હજુ ઉનાળાની શરૂઆત છે ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠા પડ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરથી રાજ્યના વાતવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. અમરેલી જિલ્લામાં તો ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં ગત મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો સાથે વીજળીના કડાકા સંભળાયા હતા. ત્યારે કચ્છના રાપરમાં વીજળી પડવાથી યુવાનનું મોત થયું છે.
જામનગર, તાપી, વ્યારા અને બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી સાતમી તારીખ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી ઝાપટાં પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં ઝાપટા પડ્યા હતા. અમરેલી જિલ્લામાં હાલ ડુંગળી, જીરું, ઘઉં સહિતનાં પાક તૈયાર થઇ ગયા છે. તેમજ કેરીની સીઝન ચાલી રહી છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
કચ્છના રાપર તાલુકામાં ખેત મજૂર પર વીજળી પડતાં સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી રાજ્યના ઉત્તર, દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના વાતવરણમાં પલટો: સૌરાષ્ટ્રમાં માવઠા, કચ્છમાં વીજળી પડતા એકનું મોત
RELATED ARTICLES