ચિત્તાને પણ ચિંતા છે

વીક એન્ડ

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

આજકાલ જ્યાં જુઓ ત્યાં ચિત્તા વિશે ચર્ચાઓ ચાલે છે. શેરીએ, ગલીએ ચિત્તા પહોંચી ગયા છે. માત્ર વાતોથી ચિંતા ન કરતા. ચિત્તા આવવાથી સારું થયું કે ખરાબ એ તો કોઈને ખબર નથી. નાના છોકરા પાસે સરસ મજાનું રમકડું હોય છતાં બાજુવાળાના છોકરાને ગમ્મે તેવા રમકડા સાથે રમતો જોઈને પણ તે પોતાનું રમકડું બાજુ પર મૂકી અને તે બાળકનું રમકડું લેવાની જીદ પકડે. આ તો મારા મગજમાં જે ગતકડા આવે છે તે કહું છું, લેણાદેવી ન પણ હોય. અમુક સ્ત્રીઓની પણ એવી માનસિક અવસ્થા હોય કે બાજુવાળા લઈ આવ્યા તો હું શું કામ નહીં. દેણું કરીને પણ ઘી પીવું. પાર્કમાં તો ચિત્તાએ ઓછી જગ્યા રોકી છે, પરંતુ સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં અને વિઝ્યુઅલ મીડિયામાં અબજો રૂપિયાની જાહેરાતની જગ્યાએ હાલ ચિત્તા છવાયેલા છે. અમુક લોકોએ તો પહેલી વાર જ ચિત્તા જોયા હોય તેટલાં તેનાં વખાણ કરે છે. તો અમુક લોકો રાત-દિવસ ચિત્તા સાથે જ રહેતા હોય અને તેને ઓળખતા હોય તેમ તેને વખોડે છે. એલા ભાઈ, જે મહેમાન આવ્યા છે તેની લાગણી તો જાણો. હું તો અમસ્તો જ ચક્કર મારવા ગયો હતો અને મને તેમની વાતચીત સંભળાઈ ગઈ, આવું કંઈક બોલતા હતા.
‘એલા છોટુની અને મુન્યાની વાઇફ તો નો આયવી. આપડાવાળા તો કે’તા’તાને કે કપલ ટૂર છે અને આ સવારનાં છાપાં વાંયચાં? આપણને તો ૧૫દી’નું પેકેજ કહીને લયવા છે, પણ આવડા આ ટીવીવાળા ને છાપાવાળા કે છે હવે અહીં જ રે’વાનું છે.’
‘પ્લેનમાં નોખા નોખા રાયખા ત્યારે જ મને વ્હેમ ગ્યો’તો કે આવડા આ છેતરે છે. હનીમૂન ટૂરમાં આવું થોડું હોય?’
ત્યાં બીજાએ ચિંતા જતાવી ‘બહારના દેશમાંથી આવી અને જો આપણે પરફોર્મન્સ નહીં દેખાડીએ કે એમનું કીધું નહીં કરીએ તો અત્યારે જે ખુલ્લા મેદાનમાં છોડ્યા છે તે ક્યારે ખૂણામાં ધકેલી દેશે તેની ખબર નહીં પડે. ચાલો મંડો દોડવા, કીધું કરો.’
‘મારે અહીં નથી રહેવું. આ લોકો અહીં ફરવા નહીં દે. નજીકના સમયમાં ચૂંટણી આવે છે તેમાં શેરીએ, ગલીએ ફેરવી અને પ્રચારમાં આપણો ઉપયોગ કરશે. મારા પગ દુખી રહે, આપણે કાંઈ ફાયદો નહીં અને બીજા માટે જાત ઘસવી તેના કરતાં હાલોને આપણા મલકમાં.’
‘એય સાંભળ્યું? ભૂખ લાગી છે. અહીં ખાવાનું શોધવામાં વાર લાગશે તેના કરતાં જો ઓલા ભાઈ ફોટા પાડે તેને કહીએ તો તે આપણા માટે ઓનલાઇન ઓર્ડર કરી દે અને આમ પણ જેટલેગને કારણે મને થોડી અનઇઝીનેસ લાગે છે.’
બીજી ચિત્તણ (ચિત્તાની વાઇફને એ જ કહેવાયને? પહેલી વાર જોયાં છે એટલે ખબર નથી) ખુશખુશાલ ફોટોગ્રાફરની સામે સરસ પોઝ આપતી હતી, તેણે તરત જ કહ્યું, ‘ફોટો સેશન પતી જાય પછી આપણા માટે ભોજન આવશે, કારણ કે કેમેરા સામે આપણે ખાઈએ તો આપણે શું ખાઈએ છીએ તે જગત જાણે. કોઈકની નજર પણ લાગે.’
ત્યાં તો હાંફતો હાંફતો એક ચિત્તો થોડો લંગડાતો આવ્યો અને કહ્યું કે ‘આપણા જેવું નથી અહીંયાં, રસ્તામાં ખાડા બહુ છે પાછું તો પણ અડીખમ બંપ નથી તૂટ્યા. મજાની વાત તો એ છે કે આવા રસ્તા પર પણ સ્પીડ લિમિટ લખી છે. ભૈસાબ આમનું કેમ ચાલશે?’
આવું તો કંઈ કેટલું મેં સાંભળ્યું, પરંતુ ચિત્તા અને ચિંતાની વાત ક્યારેય ખતમ થવાની જ નથી. અમારા ગુજરાતમાં તો રાતના આઠ વાગ્યા પછી ‘ચિત્તા પણ પીતા હે.’ ચિત્તા લાવ્યાના ફાયદા અને ગેરફાયદા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી મિક્સમાં ચર્ચાય છે. ચૂનિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે ‘આઠ આવ્યા છે, બીજા દસ-બાર રસ્તામાં છે. ડિફરંટ કલરના આયેગા, જોજો વટ્ટ પડવાનો છે.’
દીલો તરત જ વિરોધમાં ઊભો થયો ને બોલ્યો, ‘તમારા નેતા તો ચિત્તા જ લાવ્યા છેને, જો અમારી સરકાર આવશે તો ડાયનાસોર લાવીશું.’
જુવાનિયાઓને એમાંય રોમેન્સ દેખાય છે. એક તાજા પરણેલા હરખપદૂડાએ ખાતાપીતા ઘરની પોતાની પત્નીને કહ્યું, ‘તારી કમર ચિત્તણને છે તેવી પાતળી હોવી જોઈએ.’
તો જોડ પગે ઠેકે એવી પત્નીએ કહ્યું, ‘જાવ પહેલાં તેની કમર માપી આવો એટલે કરી લઈશ.’
અત્યારે તો બધાય ચિત્તાને ચિંતા છે કે જગતમાં ઝડપ માટે આપણે વખણાઈએ છીએ, પરંતુ મોંઘવારી કરતાં આગળ કેમ નીકળવું?
——–
વિચારવાયુ
આજકાલ છાપામાં રેવડીની જાહેરાત ખૂબ આવે છે એટલે સહુથી નાનું ચિત્તું જીદે ચડ્યું છે કે મારે રેવડી ખાવી છે. સહી ટેન્શન હૈ. જો દિખતા હૈ વો બિકતા હૈ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.