દેશમાં ૭૫ વર્ષ પછી ચિત્તા લવાયા: મોદીએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છૂટા મૂક્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પુનરાગમન: નામિબિયાથી મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે લાવવામાં આવેલા આઠ ચિત્તાના ફોટા પાડતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. દેશમાં વર્ષ ૧૯૪૭માં રાજાએ ત્રણ ચિત્તાનો શિકાર કર્યા પછી વર્ષ ૧૯૫૨માં સરકારે ચિત્તા દુર્લભ જાહેર કર્યા હતા. ૭૫ વર્ષ પછી દેશમાં ચિત્તાનું પુનરાગમન થયું હતું. (તસવીર: પીટીઆઈ)

ગ્વાલિયર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિને નામિબિયાથી લવાયેલા આઠ ચિત્તાને મધ્ય પ્રદેશના ગ્વાલિયર પાસેના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે છૂટા મૂક્યા હતા. રાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે ૧૯૪૭માં ત્રણ ચિત્તાનો શિકાર કર્યો તે પછી ૧૯૫૨માં સરકારે દેશમાં ચિત્તો દુર્લભ અને નહિ હોવાનું જાહેર કર્યું હતું એટલે કહી શકાય કે ભારતમાં ચિત્તાનું ૭૫ વર્ષ બાદ ફરી આગમન થયું છે.
શનિવારે સવારે આઠ વાગે નામિબિયાથી ચિત્તાને લઇ આવેલું
સ્પેશિયલ બોઇંગ વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. દસ કલાકની મુસાફરી બાદ આવી પહોંચેલા આ ચિત્તાઓને એરપોર્ટથી ૧૬૫ કિમી દૂર કુનો નેશનલ પાર્ક સુધી એર ફોર્સના હેલિકૉપ્ટર દ્વારા લઇ જવામાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદી સહિત રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને અન્ય મહાનુભાવોએ સુમારે અગિયાર વાગે આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા હતા.
વડા પ્રધાને સર્વ પ્રથમ એક બૉક્સ ખોલી ત્રણ ચિત્તાને ક્વોરેન્ટાઇન પાર્કમાં છોડ્યા હતા. તેમના માટે ૧૦ ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરાઓમાં ચિત્તા હતા જેને મોદીએ એક લિવર દ્વારા ખોલ્યું હતું. ચિત્તાઓ બહાર આવતાં જ અજાણી જગામાં થોડા ભયભીત જણાતા હતા. અહીં તહીં નજર ફેરવીને પછી દોડવા લાગ્યા હતા. તેમના ચહેરા પર લાંબી યાત્રાનો થાક સ્પષ્ટ જણાતો હતો. ચિત્તા બહાર આવતાં જ મોદીએ તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું અને કેટલાક ફોટાઓ પણ પાડ્યા હતા.
મોદીએ અહીં કરેલા એક પ્રવચનમાં નામિબિયાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચિત્તાના લુપ્ત થયાના વર્ષો બાદ પુનર્વસન માટે અર્થપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા નહીં. આજે આઝાદીના અમૃત વર્ષમાં દેશ નવી ઊર્જા સાથે ચિત્તાઓનું પુનર્વસન કરવામાં લાગી ગયો છે. સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ બાદ આ સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું.
મોદીએ એમ પણ કહ્યું હતું કે ચિત્તાઓ આ વિસ્તારથી અજાણ્યા છે. અહીં તેમનું ઘર બનાવવા માટે આપણે તેમને સમય આપવો પડશે. આંતરરાષ્ટ્રીય દિશાનિર્દેશો અનુસાર ભારત આ ચિત્તાઓને વસાવવા શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.