તારીખ સે તકદીર બદલો: ન્યુમરોલોજી કે આંકડાશાની દુનિયા

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ
બધું નથી સમજાતું એટલું જ સમજાય છે. (છેલવાણી)
મારા એક મિત્રને ન્યુમરોલોજી એટલે કે આંકડાશામાં રસ પડ્યો, બસસ્ટોપ પર એની બુક વાંચતાં વાંચતાં ૪ બસ ચૂકી ગયો, ચાલતાં ચાલતાં ૩ વાર ઠેબે ચઢ્યો, નીચે પડ્યો અને ૮ ટાંકા આવ્યા! ન્યુમરોલોજી તમારાં જન્મ તારીખ, મહિના અને વરસના સરવાળાથી ભવિષ્ય ભાખી શકે છે. એટલે જ અમુક નામના સ્પેલિંગ બદલીને લોકો સફળ બને છે. સોરી, મને ન્યુમરોલોજી સમજાતી નથી. ગયા વરસે લોકોએ કહ્યું કે ૨૦૨૦નો સરવાળો ૪ થાય ને ૪ અશુભ અંક છે એટલે કોરોનાની માહામારી આવી, પણ બરોબર એક વરસ પછી ફરી એ જ સમયે આ વરસે કોરોનાનો ફરી કાળો કેર શરૂ થયો, પણ આ વખતે તો ૨૦૨૧ છે જેનો સરવાળો ૫ થાય છે?
શું છે ન્યુમરોલોજી કે આંકડાશાનો જાદૂ? કોઇ અજાણ્યો જતીન ખન્ના ‘રાજેશ ખન્ના’ બનીને કે હરિભાઈ ‘સંજીવકુમાર’ બનીને સ્ટાર બને છે એ પાછળ કોઇ આંકડાશા હશે? ખબર નહી! પણ ન્યુમરોલોજીના આધારે પોતાના નામમાં ફેરફાર કરીને અજય દેવગન, હિમેશ રેશમિયા કે અનુ મલિક જેવા કલાકારોને ફાયદો થયો છે, પણ તુષાર કપૂર જેવા અનેકને નથી પણ થયો!
જે હોય તે ન્યુમરોલોજીમાં કંઇક તો રહસ્ય છે. અમુક આંકડાઓ કે ખાસ દિવસો અમુક લોકો માટે શુભ કે અશુભ સાબિત થતા હોય છે! ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. લાલબહાદુર શાીના જીવનમાં મંગળવારનું ખાસ મહત્ત્વ હતું. તેમનો જન્મ મંગળવારે થયો હતો. નાનપણમાં એક વાર ગંગાજીમાં ડૂબતાં બચી ગયા તે પણ મંગળવારનો દિવસ હતો, યુ. પી. પાર્લમેન્ટરી બોર્ડના મંત્રી, સન ૧૯૪૭માં, પોલીસ અને વાહનવ્યહાર મંત્રી ૧૯૫૧માં કોંગ્રેસના મહાસચિવ, ૧૯૫૨માં રેલવે મંત્રી, ૧૯૫૭માં વાહનવ્યવહાર મંત્રી વગેરે પદ તેઓને મંગળવારે જ મળ્યાં હતાં. તેઓ વડા પ્રધાન પદે પણ મંગળવારે જ આવ્યા, ભારતરત્નનો ઇલકાબ પણ મંગળવારે જ મળ્યો. મંગળવારે જ તાશ્કંદ વાર્તા થઈ અને પોતાનો નશ્ર્વર દેહ પણ મંગળવારે જ છોડ્યો.
ઘણા ફિલ્મ નિર્માતાઓ શુક્રને બદલે ગુરુવારે ફિલ્મ રિલીઝ કરીને લક અજમાવતા હોય છે! એકતા કપૂર દરેક સિરિયલ ‘કે’ નામના અક્ષરથી જ શરૂ કરે છે જેમ કે ‘કસૌટી’, ‘કુસુમ’, ‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’ વગેરે, પણ એ જ એકતા ‘કે’ અક્ષરથી શરૂ થતી ફિલ્મ બનાવે છે ત્યારે ફ્લોપ પણ થાય છે!
ઇન્ટરવલ
એક દો તીન ચાર પાંચ છે સાત આઠ
નૌ દસ ગ્યારા બારા… તેરા
તેરા કરું દિન ગીન ગીન કે ઇંતેઝાર
આજા પિયા આયી બહાર (જાવેદ અખ્તર)
કહેવાય છે કે ૧૩નો આંકડો અશુભ છે. અમુક હોટેલમાં ૧૩ નંબરનો ફ્લોર કે રૂમ રખાતો જ નથી! યોર્કશાયરના ડો. રુડના જીવનમાં ૧૩નો આંક કમનસીબ છે. ૧૩ વર્ષની વયે તે બીમાર પડ્યા. ૧૩ દિવસ અસહ્ય વેદના સહન કરતા રહ્યા, તેરમી તારીખે મૃત્યુ પામ્યા. તેમના પરિવારમાં કુલ ૧૩ સભ્યો હતા, મૃત્યુ વખતે તેમની પાસે ૧૩ શિલિંગ બચ્યા હતા. તેમનો અંતિમસંસ્કાર ૧૩ જણની હાજરીમાં થયો. ડો. રુડનું નામ ઝુવાહ હતું અને તે શબ્દ બાઈબલના ૧૩મા છંદમાં આવે છે, તેમના મૃત્યુ પર ૧૩ શોકસંદેશા મળ્યા! આનાથી વિપરીત ડેતેવેર કોલોરેડોના ધનાઢ્ય ઉદ્યોગપતિ શરમેનના જીવનમાં ૧૩નો આંક લકી હતો. શેરમેનનો જન્મ ૧૩મી તારીખે થયો. સગાઈ ૧૩ તારીખે થઈ. લગ્ન ૧૩ જૂન, ૧૯૧૩માં થયાં. તેમનાં પત્નીની જન્મતારીખ પણ ૧૩ હતી, લગ્ન પ્રસંગે ૧૩ જણ હાજર હતા. વળી સાયપ્રસના મેકોરિયસના જીવનમાં ૧૩નો આંક આવો જ સંજોગ લાવતો રહ્યો. ૧૩ ઑગસ્ટ, ૧૯૧૩ના રોજ તેનો જન્મ થયો. ૧૩ વર્ષની ઉંમરે ચર્ચમાં જોડાયો. ૧૩ નવેમ્બર, ૧૯૪૬ના રોજ પ્રિસ્ટનો અભ્યાસ પૂરો કર્યો. ૧૩ જૂન, ૧૯૪૮માં તેઓ બિશપ બન્યા અને રાજગાદી પર બેઠા. ૧૩ માર્ચ, ૧૯૫૧ના રોજ યુનાનના રાજાએ તેમનું અભિવાદન કર્યું. ૧૩ ડિસેમ્બર, ૧૯૫૯ના રોજ તેઓ રાષ્ટ્રપતિ બન્યા.
તો વળી ફ્રાન્સના સિંહાસન સાથે ૧૪ના આંકની વિશેષતા જોવા મળે છે. ફ્રાન્સના પ્રથમ સમ્રાટ હેન્રી ૧૪ મે, ૧૦૨૯માં ગાદીએ બેઠા, જ્યારે છેલ્લો સમ્રાટ હેન્રી ૧૪ મે, ૧૯૦૧ના રોજ મરી ગયો. હેન્રી બીજાએ ૧૪ મેના રોજ ફ્રાંસનો વિસ્તાર કર્યો, હેન્રી ત્રીજાને ૧૪ મેના રોજ યુદ્ધ લડવું પડ્યું. હેન્રી ચોથો આયવરીનું યુદ્ધ ૧૪ માર્ચ, ૧૫૯૦માં જીત્યો. ૧૪ ડિસેમ્બરે તે ડ્યુક હેન્રીને શરણે ગયો. ૧૪મી તારીખે જ લોર્ડ ડફરીન ગાદીએ બેઠો. હેન્રી ચોથાના પુત્ર લુઈ ૧૩માનું મોત ૧૪ મે, ૧૯૪૩ના રોજ થયું; લુઈ ૧૪મો ૧૯૪૩માં (બધા આંકડાનો સરવાળો ૧૪) ગાદીએ બેઠો અને ૭૭ વર્ષ (સરવાળો ૧૪) મરી ગયો. લુઈ ૧૫માએ કુલ ચૌદ વર્ષ રાજ્ય કર્યું.
૪ અને ૮ પણ વિચિત્ર અંકો ગણાય છે, પણ જર્મનીના રાજા ચાર્લ્સ ચોથાએ પોતાના જીવનમાં ચારના આંકને વધુ મહત્ત્વ આપ્યું. તે દિવસમાં ચાર વાર ચાર રંગનો પોશાક પહેરતો. રોજ ચાર વાર ચાર અલગ અલગ મેજ પર ચાર પ્રકારનાં ભોજન ખાતો. તે ચાર પ્રકારનો દારૂ પીતો, તેને ચાર અંગરક્ષકો હતા. પૈડાંવાળી તેની બગીને ચાર ઘોડા જોડાતા હતા. તેને ચાર ચાર ઓરડા અને દરેક ઓરડાને ચાર ચાર બારીઓ હતી. તેના મૃત્યુ સમયે ચાર ડોક્ટરો હાજર હતા. તેણે ચાર વાર ‘ગુડ બાય’ કહ્યું અને ચાર વાગીને ચાર મિનિટે મરી ગયો!
હવે ૮ની વાત કરીએ. વિશ્ર્વવિખ્યાત ચિત્રકાર અલ્વા ટાડમાના જીવનમાં ૧૭ (૧ વત્તા ૭ એટલે ૮)નો આંક અગત્યનો ભાગ ભજવી ગયો. આ વાત સ્વીકારતાં તે કહે છે કે ‘હું જ્યારે ૧૭ વર્ષનો થયો ત્યારે ૧૭મી તારીખે પત્નીને મળ્યો. પહેલા મકાનનો નંબર પણ ૧૭ હતો. બીજું મકાન બનાવ્યું તે પણ ૧૭ ઑગસ્ટે શરૂ થયું અને ગૃહપ્રવેશ પણ ૨૭ નવેમ્બરે થયો. સેન્ટ જોન્સ વુડમાં ચિત્રકામ માટે જે ઓરડો લીધો તે પણ ૧૭ નવેમ્બરે.
સોરી, હું અબુધ આંકડાશાને સમજી શકતો નથી, પણ એના એક્સપર્ટોને સો સો સલામ સાથે વિનંતી કે કોરોના સમયે કોઇ ઉપાય ખોજી આપો કે કઇ તારીખે આ બધું ખતમ થશે? કે પછી તારીખ પે તારીખ-ની જેમ ક્યારેય ન ખતમ થતું રહસ્ય જ રહેશે?
એન્ડ ટાઇટલ્સ
ઇવ: તારો લકી નંબર?
આદમ: તું!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.