ચાર ધામ યાત્રા: શું આપણે હિમાલયના વિકાસ અને પવિત્રતાની સમતુલા જાળવી શકીશું?

વીક એન્ડ

મંથન-અનંત મામતોરા

अस्त्युतरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः
‘કુમાર સંભવમ’ મહાકાવ્યમાં મહાકવિ કાલિદાસે ઉત્તર દિશામાં સ્થિત નગાધિરાજ અર્થાત્ પર્વતોના રાજા હિમાલયને, દેવતાત્મા અર્થાત્ કે દેવતાઓના આત્મા સમાન ગણાવ્યો છે. હિમાલયની યાત્રા કરનાર દરેક વ્યક્તિ તેમની આ વાત પર પોતાની સંમતિની મહોર અવશ્ય લગાવશે. હિમાલયના કણ કણમાં ભવ્યતા છે, સાથે સાથે તેના શિખરે શિખરે દિવ્યતાનો પણ વાસ છે. સનાતન ધર્મનાં અતિપવિત્ર ચાર યાત્રાધામો પણ હિમાલયની ગોદમાં છે. હિમાલય જો નગાધિરાજ હોય તો ચાર ધામ તીર્થાધિરાજ છે. સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખનાર દરેક વ્યક્તિ જીવનમાં એક વાર તો ચાર ધામ યાત્રા કરવાના મનોરથ અવશ્ય સેવતી હોય છે.
કુદરતના અદ્ભુત સૌંદર્યનું રસપાન કરવા અથવા પોતાના આધ્યાત્મિક પ્રવાસના એક મુકામ તરીકે લાખો લોકો દર વર્ષે હિમાલયની યાત્રા કરે છે, પરંતુ પાછલાં કેટલાંક વર્ષોમાં આ ક્ષેત્રમાં અનેક કુદરતી આફતો પણ આવી છે, જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પર્યાવરણવિદો કહે છે કે આપણે સદીઓ જૂની પરંપરા અને હિમાલયની જાળવણી વચ્ચે સમતુલા સાધવી પડશે.
૨૦૨૧માં અનેક યોજનાઓનું લોકાર્પણ કરતી વખતે વડા પ્રધાન મોદીજીએ કહ્યું હતું કે છેલ્લાં સો વર્ષમાં જેટલા યાત્રીઓએ ઉત્તરાખંડની મુલાકાત નથી લીધી તેટલા લોકો આવતા એક દશકમાં લેશે. તેનું કારણ ભારતના બહુમતી હિન્દુઓનો બહોળો આધાર ધરાવતી ભારતીય જનતા પાર્ટી શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઉત્તરાખંડનાં તીર્થસ્થાનોને સાંકળતી માળખાગત સુવિધાઓનો વિકાસ છે.
આ પર્વતીય રાજ્ય સનાતન ધર્મનાં સૌથી વધુ પૂજ્ય તીર્થો ધરાવે છે, જેમાં કેદારનાથ, બદરીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એ ચાર ધામનો પણ સમાવેશ છે. હિમાલયમાં અમરનાથ ધામ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી મંદિરનો પણ સમાવેશ થાય છે. સદીઓથી શ્રદ્ધાળુઓ હાડ ગાળતી ઠંડી અને પર્વતીય ક્ષેત્રોની મુશ્કેલીઓનો સામનો કરીને આ તીર્થોની યાત્રાએ આવે છે જે વર્ષમાં થોડા જ મહિના ખુલ્લા હોય છે.
પણ નિષ્ણાતો કહે છે કે છેલ્લા બે દાયકામાં આસાન થયેલા પ્રવાસને કારણે તીર્થયાત્રીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. તેમના સમાવેશ અને સુવિધાઓ માટે થયેલા માળખાગત વિકાસથી ધરતીકંપ અને ભૂસ્ખલનની દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રની નાજુક પર્યાવરણીય સમતુલાને અસર થઇ છે. સદીઓ જૂની ધાર્મિક આસ્થાને અનુલક્ષીને લોકોની યાત્રા પર પ્રતિબંધ તો મૂકી ન શકાય, પણ લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડ્યા વિના નિયંત્રણ લાદવા એક ઉપાય છે.
ધાર્મિક યાત્રાઓ અને શહેરી યોજનાઓના વિષયમાં બહોળું કામ કરનાર ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબે યુનિવર્સિટીના પ્રોફેસર કિરણ શિંદે કહે છે, ‘આ નાજુક ક્ષેત્રમાં વધારે પડતો અને વારંવાર હસ્તક્ષેપ થાય છે. પહેલાં ગ્રામીણોને એક રસ્તો મેળવતાં વર્ષો વીતી જતાં હતાં, પણ હવે સુવિધાઓમાં ખૂબ વધારો થયો છે, પરંતુ તેનો લાભ સ્થાનિકો કરતાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને વધુ થયો છે.’
વિશાળ ધાર્મિક આયોજનો સંભાળવાં એક કપરું કામ છે. ભારતને કુંભમેળા જેવાં આયોજનો વર્ષાનુવર્ષ સફળતાપૂર્વક પાર પાડવાનો અનુભવ છે, પણ નાજુક પર્વતીય ક્ષેત્રોની સમસ્યાઓ અલગ અને વિવિધ છે. આ ક્ષેત્રમાં ચાલુ થયેલી અનેક વિકાસ યોજનાઓ, જેવી કે ચાર ધામ રોડ વિસ્તૃતીકરણને પર્યાવરણવાદીઓ દ્વારા પડકારવામાં આવી છે.
રવિ ચોપરા, વરિષ્ઠ પર્યાવરણવાદી, જેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા ચાર ધામ પ્રોજેક્ટની સમીક્ષા માટે બનાવાયેલી કમિટીની અધ્યક્ષતા કરતા હતા, તેમણે એમ કહીને રાજીનામું આપ્યું કે તેઓ સર્વોચ્ચ અદાલત દ્વારા પેનલના કેટલાક સભ્યો દ્વારા કરાયેલી ભલામણની અવગણનાથી ‘નિરાશ’ થયા છે. તેમણે લખ્યું, ‘ટકાઉ વિકાસ ભૌગોલિક અને પર્યાવરણીય દૃષ્ટિએ સક્ષમ અભિગમ માગે છે, પણ મેં જે નજીકથી જોયું તે અભેદ્ય હિમાલયને અપવિત્ર કરવા જેવું કામ હતું.’
અન્ય ચિંતાઓ પણ છે
ફેબ્રુઆરી, ૨૦૨૧માં ૨૦૦ લોકો માટે ઘાતક સાબિત થયેલી વાદળ ફાટવાની ઘટનાની તપાસ કરતી ટુકડીના રિપોર્ટ અનુસાર વધતા તાપમાનને કારણે હિમાલયમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે, જે લોકો માટે જોખમી છે. ‘પંદર અણુબોમ્બ ઝીંકાયા હોય તે રીતે ઘાટીમાં વાદળ ફાટ્યું હતું.’ અન્ય દેશોની જેમ ભારત પણ અવારનવાર આત્યંતિક હવામાનનો અનુભવ કરે છે, જે કેટલાક અભ્યાસો મુજબ વાતાવરણમાં ફેરફારનું પરિણામ છે.
હમણાં જુલાઈ મહિનામાં જ અમરનાથના બેઝ કેમ્પ પર અચાનક ધસી આવેલાં પૂરનાં પાણી ફરી વળતાં ૧૬ લોકોના જીવ ગયા હતા. એક સિનિયર હવામાન નિષ્ણાતે પત્રકારોને જણાવ્યું કે વાદળ ફાટવાને કારણે પૂરની સ્થિતિ નિર્માણ થઇ જે ‘અત્યંત તીવ્ર અને અત્યંત સ્થાનિક હોવાથી હવામાન ખાતું તેને જાણી ન શક્યું.’ સોનમ લોટસ, જમ્મુ અને કાશ્મીર હવામાન વિભાગના ડાયરેક્ટર જણાવે છે કે ‘દૂરવર્તી ક્ષેત્ર હોવાને કારણે ત્યાં વરસાદ માપવાનાં સાધન નહોતાં.’
૨૦૧૩માં કેદારનાથ ધામ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે આવેલા ભયાનક પૂરમાં હજારો લોકો તણાયા હતા. તેની યાદ હજી લોકોના મનમાં તાજી છે. તેમ છતાં શ્રદ્ધાળુઓ ધામના દર્શને આવતાં અટક્યા નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ આ મોસમમાં લોકોનો ધસારો જોતાં ૨૦૧૯માં આવેલા દસ લાખ શ્રદ્ધાળુઓનો વિક્રમ પણ તૂટે તેવું લાગે છે. આ યાત્રાળુઓની યાત્રાથી રાજ્ય સરકારને પણ જરૂરી આવક થાય છે, જે કડક પગલાં લેવામાં ખચકાટ ઊભો કરે છે. ડો. શિંદે કહે છે, ‘ધાર્મિક યાત્રાઓનાં પરિણામો બાબતે ઘણી વાર ‘સંસ્થાકીય શૂન્યાવકાશ’ સર્જાય છે. ધાર્મિક કાર્યકર્તાઓ મેળાવડાના આયોજન અને સંચાલનમાં સક્રિય હોય છે, પણ પર્યાવરણ પર તેની પડતી અવળી અસરની જવાબદારી લેવાની તૈયારી નથી હોતી.’
એક બાજુ પ્રવાસની સરળતા વધતાં માત્ર દેશ જ નહીં, વિદેશથી પણ પવિત્ર ધામોના દર્શન માટે લોકોનો ધસારો થાય છે, પણ નિષ્ણાતો તેના માટે ‘મૂળભૂત પુનર્વિચાર’ની જરૂર હોવા પર ભાર મૂકે છે. પર્યાવરણવાદી શ્રીધર રામમૂર્તિ કહે છે, ‘અંતિમ પડાવ સુધીના અભિગમને વધુ કડક બનાવવાની જરૂર છે, કારણ કે અત્યારે માત્ર ધામ જ નહીં પણ તેની પ્રવાસમાં વચ્ચે આવતી જગ્યાઓ પર પણ ઘણું દબાણ જોઈ શકાય છે.’ અધિકારીઓએ પણ પર્યાવરણની દૃષ્ટિએ નાજુક ક્ષેત્રો માટે બહેતર નીતિ ઘડવા હિસ્સેદારો સાથે ચર્ચા કરવી જોઈએ. મોટા ભાગની ધાર્મિક યાત્રાનું અર્થતંત્ર અનૌપચારિક હોય છે – મંદિરમાં પૂજા કરાવતા પૂજારીથી લઈને યાત્રીઓને ઘોડા પર લઇ જનારા સુધી. ખાસ કરીને આ યાત્રા કરાવનારા સ્થાનિકો આ પ્રદેશ અને વૈકલ્પિક માર્ગોથી સારી રીતે વાકેફ હોય છે. મોટા ભાગના નિષ્ણાતો એક સૂરમાં કહે છે કે પ્રદેશની ક્ષમતા અનુસાર યાત્રાળુઓની સંખ્યા પર નિયંત્રણ મૂકવાની ખાસ જરૂર છે.લોકોને નિયમિત, સમયસર અને ચોક્કસ માહિતી મળે તે બહુ જરૂરી છે. તે માટે જાહેરાતો અને જાહેર પ્રસાર માધ્યમોનો ઉપયોગ થઇ શકે છે. તેમાં આ યાત્રાઓમાં રહેલાં જોખમ પણ લોકોને જણાવવાં જોઈએ. યાત્રા પર નિયંત્રણો મૂકવાં રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો બની શકે છે. નિરીક્ષકો કહે છે કે સૌથી વધુ પ્રખ્યાત એવા મોદીજીની વાત તો બધા સાંભળશે જ!

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.