ગુજરતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે એવામાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં શુક્રવારથી રવિવાર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના તરફથી ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ” આગામી 4,5 અને 6 તારીખે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે, રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો વરસાદ થવાની સંભાવના છે, સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભૂજમાં વરસાદ થઈ શકે છે.”
વરસાદની સંભાવના વચ્ચે રાજ્યમાં આકરી ગરમી રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવસ દરમિયાનના તાપમાનમાં વધારો જોવા મળશે. ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 48 કલાક બાદ દિવસ દરમિયાનનુ તાપમાન વધવાની સંભાવના છે. જેમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જ્યારે દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારોના તાપમાનમાં 4 ડિગ્રી સુધી પણ વધારો થઈ શકે છે. ગીર-સોમનાથના કેટલાક ભાગોમાં હીટવેવ રહેવાની સંભાવના છે.
દક્ષિણના રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યા બાદ ત્યાં વરસાદ પડી રહ્યો છે. તેની અસરને પગલે બદલાયેલા વાતાવરણથી રાજસ્થાન અને બિહારમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે. જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે.
ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક માવઠા તો ક્યાંક હીટવેવની આગાહી
RELATED ARTICLES