ આવ્યો. અઘોરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેને ફક્ત નરમાંસ જોઈએ અને એ પણ એકનો એક નાનકડો પુત્ર હોય એનું.
પોતાના જ બાળકને શાળાએથી બોલાવી લાવી પતિ પત્નીએ તેનો બલિ આપ્યો, મસ્તક અપવિત્ર ગણાય એમ સમજી દાસીએ એને સ્વચ્છ વાસણમાં મૂક્યું અને બાકીના અંગો રાંધી અઘોરીને ધર્યા. અઘોરીએ પૂછ્યું કે બધાં જ અંગો રાંધ્યા છે ને? માતાએ કહ્યું, મસ્તક નિષિદ્ધ ગણાય છે. ભૈરવે કહ્યું એને આખું શરીર જોઈશે. ગૃહદેવીએ અલગથી રાખેલું મસ્તક લાવી આપ્યું. ભૈરવે કહ્યું એને ખાંડો, અને હું એકલો ન જમું, પ્રસાદ કોણ લેશે? શિરુતોણ્ડ બીજા ભક્તને શોધવા ગયાં પણ કોણ મળે? આખરે પત્નીએ તેમની પત્રાવળી પણ મૂકી. ભૈરવે કહ્યું, તારા પુત્ર વિના કેમ જમી શકીએ? એને બોલાવી લાવ. બંને આશ્ર્ચર્યચક્તિ થઈ ગયાં. શિરુતોણ્ડે કહ્યું એમને બીજો બાળક નથી. અઘોરીએ હાક મારવા કહ્યું.
શિરુતોણ્ડે પુત્રને હાક મારી અને શાળાએથી આવતા તેમના પુત્રે બહારથી આવીને તેમને પ્રણામ કર્યા. અચાનક બધાંએ જોયું કે ભોજન અને આગંતુક એ બધું અંતર્ધાન થયું હતું. આટઆટલું કર્યું છતાં ભોજન વિના આગંતુક ગયાં એ વિચારે શિરુતોણ્ડ ગમગીન થઈ ગયાં અને પોતાની જાતને હોમવાનું નક્કી કર્યું.. વૃષભારૂઢ શિવે પાર્વતી અને પુત્ર સુબ્રમણ્યમ સહ દર્શન આપ્યાં અને શિરુતોણ્ડ, પત્ની, પુત્ર અને દાસી એ ચારેયને દર્શન થયાં. ચારેય શિવધામ ગયાં. આ કથા અનેક વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે જ્યાં મેં ગૂગલ ટ્રાન્સલેટની મદદથી એ વાંચી.
દક્ષિણના મંદિરોમાં આ ૬૩ નાયનારની મૂર્તિઓ હોય છે જેમની પુષ્પથી પૂજા થાય છે. આને ત્યાં એક રૂપકકથા તરીકે પણ જોવાય છે, પુત્રથી વધુ પ્રિય કંઈ હોતું નથી એમ ગણી પોતાની સર્વથા પ્રિય વસ્તુને પણ ત્યજવાની તૈયારી હોય તો શિવ મળે એવી ભાવના અહીં નિહિત છે. આ જ કથા કર્ણાટકમાં લિંગાયતોમાં પણ થોડી અલગ રીતે પ્રચલિત છે. અહીં શિરુતોણ્ડને ધનાઢ્ય વૈશ્ય તરીકે ઓળખાયા છે અને તેમને અહીં શિરિયાળ શેટ્ટી કહે છે. પુત્રનું નામ ચિલ યા છે. ચિલિ પિલિયાંડરનું ચિલ યા થયું જેનો અર્થ નાનકડો ભક્ત એમ થાય છે. જો કે ચિલ યા એ અહીં નામ નહીં પરંતુ ઉપનામ વધુ લાગે છે. ચિલ યાની માતાનું નામ ચંગલે (સુંદર) એવું છે. મરાઠીમાં આ જ અર્થનો શબ્દ છે ચાંગલા.
હવે કદાચ સ્પષ્ટ થયું હોય કે હું આપણે ત્યાં વર્ષોથી ગવાતા ચૈલૈયાના હાલરડાં, એના માતા પિતા શેઠ સગાળશા અને માતા ચંગાવતી તથા એ કથાના તમિલ, ક્ધનડ અને મરાઠી સંસ્કરણો વિશે વાત કરું છું.
મહારાષ્ટ્રમાં નામદેવ નામે એક મહાન સંત થયા જેમણે અભંગની રચના કરી. સંત નામદેવની અભંગગાથામાં પ્રકરણ ૪૫ નું શીર્ષક છે ‘શ્રીયાળ મહિમા’. નારદજી પાસેથી શ્રીયાળની ભક્તિના વખાણ સાંભળી શિવ કોઢીનું સ્વરૂપ લઈ તેની પાસે આવે છે અને કોઢને લીધે તેઓ નરમાંસ માગે છે. શેઠ અને તેની પત્ની પોતાનું માંસ સ્વીકારવા વિનંતિ કરે છે પણ આગંતુક પાંચ વર્ષના બાળકનું બલિદાન માગે છે. અહીં પુત્ર ચિલ્હણ – ચિલયો કહે છે કે મારી ચિંતા ન કરશો; આ નશ્ર્વર દેહ રહેનાર નથી એટલે મમતા છોડી કૈલાસપતિને સંતોષો. અહીં પણ મસ્તક ખાંડવાની ગાથા છે. માતા ગીત ગાય છે કે સત્ત્વશીલ સ્વામી રાજા શ્રીયાળના પુત્ર ચિલયા, તને ધન્ય છે. શિવ પરીક્ષા લેવા આવ્યા અને મારા ઉદરે અવતાર લઈ તે વંશનો ઉદ્ધાર કર્યો. અહીં પણ શિવ અંતે ચિલયાને બૂમ પાડે છે અને એ દોડતો આવે છે. મરાઠી ન આવડતું હોય પણ પ્રાથમિક હિંદી વાંચી શક્તા હોઈએ તો અભંગ થોડુંઘણું સમજાઈ જશે.
सूर्यवंशी राजा असे तो श्रीयाळ। पंच वरूषीं बाळ चिलया त्यासी।
पतिव्रता कांता नाम तें चांगुणा। अतिता भोजन घाली नित्य।
આ જ કથામાં વચ્ચે આવે છે,
येरू म्हणे माझें शरीर हें रोगी। नरमांस वेगीं देई मज।
કોઢી સ્વરૂપે આવેલા શિવ કહે છે,
राजा म्हणे माझें मांस मान्य करा। न लगे उदारा तुझे मज।
पंच वरूषीं बाळ तुझा हा चिल्हाळ। मांस हें सकळ देई त्याचें।
અંતે અભંગમાં લખાયું છે,
श्रीयाळ चांगुणा बैसबी विमानी। बाळ राजस्थानी स्थापियेला
अखंड
૬૨ પંક્તિઓના આ અભંગમાં ચૈલૈયાની આખી કથા છે અને એમાં પણ અંતે શિવલોક પામી સૂર્યવંશી રાજા શ્રીયાળ પત્ની સાથે મુક્તિ પામે છે. ચિલયાને શિવ રાજસ્થાનમાં સ્થાન આપે છે એમ કહેવાયું છે. ભક્તની કસોટીની આ ગાથા વિવિધ ભાષાઓમાં મળે છે, નામની અને સ્થળની ભિન્નતા છતાં મૂળ વાત સમાન જ રહે છે.
આ કથાનો અધ્યાત્મિક અર્થ શું થાય? મારા વિચારે ભક્તિ માટે અંતિમ ચરણ સુધીનો સર્વોચ્ચ ત્યાગ અને પોતાનાથી પણ વધુ પ્રિયનું બલિદાન – ભક્તિની અને સમર્પણની આ ઉચ્ચતમ અવસ્થા છે જ્યાં ત્યાગનું મહત્ત્વ આલેખાયું છે. અહીં ધૈર્યનો ખાંડણીયો અને વૈરાગ્યનું સાંબેલું છે જેનાથી મસ્તક અર્થાત્ અહં ખંડાઈ ભુક્કા થઈ રહ્યાં છે. ખાંડનાર ભક્ત અર્થાત
સમર્પણથી છલોછલ ત્યાગી છે અને પરીક્ષા કરનાર સ્વયં શિવ એટલે કે મુક્તિ છે. ખચકાટ વગર પોતાનો ત્યાગ આપવા તૈયાર નિશ્ર્ચળ બાળક ચેલૈયો એ અચળ મન છે, શ્રદ્ધા છે જે પરીક્ષા છતાં અખંડ રહે છે.
મૂળે ગુજરાતની આ કથા દક્ષિણ ભારત સુધી સમુદ્રમાર્ગે વિસ્તરી હોવાનું વિદ્વાનો માને છે. તુકારામ એક અભંગમાં પ્રભુ ભક્તોની કસોટી કરે છે એ વર્ણવતાં ‘શ્રીયાળ પાસે એનો પુત્ર મરાવ્યો’ એમ કહે છે. આ જ કથા દક્ષિણની અનેક ભાષાઓમાં પ્રચલિત છે. દરિયામાર્ગે ગુજરાતના પુરાતન લોકોનો અનેક વિસ્તારો સાથે સંબંધ હતો જ અને એ જ ક્રમમાં લોકો ગુજરાતની આ પુરાતન ગાથા લઈ દરિયાપાર પહોંચ્યા હોય, તો જમીનમાર્ગે પણ અત્યારના મહારાષ્ટ્રના વિસ્તાર સુધી આ ગાથા પહોંચી હોય એવી શક્યતા છે. બિલખા પાસે ચૈલૈયા ધામ અને શેઠ સગાળશા આશ્રમ આવેલ છે. માન્યતા છે કે શેઠ સગાળશા અને એમના પત્ની ચંગાવતી બિલખા નજીકના હતાં. તો ક્ધનડ કથામાં આવતા રાજા શ્રીયાળનું નામ અમરેલીના શિયાળ બેટના નામ સાથે કોઈક રીતે જોડાયેલું હશે એમ મને લાગે છે કારણ કે આ બેટ પર આવેલું ચેલૈયાનું મંદિર અને એ રીતે શેઠ સગાળશા અથવા રાજા શ્રીયાળ સાથે બેટ જોડાયેલો હોય એવી શક્યતા મને દેખાય છે.
બિલિપત્ર
ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરિંગ ઝીલે ન ભાર;
મેરુ સરિખા ડોલવા લાગે આકાશના આધાર,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ન ચૂકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular