ચિત્તાની ઘરવાપસી: કયા અને કેવા પડકારો રાહ જોઈ રહ્યા છે?

વીક એન્ડ

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

વાઈલ્ડલાઈફ લવર્સમાં અત્યારે આનંદની લાગણી જોવા મળી રહી છે અને તેનું કારણ એ છે કે પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલા દેશમાંથી નામશેષ થઈ ગયેલા ચિત્તાની ઘરવાપસી થઈ રહી છે… જી હા, જો બધું બરાબર પાર પડ્યું તો આ વર્ષના અંત સુધીમાં પાંચ નર અને ત્રણ માદા એમ કુલ આઠ ચિત્તા દક્ષિણ આફ્રિકાથી સાડાઆઠ હજાર કિલોમીટરની મુસાફરી કરીને ભારત પહોંચશે…
સંવર્ધન માટે માંસાહારી બિગ કેટનું એક ખંડમાંથી બીજા ખંડમાં કરવામાં આવનારા સ્થળાંતરની આ સૌપ્રથમ ઘટના છે. ચિત્તા ભારતમાં લાવવાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે એવી નિષ્ણાતોની ટીમના એક સભ્ય અને વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના વડા વિશે વાત કરતાં જણાવે છે કે આખરે હવે આપણી પાસે ચિત્તાના વસવાટ અને સંવર્ધન માટે આવશ્યક બધી જ વસ્તુઓ છે. આ ખરેખર રોમાંચક અને ચેલેંજીંગ છે.
ચિત્તા ભારતમાં આવશે પણ આખરે તેમને ક્યાંથી લાવવામાં આવી રહ્યા છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે, તો તમારી જાણ માટે કે દુનિયામાં કુલ ૭૦૦૦ ચિત્તા છે અને તેમાંથી મોટા ભાગના ચિત્તા દક્ષિણ આફ્રિકા, નામ્બિયા અને બોટસ્વાનામાં જોવા મળે છે. ભારતમાં લાવવામાં આવનાર ચિત્તા દક્ષિણ આફ્રિકા અને નામ્બિયાના હશે. દક્ષિણ આફ્રિકામાં ચિત્તા ત્રણ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે જેમ કે રેતાળ જંગલ, ગાઢ અને ગીચ નેશનલ પાર્કમાં અને ઝાડીઓમાં… આ સિવાય ચિત્તા માટેના રિઝર્વમાં તેઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. તો અમુક ચિત્તા ખાનગી માલિકીના પણ છે. દક્ષિણ આફ્રિકાના ચિત્તા રિઝર્વમાં ચિત્તાની સંખ્યા વધું હોવાથી ત્યાંના જ ચિત્તાનું સ્થળાંતર ભારતમાં કરવામાં આવશે. ૫૦ જેટલા રિઝર્વ ક્ષેત્રમાં ૫૦૦ જેટલા એડલ્ટ (પુખ્ત વયના) ચિત્તા છે.
ચિત્તાના સંવર્ધનનું કામ કરી રહેલા વ્હિંસેન્ટ વ્હેન ડર મર્વે જણાવે છે કે આ રિઝર્વના કેટલાક ચિત્તાને પકડવા માટે પશુઓના ડોકટરે હેલિકૉપ્ટરમાંથી ટ્રેન્કવીલાઇઝર ડાર્ટ્સ ચિત્તાની દિશામાં છોડ્યા હતા, જેમાંથી કેટલાક ચિત્તા આક્રમક મિજાજના હતા. આ ચિત્તાને પકડ્યા બાદ તેમની અંદર એક માઈક્રો ચિપ બેસાડવામાં આવી, ઇન્ફેક્શનને રોકવા માટે એન્ટી બાયોટિકના ઈન્જેકશન પણ આપવામાં આવ્યાં હતાં. તેમને ડ્રિપની મદદથી રિહાઈડ્રેટ કરવામાં આવ્યા. ડીએનએ માટે તેમના બ્લડ સેમ્પલ લીધા બાદ એ ચિત્તાને ક્રેટમાં રાખીને તેમને ક્વૉરેઈન્ટાઈન કરવા માંટે લઈ જવામાં આવ્યા હતા.
ભારતમાં લાવવામાં આવનાર ચિત્તામાં માદાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે અને આ માદા યુવાન હોઈ પ્રજનન કરવા માટે એકદમ સક્ષમ છે.આ સબ એડલ્ટ માદા પોતાની માતાથી છુટી પડી ગઈ છે અને હવે પોતાની અલગ દુનિયા વસાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, એવું વ્હેન ડર મર્વે વધુમાં જણાવે છે. હાલમાં આ બધા ચિત્તા દક્ષિણ આફ્રિકાના બે સ્થળે ક્વૉરેઈન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ચિત્તાઓને જે જે રોગ થઈ શકે છે એ બધા રોગના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને રેબિઝ, નાગિનની સાથે સાથે અન્ય છ રોગોની વેક્સિનેશન આ ચિત્તાઓને આપવામાં આવ્યું છે.
આ બધી કવાયત બાદ હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે ચિત્તા માટે ભારત સુધીનો પ્રવાસ પડકારજનક રહેશે કે કેમ તો એ બાબતે નિષ્ણાતોનું એવું માનવું છે કે જંગલી ચિત્તાની હેરફેર કરવી એ ખરેખર અઘરું હોય છે, કારણ કે એક તો તેઓ માનવીના સંપર્કમાં આવે છે અને બીજું કે તેમને ક્રેટમાં પૂરવામાં આવવાને કારણે તેઓ એકદમ તાણમાં હોય છે. ભારતમાં લાવવામાં આવનારા ચિત્તાને કાર્ગો પ્લેનમાં જોહાનિસબર્ગથી દિલ્હી સુધી લાવવામાં આવશે અને ત્યાંથી આગળનો પ્રવાસ બાય રોડ કે પછી હેલિકૉપ્ટરની મદદથી તેમના નવા નિવાસસ્થાન સુધી એટલે કે મધ્ય પ્રદેશ પહોંચાડવામાં આવશે. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે. ચિત્તાનો આ આખા પ્રવાસ દરમિયાન તેમને ટ્રેંક્વિલાઈઝર આપીને સ્ટેબલ બનાવવામાં આવશે. વ્હેન ડર મર્વે જણાવે છે કે આ પહેલાં પણ ચિત્તાની હેરફેર દૂર સુધી કરવામાં આવી છે. એ સમયે એક માદાને સળંગ ૫૫ કલાકનો પ્રવાસ કરીને મલાવી સુધી પહોંચાડવામાં આવી હતી. આ ખૂબ જ સહેલાઈથી હળીમળી જનારું પ્રાણી છે. હવાઈ પ્રવાસ દરમિયાન ચિત્તાની ખાવા-પીવાની શું જોગવાઈ કરવામાં આવી છે તો એનો જવાબ છે નહીં. ચિત્તાને દર ત્રણ દિવસે એક જ વખત ૧૫ કિલો માંસ ખાવા માટે આપવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં ચિત્તાને સામાન્યપણે જંગલી ડુક્કર ખાવા માટે આપવામાં આવે છે, પણ આ ચિત્તાને મધ્યમ આકારના આફ્રિકન હરણ ખાવાનું ખૂબ જ પસંદ છે. લાંબી મુસાફરી દરમિયાન ચિત્તાને ખાવાનું આપવું એ જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે ખાવાને કારણે તેમને ઊલટી થઈ શકે છે અને તેઓ ગૂંગળાઈ જવાને કારણે બીમાર પડી શકે છે.
દક્ષિણ આફ્રિકાથી ચિત્તા ભારત તો આવી ગયા પણ ત્યાર બાદ તેમને ક્યાં રાખવામાં આવશે એવો સવાલ થયો ને? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. આ ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં એક કૉર્ડન કરેલા કેમ્પમાં એક મહિના સુધી ક્વૉરેઈન્ટાઈન રાખવામાં આવશે. જોકે, આ ક્વૉરેઈન્ટાઈનનો અર્થ એવો નથી કે તેઓ પ્રજનન કરે, પણ તેઓ આ નવી જગ્યાને પોતાનું ઘર માને એ માટે તેમને ક્વૉરેઈન્ટાઈન કરવામાં આવશે. વ્હેન ડર મર્વે આ પાછળનો તર્ક સમજાવતા કહે છે કે ‘મોટાભાગના ચિત્તાઓ પોતે જે વિસ્તારમાંથી આવ્યા હોય છે એ વિસ્તારમાં પાછા જવાની પેરવીમાં હોય છે અને તેમની આ આદતને કે વૃત્તિને શાંત કરવા માટે તેમને એકાદ બે મહિના સુધી પૂરતી સુખ-સગવડ હોય એવી જગ્યાએ રાખવામાં આવે છે. આ રીતે થોડાક સમય સુધી રાખ્યા બાદ ચિત્તાને ૧,૧૫,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલા નેશનલ પાર્કમાં ખુલ્લા મૂકવામાં આવશે.
ચિત્તાને એકદમ નાજુક પ્રાણી માનવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી તે બીજાં પ્રાણીઓ સાથે સંઘર્ષ કરવાનું ટાળે છે એટલે જ બીજાં પ્રાણીઓ દ્વારા તેનો શિકાર કરવામાં આવે છે. ભારતમાં નવા નવા આવનારા ચિત્તાઓને કરવા પડનારા પડકારોની વાત કરીએ તો તેમના માટે સૌથી મોટો પડકાર હશે દીપડા. દીપડા ચિત્તાના બચ્ચાને મારીને તેમની સંખ્યાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી શકે અને તેમાં પણ ખાસ કરીને કુનો નેશનલ પાર્કમાં આવું ખાસ બની શકે. દીપડા સિવાય સિંહ, દીપડા, તરસ અને જંગલી શ્ર્વાન જેવા અન્ય પ્રાણીઓનો સામનો કરવો પડશે.
ભારતના કુનો નેશનલ પાર્કની ક્ષમતા ૨૦ ચિત્તા રહી શકે એટલી છે અને આગામી પાંચથી છ વર્ષમાં દેશના અન્ય રિઝર્વ પાર્કમાં ૫૦-૬૦ ચિત્તા લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ચિત્તાના સંવર્ધન માટેનો આ સૌથી મહત્ત્વનો પ્રયોગ હશે, એવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
અંતમાં ભારતમાં ચિત્તા લાવવા એ ચિત્તાના સંવર્ધનની દૃષ્ટિએ લેવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી સાહસી પગલું ગણી શકાય. આ પ્રજાતિને નામશેષ થતી અટકાવવાની કોઈ પણ તક મળે તો તે તકને ઝડપી લેવી જોઈએ. બસ ચિત્તા ભારતને પોતાના નવા ઘર તરીકે સ્વીકારી લે એવી આશા રાખીએ અને તેઓ પોતાના પરિવાર સાથે અહીં હસી-ખુશીથી રહે…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.