Homeવીકએન્ડપઠાણ ફિલ્મનું નામ બદલી પોચકો રાખી દો, તો તમામ વિવાદ આપોઆપ શમી...

પઠાણ ફિલ્મનું નામ બદલી પોચકો રાખી દો, તો તમામ વિવાદ આપોઆપ શમી જશે!!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

ફિલ્મ અને વિવાદ એક સિક્કાની બે બાજુ છે. જે કામ ફિલ્મોનું કરોડાના ખર્ચે કરવામાં આવતું બ્રાડિંગ, પ્રમોશન ન કરી શકે એ કામ તદન મફત ( સ્વ. મફતભાઇ ઓઝા આપણા સાહિત્યકાર હતા. તેમના પુત્રનું નામ તદન રાખેલ. પુત્રનું નામ તદન મફતભાઇ ઓઝા બોલાય! આવું નામ કયા કારણે પાડેલું તેની જાણકારી નથી. શક્ય છે કે મફતભાઇને પુત્રરત્ન કાણી પાઇનો ખર્ચ કર્યા વિના અનાયાસ અને અનાયાસ પ્રાપ્ત થયા હોય! તમારે તમારી જાતને સમ્રાટ બનાવવી હોય તો તમારા પુત્રનું નામ બદલી સમ્રાટ કે ચક્રવર્તી રાખો એટલે સમ્રાટ ભરત વૈષ્ણવ બની શકો. પછી ભલે તમારે રજવાડું ન હોય કે ઇવન વાટકી ગામનું શિરામણ પણ હોય નહીં.!!!!) લોકોને સંવાદ કરતા વિવાદ ગમે છે. વાદ કરતાં વિખવાદ ગમે છે. વિવાદ આગની જેમ દોડે છે. કર્ણોપકર્ણ અને મુખોપમુથ વિવાદ દોડે છે!!
ખાનબંધુઓ વિવાદનો પર્યાય બની ગયા છે. સલમાન ખાન હોય, આમીર ખાન હોય, શાહરુખ ખાન હોય કે સૈફ અલી ખાન હોય. ખાનબંધુઓનો કેડો વિનાદ છોડવાનું નામ લેતો નથી. આદિપુરુષમાં સૈફ અલી ખાન રાવણનું કેરેકટર કરે છે. રાવણનો લુક રિલીઝ થયો. મહાપંડિત રાવણના સ્થાને ચંગીઝ ખાન કે તૈમૂરલંગ જેવો લૂક કરી નાંખ્યો. જો કે, સૈફઅલીને તૈમૂર પર સવિશેષ આસક્તિ હોય એ સ્વાભાવિક પણ છે! ( દીકરા માટે પક્ષપાત કોને ન હોય?) લાલસિંહ ચડા ફિલ્મ કે ફના ફિલ્મનો વિવાદ આમીર ખાનને કયાં ફળ્યો હતો?? સલમાન ખાન અને શાહરુખ ખાનના કયાં અને કેટલા વિવાદો ગણાવીએ?? હરિના તારા નામ છેહજાર કયાં નામે લખવી કંકોતરી જેવી દશા શાહરુખ ખાન અને સલમાનખાનની છે. ડગલે ને પગલે વિવાદ. આ ખાન બંધુઓએ પોતાનું નામ વિવાદ ખાન કરી નાંખવું જોઇએ! શું કહો છો, ગોસિપ ખાન ??? શાહરુખ ખાને જીવતો સળગાવવાનું એલાન કેસરી વસ્ત્રધારી પરમહંસ( કે પરમ કાગડા?) કર્યું છે, જે તેમની સમજદારીની નાદારીનો ઉધાર પુરાવો છે! પરમહંસને નામ બદલી પરમનીચ રાખવા રાજુ રદી કહે છે!!
ફિલ્મો અને વિવાદોનો સંબંધ ચોલીદામન જેવો છે. ફિલ્મોનો વિવાદ આજકાલનો નથી. ૧૯૨૦-૧૯૩૦ના દાયકાઓની ફિલ્મોમાં જે પેશનેટ કિસિંગ સીન્સ જોઈએ તો આજે પણ આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. જેમ કે, ૧૯૩૩માં આવેલી દેવિકા રાણી-હિમાંશુ રાયની ફિલ્મ કર્મા’માં ચાર મિનિટ લાંબો કિસિંગ સીન હતો, જેણે ખાસ્સો વિવાદ જગાવ્યો હતો. ‘સેક્રેડ ગેમ્સ’, ‘ઘૂલ’, ‘તાંડવ’ અને લેટેસ્ટમાં ‘બોમ્બે બેગમ્સ’ જેવી વેબસિરીઝો પર લાગણી દુભાવો કંપનીએ માછલાં ધોયાં છે, પરંતુ આ જરાય પહેલીવારનું નથી. ફિલ્મ ક્રિટિક રાજા સેને નોંધ્યું તે પ્રમાણે ૧૯૯૫માં લેખક સલમાન રશ્દીની ‘નોવેલ ધ મૂર્સ લાસ્ટ સાઈ’ પર બબાલ ખડી થઇ હતી. હિન્દી ફિલ્મો ‘ઝૂંડ’ તથા ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ અને મરાઠી ફિલ્મ ‘પાવનખિંડ’ તેમાંથી કોને સપોર્ટ કરવો, તે લોકો આ ફિલ્મોના દિગ્દર્શકોની જ્ઞાતિને આધારે નક્કી કરી રહ્યા છે.ગામ બહાર, ભેદભાવની ભીંતની બીજી બાજુ વસતા લોકોને નાગરાજ મંજુલે તેમની ‘ફેન્ડ્રી’, ‘સૈરાટ’ અને અન્ય ફિલ્મો દ્વારા લાઇમલાઇટમાં લાવ્યા છે. અલી અબ્બાસ દિગ્દર્શિત વેબ શો ‘તાંડવ’એ સનસની મચાવી દીધી છે અને આ શો પ્રત્યે વિવાદ ઊભો થયો છે. રિચા ચઢ્ઢાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ‘મેડલ ચીફ મિનિસ્ટર’ તો રજૂઆતથી પહેલા જ ચર્ચાસ્પદ રહી હતી, પરંતુ રાજકારણની આડમાં ભ્રષ્ટાચાર, સત્તા લોલુપતા, બદલો લેવાની ભાવના ઈત્યાદિ રજૂ કરતી પટકથા ધરાવતી ફિલ્મો હમેશાંથી બનતી આવી છે. આ ફિલ્મ અને વેબ શો ઉપરાંત રાજકારણને લગતી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’, ‘થલાઈવી’ જેવી ફિલ્મો પણ આવવાની છે. મહિલાઓના માસિક ધર્મના મુદ્દા પર બનેલી ફિલ્મ માસૂમ સવાલ’ના પોસ્ટરને લઈને વિવાદ થયો છે. આ ફિલ્મના પોસ્ટરમાં સેનેટરી પેડ પર ભગવાનની તસવીર બતાવવામાં આવી છે. ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ તેમની દસ્તાવેજી ફિલ્મ “કાલી નું પોસ્ટર રિલીઝ કર્યું, જેમાં હિન્દુ દેવી “મા કાલી સિગારેટ પીતી જોવા મળે છે. તે જ સમયે, તે એક હાથમાં કૠઇઝચ નો ધ્વજ લઈ રહી છે. પોસ્ટર પર, ફિલ્મની અભિનેત્રી મા કાલીના અવતારમાં જોવા મળે છે અને સિગારેટ પીતી જોવા મળે છે.
શાહરુખ ખાન અભિનીત પઠાણ ફિલ્મ રપમી જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ રિલીઝ થવાની હતી. રિલીઝ પૂર્વે બિકીની ગીતને લીધે મોરલ પોલીસને હડફેટે ચઢી ગઇ છે. આ ફિલ્મમાં બિકીની પહેરીને દીપિકા બેશરમ રંગ એવું ગીત ગાય છે!! મોરલ પોલીસને પાશ્ર્ચાત્ય ડ્રેસ બિકીની સામે વાંધો નથી. હકીકતમાં વાંધો હોવો જોઇએ. બિકીની, ફ્રોક, વનપીસ, ગાઉન વગેરે વસ્ત્રો વિદેશી હોઇ સ્વદેશી અભિયાનને અનુરૂપ નથી.તેથી સ્વીકાર્ય ન હોવા જોઇએ. ફિલ્મોમાં સ્ક્રિપ્ટને અનુરૂપ કે વાર્તાની માંગ મુજબ જરૂરી ન હોય તેવા સંવાદો, ગાલીગલોચ, અર્ધઅનાવૃત નારીદેહના અશ્લીલ પ્રદર્શનો ભારતીય સંસ્કૃતિને લાંછનરૂપ હોઇ વિરોધ થવો જોઇએ. આ દ્રશ્યો સ્ક્રીન પર આવે એટલે તમામ પ્રેક્ષકો પીટ કલાસ પ્રેક્ષકો બની સિસોટી, ચિચિયારીથી વધાવી લે છે. કેમ કે, મોટાભાગના લોકોને રૂપાળા કે કાળા પીપડાં જેવી સ્થૂળ ઘરવાળીને અનાવૃત તો ઠીક છે આવૃત સ્થિતિમાં નિહાળવામાં કોઇ રસ હોતો નથી. વાઇસેવર્સા ગોરધનોની પણ આવી જ સ્થિતિ ઘરવાળીઓ જોવા માંગતી નથી. પુરુષની હોટ, સિઝલીંગ, પીનઅપ હોટીઝ જોઇને લાળ ટપકાવવાના મનોરથ-તનોરથ હોય છે!! આ વિવાદ પઠાણ ફિલ્મને ફળશે તેવા અણસાર જોવા મળે છે. આ ગીતને દસ કરોડ લોકોએ જોઇ લીધું છે. લો કર લો બાત બેશરમ કૌન? ગીત, દીપિકા, શાહરુખ, વિરોધીઓ કે હિમાયતી?? આપણે દંભી પ્રજા છીએ તેનો આ જીવંત પુરાવો છે!!; જો કે, આવા વિવાદ કોઇ ફિલ્મના સંવાદ, ગીત, કપડાં, કથાનક, ફિલ્માંકન સામે વાંધો હોય તો થિયેટરમાં તોડફોડ, રસ્તા રોકવા, વાહનોમાં આગચંપી કરવાના બદલે ફિલ્મનો સજજડ વિરોધ કરવા ફિલ્મો ન જોવાનો વ્યકિતગત કે સામૂહિક નિર્ણય કરવાથી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા-અભિનેતાની સાન ઠેકાણે આવી જશે!! અલબત્ત, આપણો વિરોધ સિલેકટીવ કે વિન્ડિકટીવ હોય છે. મુજે રંગ દે ગેરુઆ ગીતમાં ભગવા રંગની જ વાત છે. આ ગીત કે ફિલ્મનો વિરોધ સુધ્ધાં ન થયો. ભગવા રંગ ધારી યતિનંદ ગાંધીજીને ગાળો આપે, ગોડસેનું મહિમામંડન કરે તો આપણને સાપ સૂંઘી જાય છે!! ભગવા કપડાં પહેરી આપણી જ બેન દીકરીઓની આસ્થાનો લાભ લઇ કામલીલા કરતાં આશારામ કે રામરહીમ, નિત્યાનંદ જેવા લંપટને સીધા દોર કરવાના
બદલે તેના ચરણબાવળમાં લોટપોટ થઇએ છીએ!! ભ્રષ્ટાચારી, અનાચારી લાંચિયા નેતાના નિધન બાદ પ્રોટોકોલના બહાને તેના મૃતદેહ પર રાષ્ટ્રધ્વજ લપેટવામાં સ્વયં રાષ્ટ્રધ્વજનું હડહડતું અપમાન છે! કોઇ નેતા યોગ કરતી વખતે તેને થયેલ પરસેવો રાષ્ટ્રધ્વજથી લૂંછે એ પણ રાષ્ટ્રધ્વજનું અપમાન છે!! હમણા ચૂંટણી દરમિયાન માતાજીની મૂર્તિને પક્ષની ટોપી પહેરાવવી એ આધ્યશક્તનું અપમાન છે!! આ બાબતો પરત્વે દુર્લક્ષ સેવી કાનને શટર લગાવ્યા હોય તેમ આંખ આડા કાન કરીએ છીએ, આવું કેમ ??? પઠાણ ફિલ્મ જેવું દ્રશ્ય અક્ષયકુમાર અભિનીત ફિલ્મમાં પણ હતું જેમાં હિરોઇને કેસરી રંગની બિકીની પહેરી છે, છતાં વિરોધનો વ ન નોંધાય એ કેવો સગવડિયો વિરોધ?? એક પક્ષના સભ્યો કેસરી કપડાં પહેરે છે, જેનામાં વૈરાગ્યનો છાંટો પણ ન હોય!!!
જો આ ફિલ્મનું નામ પઠાણ બદલીને પોચકો રાખી દો, કેસરીને બદલે બ્લોક બિકીની રાખી દો અને શાહરુખનો બદલે અક્ષયકુમાર કે ઋત્વિક રોશન રાખી દો એટલે બીડી જલાઇલે જીગર સે પિયા જીગર મેં બડી આગ હૈ એ વિરોધની આગ બરફ જેવી ઠંડી થઇ જશે. હવે ગાઇ નાંખો કે ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે, ગાના આયા ના આયે ગાના ચાહિયે, કયા સમજે બરખુદાર !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular