ચેટરજીનો બચાવ, મમતા નફ્ફટાઈમાં બધાંને ટપી ગયાં

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓ નીતિમત્તા અને સિદ્ધાંતોની વાતો બહું કરે છે પણ ખરેખર નીતિમત્તા અને સિદ્ધાંતો પર ચાલવાનું આવે ત્યારે માટીપગા સાબિત થાય છે. ભાજપ, કૉંગ્રેસ સહિતના તમામ રાજકીયપક્ષોની આ હાલત છે. આપણે છાસવારે તેમના દ્વારા નીતિમત્તા અને સિદ્ધાંતોને કઈ રીતે અભરાઈ પર ચડાવીને હળાહળ અનૈતિકતા આચરાય છે એ જોઈએ છે. અત્યારે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એ જ અનૈતિકતાનું બેશરમીથી વરવું પ્રદર્શન કરી રહ્યાં છે.
મમતા સરકારના ઉદ્યોગ અને વ્યાપાર પ્રધાન પાર્થ ચેટરજી સ્કૂલ ભરતી કૌભાંડમાં જેલની હવા ખાઈ રહ્યા છે. પાર્થની સાથે સાથે તેમનાં ખાસ મિત્ર એવાં અર્પિતા મુખરજી પણ જેલભેગાં થયાં છે. શિક્ષણ કૌભાંડની તપાસ કરી રહેલી કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)એ અર્પિતાના બે ફ્લેટમાં પાડેલા દરોડામાં ૫૦ કરોડ રૂપિયાની તો રોકડ મળી છે. આ સિવાય ૫ કિલો સોનું ને કરોડોની સંપત્તિના દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે.
અર્પિતા સાવ ફાલતુ મોડલ છે ને એ કંઈ દૂધ વેચવા તો ગઈ નથી કે મહેનત કરીને કમાણી ભેગી કરી હોય. પાર્થ ચેટરજી સાથેના તેના અંગત સંબધો જગજાહેર છે એ જોતાં અર્પિતાને ત્યાંથી જે દલ્લો મળ્યો છે એ પાર્થ ચેટરજીની હરામની કમાણીનો જ છે. પાર્થે કૌભાંડો કરી કરીને ભેગી કરેલી કાળી કમાણીનો આ જાડો રૂપિયો છે. આ રીતે હરામનો રૂપિયો ભેગા કરનારા પાર્થને મમતાએ લાત મારીને તગેડી મૂકવાના હોય પણ તેના બદલે મમતા સરકાર તેનો બચાવ કરી રહ્યાં છે.
મમતાની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસમાં પાર્થ ચેટરજી હજુ મહામંત્રી છે. મમતા સરકારમાં ચેટરજી ઈન્ફર્મેશન ટૅકનોલૉજી, વ્યાપાર અને ઉદ્યોગ જેવાં મહત્ત્વનાં મંત્રી પદ પર હતા. ચેટરજીને મંત્રીપદેથી હટાવાયા પણ પક્ષના હોદ્દા પરથી નથી હટાવાયા. વિપક્ષો પાર્થને હટાવવાની માગણી કરી રહ્યા છે પણ મમતા નફ્ફટ બનીને ઘસાયેલી રેકર્ડ વગાડી રહ્યાં છે કે, પાર્થ ચેટરજી દોષિત ઠરશે તો તેમની સામે કાર્યવાહી થશે.
આપણે ત્યાં ન્યાયિક પ્રક્રિયામાં એટલો બધો સમય નીકળી જાય છે કે, દોષિત થવામાં તો વરસોનાં વરસો નીકળી જાય એ જોતાં તો મમતાની વાતનો અર્થ એ થાય કે, પાર્થ ચેટરજી સામે કદી પગલાં નહીં લેવાય. મમતા પાર્થને છાવરી રહ્યાં છે તેમાં પાર્થ ચેટરજી પણ ફાટીને ધુમાડે ગયા છે.
પાર્થ અને અર્પિતાને બુધવારે કોર્ટના આદેશથી ફરી વખત મેડિકલ તપાસ માટે લઈ જવાયા ત્યારે પત્રકારોએ તેમને સવાલ કર્યો હતો કે, તમે મંત્રી પદ પરથી રાજીનામું ક્યારે આપશો? પાર્થે ચોરી પર સિનાજોરી કરીને જોર જોરથી બૂમો પાડીને સામું છાસિયું કરતાં કહ્યું કે, હું રાજીનામું શા માટે આપું? તેની પાછળનું કારણ તો કહો? આ તો બેશરમીની હદ થઈ ગઈ કહેવાય.
રસપ્રદ વાત એ છે કે, તૃણમૂલ કૉંગ્રેસમાં જ પાર્થનાં કરતૂતો સામે કકળાટ શરૂ થયો છે. કૃણાલ ઘોષ મમતાના જૂના સાથી છે ને તૃણમૂલ કૉંગ્રેસના પ્રવક્તા છે. ઘોષ પોતે ભ્રષ્ટાચાર બદલ જેલની હવા ખાઈ ચૂક્યા છે તેથી દૂધે ધોયેલા નથી પણ તેમણે બહું મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો છે કે, ચેટરજી કહેવા ખાતર પણ પોતે નિર્દોષ છે એવું કેમ કહેતા નથી? આ સવાલનો જવાબ મમતાએ આપવો જોઈએ.
ઘોષે તો ચેટરજીને મમતા મંત્રીમંડળમાંથી તથા પક્ષના તમામ હોદ્દા પરથી દૂર કરવાની પણ વિનંતી કરી છે. ઘોષનું કહેવું છે કે, ચેટરજીએ આખી તૃણમૂલ કૉંગ્રેસને શર્મસાર કરી છે એ જોતાં મંત્રીપદેથી તથા પક્ષના તમામ હોદ્દા પરથી લાત મારીને કાઢી મૂકવા જોઈએ. ઘોષે તો પડકાર પણ ફેંક્યો છે કે, મારું નિવેદન ખોટું લાગતું હોય તો પક્ષમાં મને તમામ હોદ્દા પરથી દૂર કરવાનો અધિકાર છે. હું તૃણમૂલના સૈનિક તરીકે કામ કરવાનું ચાલુ રાખીશ.
હવે મમતાના નજીકના સાથી ચેટરજીને દોષિત માનતા હોય ને છતાં મમતા પાર્થ ચેટરજીને કશું ના કરવા માંગતાં હોય તેનાથી વધારે બેશરમી બીજી કોઈ ના કહેવાય. તેનો એ પણ અર્થ થાય કે, પાર્થના પાપમાં મમતા ભાગીદાર છે કે પછી તેમનો હાથ ક્યાંક દબાયેલા છે કે જેથી પાર્થને કશું કરી શકે તેમ નથી. બાકી મમતા ચોખ્ખાં હોય તો એક પળનો વિચાર કર્યા વિના પાર્થ સામે પગલાં લેવાં જોઈએ.
મમતાએ પાર્થ સામે બીજાં કારણોસર પણ પગલાં ભરવાં જરૂરી છે. અર્પિતા સાથેના તેમના સંબધો ઓપન સિક્રેટ છે. બંને વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધો છે. પહેલાં બંને ખાનગીમાં મળતાં પણ ૨૦૧૭માં ચેટરજીનાં પત્નિનું કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત થયું પછી બંનેને કોઈની શરમ જ ના રહી. ચેટરજીએ અર્પિતાને ડાયમંડ સિટિમાં લક્ઝુરીયસ ફ્લેટ લઈ આપ્યો છે. ચેટરજી અર્પિતાને મળવા ખુલ્લેઆમ ડાયમંડ સિટી જતા ને મોડી રાત સુધી રોકાતા.
ચેટરજી અને અર્પિતાની તસવીરો બહાર આવી છે તેમાં પણ બંને પતિ-પત્નિ હોય એ રીતે ઊભાં છે. એકસરખા રંગનાં ટ્રેડિશનલ બંગાળી કપડાંમાં અર્પિતા-ચેટરજીએ ફેમિલી આલ્બમ માટે પોઝ આપતા હોય એ રીતે ફોટા પડાવ્યા છે. આ તસવીરો જોયા પછી ચેટરજી-અર્પિતા વચ્ચેના સંબધો કેટલા ગાઢ હશે એ કહેવાની જરૂર જ નથી.
અર્પિતા ડિવોર્સી છે અને પાર્થ ચેટરજી વિધુર છે તેથી બંનેને ઈચ્છે એ રીતે સંબંધો રાખવાની છૂટ છે. એ તેમની અંગત બાબત છે તેથી એ મુદ્દે કશું ના કહી શકાય પણ અર્પિતા સાથેના ગાઢ સંબંધોના નાતે ચેટરજીએ અર્પિતાને ત્યાંથી મળેલી રોકડ અને બીજી સંપત્તિ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ. સ્પષ્ટતા ના કરે તો ઘોષ કહે છે તેમ અર્પિતા સાથે કોઈ સંબંધ નથી એવું એલાન કરવું જોઈએ.
અર્પિતા કોઈ કામ કરતી નથી છતાં તેના બીજા ફ્લેટમાં પડેલા દરોડામાં ૨૯ કરોડ રૂપિયા રોકડા અને રૂપિયા દોઢ કરોડનું ત્રણ કિલો સોનું જપ્ત કરાયું છે. ૨૩ જુલાઈએ અર્પિતાના ઘરેથી ૨૧ કરોડ રૂપિયા રોકડા અને ૧ કરોડની જ્વેલરી મળી હતી. આ વખતે પણ એકંદરે અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૫૧ કરોડની રોકડ અને અઢી કરોડની જ્વેલરી જપ્ત કરાઈ છે.
આ ખજાનો ક્યાંથી આવ્યો તેનો જવાબ મમતાએ ચેટરજી પાસે માંગવો જોઈએ ને ચેટરજી જવાબ ના આપી શકે તો તગેડી મૂકવા જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.