શિંદે જૂથે આદિત્ય ઠાકરે સામેની રણનીતિ બદલી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને લઈને પોતાની રણનીતિ બદલતા જણાય છે. તેમણે આદિત્ય ઠાકરેને બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ નિવેદનબાજી કરતી વખતે પોતાની ‘ઉંમર’ ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે પાર્ટીમાં બળવાના કારણોની પણ ચર્ચા કરી હતી.આદિત્ય મહાવિકાસ અઘાડી એટલે કે MVA સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.તેઓ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર છે.
નોંધનીય છે કે શિંદેએ આદિત્ય અને તેમના પિતા ઉદ્ધવ ઠાકરે સામે નિંદાત્મક ટિપ્પણી કરવાનું હંમેશા ટાળ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ અગાઉની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર વિરુદ્ધ બળવો કરનારા બળવાખોરોને “દગો કરનારા” અને “પીઠમાં છરો ભોંકનારા” કહ્યા હતા. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વાત કરતી વખતે શિંદેએ આદિત્ય પર પ્રહારો કર્યા હતા.
આદિત્ય ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને ‘દ્રોહી’ કહેવા અંગે તમારી શું પ્રતિક્રિયા છે, એમ પૂછવામાં આવતા શિંદેએ જણાવ્યું હતું કે, ‘તેમણે તેમની ઉંમર જાણવી જોઈએ અને તે મુજબ બોલવું જોઈએ.”આજે આપણે જે કંઈ પણ છીએ તે સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે અને તેમના વિચારોના કારણે છીએ, પરંતુ તે (આદિત્ય) અને અન્ય લોકો સત્તા મેળવવા માટે બાળાસાહેબના વિચારોથી દૂર જતી રહી છે, જેને કારણે અમને આ સખત પગલું (વિદ્રોહનું) ઉઠાવવાની ફરજ પડી હતી.
સીએમ સિવાય શિંદે કેમ્પના અન્ય ધારાસભ્યો પણ આદિત્ય વિરુદ્ધ મોરચો ખોલી ચૂક્યા છે. ઓગસ્ટમાં જ મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્યો રાજ્યના પૂર્વ પર્યાવરણ મંત્રીના પોસ્ટર સાથે જોવા મળ્યા હતા. આ પોસ્ટરમાં આદિત્યને ઘોડા પર ઊંધો બેઠો બતાવવામાં આવ્યો છે. પોસ્ટરમાં એમ કહેવામાં આવ્યું હતું કે મંત્રી પદ પર હતા ત્યારે આદિત્ય ઘરે બેઠા હતા અને કંઈ કર્યું નહીં અને હવે તેમની સરકાર પડી ગયા બાદ રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.