Homeવીકએન્ડચંદા કોચર ચર્ચામાં, બૅન્ક ફડચામાં, પ્રજા મૂંઝવણમાં: લોન કૌભાંડ ક્યારે બંધ થશે?

ચંદા કોચર ચર્ચામાં, બૅન્ક ફડચામાં, પ્રજા મૂંઝવણમાં: લોન કૌભાંડ ક્યારે બંધ થશે?

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

કોચર-ધૂતનું કૂટલી કૌભાંડ: શકુનિની રમત કરતાં પણ પેચીદું, લોકોને ન્યાય મળશે?
———-
કોચરનું શાતિર દિમાગ: એક નહિ એક ડઝન લોન કૌભાંડ કર્યાં
———–
ચંદા કોચરે કૌભાંડ આચર્યું તેની સજા પ્રજાને ક્યાં સુધી ભોગવવી પડશે?
———-
અબજોમાં આળોટતા કોચર દંપતીને કટકી કરવાનું કેમ સૂઝ્યું?
———-
લોન શબ્દનો ઉદ્ભવ ક્યારથી થયો તેની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી પરંતુ સામાન્ય માનવી જન્મે ત્યારથી જરૂરિયાત શબ્દ સાથે જીવે છે અને છેલ્લી ક્ષણે પણ પરિવારની જરૂરિયાત પૂર્ણ કરવાની માંગ વારસદારો પાસે કરે છે. ૫ મહિના પહેલા ચીનમાં મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા હતા. કારણ? બૅન્કને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો એટ્લે લોકોની મરણમૂડીને ચૂકવવાનો ઇન્કાર કરી દીધો. આમાં ચાઈનાના નાગરિકોનો શું વાંક! ચીનમાં શું થાય છે અને શું થશે એ તો માત્ર જિનપિંગને જ ખબર હોય એટલે આ ઘટનાના વીડિયો વાઇરલ તો થયા, પરંતુ નાગરિકોને ન્યાય મળ્યો કે નહિ તેની કોઈ સ્પષ્ટતા ચીની મીડિયાએ નથી કરી. ભારતમાં પણ આવું જ આંદોલનમાં થયું હતું.
૨૦૧૬માં આઈસીઆઈસીઆઈ બૅન્કના શેરધારક અરવિંદ ગુપ્તાએ પોલીસમાં અરજી કરી હતી. તેમની અરજીમાં જણાવ્યાનુસાર તેમની પાસે આઈસીઆઈસીઆઈના ૫૦૦ શેર હતા. એટ્લે તેમને વર્ષાન્તે બૅન્કમાં થતાં નફા-નુકસાનના અહેવાલ મળતા હતા. ગુપ્તા દરેક અહેવાલનું ઝીણવટપૂર્વક અધ્યયન કરતાં હતા. ૨૦૦૯થી ૨૦૧૬ના વાર્ષિક અહેવાલના અભ્યાસ પરથી એટલું સ્પષ્ટ થતું હતું કે બૅન્ક સતત નુકસાની કરી હતી. બૅન્ક દ્વારા પુષ્કળ માત્રામાં લોન અપાઈ રહી છે. અને લોકધારક એક જ વર્ષમાં દેવાદાર બનીને પૈસા ચુક્વવાની મનાઈ ફરમાવે છે છતાં બૅન્ક તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી. આ મામલે તેમણે બૅન્કના સીઇઓ ચંદા કોચરને રજૂઆત કરી તો તેમણે પણ કોઈ રસ નથી દાખવ્યો. શેરધારક હોવા છતાં તેમને હડધૂત કરીને હાંકી કાઢવાંમાં આવ્યા. તેથી બૅન્કમાં થતાં મસમોટા વ્યવહારો પરથી કૌભાડની ગંધ આવે છે. પોલીસ અરજી લઈને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં તપાસ માટે પહોંચી ગઈ. બૅન્ક તો ચંદા કોચરના ઇશારે કામ કરતી હતી. એટ્લે સ્વાભાવિક છે તેઓ રદિયો આપીને છૂટ્ટા થઇ ગયા અને પોલીસને બૅન્કમાં આંતરિક તપાસ કરવામાં આવશે. જેમાં કમિટીની રચના થશે અને અરવિંદ ગુપ્તાના સવાલોનું ચોક્કસ નિરાકરણ થશે તેવી ખાતરી અપાઈ.
કમિટીવાદ ભારતીય રાજકારણનું નવું કલ્ચર છે. લઠ્ઠો પીને માણસો મરી ગયા – કમિટી નીમો! ઍર ઈન્ડિયાનું હવાઈ જહાજ તૂટી ગયું – વન મેન કમિટી નીમો! રેલવે અકસ્માત હોય કે હિંદુ મુસ્લિમ હુલ્લડ, કમિટીની રચના પછી જ સત્ય સામે આવે. સત્તા સ્થાને બેસેલી વ્યક્તિ માટે કમિટીએ જનમતના ફુગ્ગામાંથી હવા કાઢી લેવા માટેની પીન છે: તપાસ, જાંચ, પડતાલ, ઈન્કવાયરી! ત્રણ, ચાર, છ માસમાં જનતા બધું જ ભૂલી જશે. કમિટી, કમિશન, તપાસ પંચોનું એક વિરાટ જગત છે. હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓમાં એમ.એ.ના રાષ્ટ્રવિજ્ઞાનના અભ્યાસક્રમમાં આ કમિટીવાદ વિષે એક પચાસ માર્કનો પેપર રાખવો જોઈએ!
કમિશન નીમવાના ફાયદા પણ છે. એનાથી સમસ્યા મુલતવી રાખી શકાય છે. કમિશનનો રિપોર્ટ આવે છે ત્યાં સુધી લોકો વાત ભૂલી ગયા હોય છે, એ સમસ્યાનું મહત્ત્વ ખતમ થઈ ગયું હોય છે અથવા નવી અને વધારે ગંભીર સમસ્યાઓ પ્રકટ થઈ ચૂકી હોય છે. કમિશનમાં કોણ નિમાય છે? સામાન્ય રીતે નિવૃત્ત કર્મચારીઓને એ કામ સોંપાય છે. એમનું પ્રવાસભથ્થું, નિવાસભથ્થું અને પગાર અથવા કંઈક કામચલાઉ સાલિયાણા પ્રકારનું મળે છે. કેટલાંક કમિશનો ખરેખર અભ્યાસ કરીને ગોપનીય માહિતી બહાર લાવે છે અને સ્તુત્ય સેવા કરે છે. પણ પછી કેટલાંકને માટે એ નિવૃત્તિ પછીની ઉપકારક પ્રવૃત્તિ બની જાય છે, આવકનું એક સાધન બને છે. એમના કમિશનના કામમાં જેટલો વિલંબ થાય એટલો એમની સગવડો-સુવિધાઓ અને આમદનીમાં વધારો થતો રહે છે. આવું કહેવાતું કમિશન ૨૦૧૬માં નિમાયું અને ૨૦૧૮ સુધી ચાલ્યું. તપાસના નામે મીંડું, પરંતુ અરવિંદ ગુપ્તા ખરા અર્થમાં વ્હીસલ બ્લોઅર હતા. વ્હીસલ બ્લોઅર એટ્લે કૌભાડનો પર્દાફાશ કરનાર, પોલ છતી કરનાર. જાહેર કે ખાનગી સંસ્થામાં જો કંઈ અનૈતિક, ગેરકાયદે, ગેરબંધારણીય અને ભ્રષ્ટાચારથી ખરડાયેલું કામ થતું હોય અને એ કામની સાબિતી સાથેની માહિતી કોઈ માણસ પાસે આવી જાય તો એ વ્હીસલ બ્લોઅર બની શકે છે. બે વર્ષમાં અરવિંદ ગુપ્તાએ બૅન્કમાં થઇ રહેલા નાણાકીય વ્યવહારોની સરળ સમજૂતી પ્રદાન કરતી પીપીટી બનાવી લીધી અને તમામ મીડિયા હાઉસ સુધી પહોંચાડી દીધી. મીડિયાને આવો જ મસાલો જોઈએ. સમાચારોની હેડલાઇન્સમાં ભારતની જ નહીં પણ વિશ્ર્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં ટોચનું સ્થાન ધરાવતા આઈસીઆઈસીઆઈ બૅન્કના મેનેજિંગ ડિરેક્ટર તથા સીઇઓ ચંદા કોચરનું નામ કૌભાંડમાં ઉછળ્યું. ટીવી ચેનલોએ તો ત્યાં સુધીના દાવા કર્યા કે જો ખાતા ધારકો એક સાથે એક લાખ રૂપિયા કે તેથી વધુની રકમ ઉપાડવા જશે તો બૅન્ક હાથ ઊંચા કરી દેશે. બૅન્ક પાસે તો પૈસા જ નથી.
આવા સમાચાર નિહાળીને કોને પોતાની મરણમૂડીને ઉપાડવાની ઈચ્છા ન થાય! ચીનની જેમ ભારતમાં પણ ૨૦૧૮માં મહાનગરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ન્યૂઝ ચેનલોની ગણતરી સાચી પડી. સરળ નિયમ છે. બૅન્કની કમાણી કઈ રીતે થાય? ખાતા ધારકો જે રકમ જમા કરાવે બૅન્ક તેને લોન સ્વરૂપે આપે અને તેમનાથી મળતું વ્યાજ એ બૅન્કની ચોખ્ખી કમાણી. આઈસીઆઈસીઆઈમાથી અબજો રૂપિયાની લોન અપાઈ ગઇ હતી. એટ્લે જ્યારે લોકો પોતાના સેવિંગ એકાઉન્ટ અને એફડીમાથી પૈસા ઉપાડવા ગયા તો બૅન્કને ભીંસ પડી. અરવિંદ કુમારને પોલીસ પર વિશ્ર્વાસ નતો તેમણે સીબીઆઈ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ થાય તેવી માગ કરી.
આ એવો સમય હતો જ્યારે ચંદા કોચરના સંસદ ભવનમાં સિક્કા પડતા હતા. ફોર્બ્સ અને ટાઈમ્સ જેવાં આંતરરાષ્ટ્રીય મેગેઝિન્સના પાવર લિસ્ટમાં ચંદા કોચરને દર વરસે સ્થાન મળતું. ભારત સરકારે ચંદાને બેકિંગ સેક્ટરમાં આપેલા યશસ્વી યોગદાન બદલ પદ્મશ્રી અને પદ્મવિભૂષણ જેવા એવૉર્ડ્સ પણ આપેલા તેના વિરુદ્ધ ૪૨૦ની કલમ લાગુ પડે તો કેટલાય મોટામાથા પોતાનું
સિંહાસન ગુમાવી બેસે એટલે શરૂઆતમાં તો આ લોન કૌભાંડને દબાવવાના પ્રયત્નો થયા. મીડિયા બે ભાગમાં વિભાજિત થઈ ગયું. એક જે લોકોનો સાથ આપવા માંગતુ હતું. માણસ બૅન્કમાં પૈસા શા માટે જમા કરે છે? તેમની મહેનતની કમાણી બૅન્કના લોકરમાં સચવાઈ રહે, કોઈ તેને ચોરી ન જાય, સંકટના સમયે આ કમાણી તેમનો સધિયારો બને પણ બૅન્ક જ ચોર બનીને છેતરપિંડી આચારે તો ક્યાં જ્વું? કોચરે નેગેટિવ સમાચાર પ્રકાશિત કરતાં અટકાવવા આપેલી ધનરાશિથી બીજો વર્ગ અંજાઈ ગયો હતો. ટેલિવિઝન પર ચંદા કોચરની યશગાથા રજૂ કરવામાં આવતી હતી.
ચંદા કોચરની શૈક્ષણિક અને બેન્કિંગ કરિયર બંને ઉજજવળ, કોસ્ટ એકાઉન્ટન્સીમાં ડિગ્રી અને મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડીગ્રી મેળવનાર ચંદા કોલેજમાં રેન્કર હતાં અને ગોલ્ડ મેડલ સાથે માસ્ટર્સ ડિગ્રી મેળવેલી. અને સીધા પિતાની ભલામણથી ૧૯૮૪માં આઈસીઆઈસીઆઈ લિમિટેડમાં સામાન્ય ટ્રેઈની તરીકે જોડાયા. એ સમયે આઈસીઆઈસીઆઈને કોમર્શિયલ બૅન્કને પ્રાપ્ત થઈ ન હતી. ૧૯૯૩માં આઈસીઆઈસીઆઈ કોમર્શિયલ બૅન્ક બની. બીજે જ વર્ષે ચંદા આસિસ્ટન્ટ જનરલ મૅનેજર બની ગયાં. આઈસીઆઈસીઆઈ બેંકને દેશની ટોચની ખાનગી બેંક બનાવવાનું શ્રેય બેંકના પહેલા સીઈઓ કે.વી. કામતને અપાય છે. કામત અને ચંદાની દોસ્તી પર અલાયદું પુસ્તક તૈયાર થઇ જાય, પરંતુ મૂળ મુદા પર આવીએ. ચંદા કામતનાં માનીતાં હતાં તેથી તેમની છત્રછાયામાં ઝડપભેર પ્રગતિ કરી ને છેવટે ૨૦૦૯માં કામતે આઈસીઆઈસીઆઈ બેંક છોડી ત્યારે ચંદાને એમડી અને સીઈઓ બનાવાયાં. જો કે ટીવીમાં તો વખાણ વખાણ અને વખાણ જ ચમકતા હતા. બૅન્કિંગ અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી યુવતીઓ માટે ચંદા કોચર રોલ મોડેલ હતાં. આ પ્રકારના પ્રચારાત્મક પેઇડ ન્યૂઝ મીડિયાએ છાપ્યા પરંતુ જનાક્રોશ સામે વામણા સાબિત થયા. અંતે ચંદા કોચરે એમડી અને સીઈઓ પદ પરથી રાજીનામું આપી દીધું. અને એન્ટ્રી થઈ સીબીઆઇની..
૨૦૧૮થી ૨૦૨૨ પાંચ વર્ષ સુધી સીબીઆઇ બૅન્કના નાણાકીય વ્યવહારોને ઊથલાવતી રહી. પરંતુ કઈ હાથ ન લાગ્યું. ઈડીએ પણ કોચર પર દ્રષ્ટિગોચર કર્યું. એ બાદ સીબીઆઇ અને ઈડીના સમન્વયથી જ્યારે ચંદા કોચર અને તેના પતિના એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા ત્યારે લોન કૌભાંડનો પ્રથમ પુરાવો મળ્યો. ૨૦૦૮માં ચંદા કોચરના પતિ દીપકે વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત સાથે ભાગીદારીમાં નુપાવર રિન્યુએબલ્સ કંપની બનાવી. આ કંપનીમાં ધૂતની ભાગીદારી પચાસ ટકા હતી જ્યારે બાકીની પચાસ ટકા ભાગીદારી દીપક અને ચંદાના ભાઈ મહેશ અડવાણીની હતી. એ જ સમયે વેણુગોપાલ ધૂતે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જેને ખુદ ચંદા કોચરે મંજૂર કરી. બીજા જ મહિને દીપક કોચરના ખાતામાં વીડિયોકોન ગ્રુપ દ્વારા ૬૪ કરોડની જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી.
તેના છ મહિના પછી વેણુગોપાલ ધૂતે દીપક કોચર નુપાવર કંપનીમાં કરોડો રૂપિયા રોકેલા. લોન મળ્યાના થોડા સમય બાદ ધૂતે આ કંપનીની માલિકી દીપક કોચરના એક ટ્રસ્ટને માત્ર ૯ લાખ રૂપિયામાં વેચી દીધી. એ પછી ધૂતે થોડાક મહિના સુધી આઈસીઆઈસીઆઈ બેંકને લોનના હપ્તા ચૂકવ્યા ને પછી બંધ કરી દીધા. ૨૦૧૭માં ચંદા કોચર સીઈઓ હતાં ત્યારે જ વીડિયોકોનને અપાયેલી લોનને એનપીએ જાહેર કરી દેવાયેલી. એનપીએ અર્થાત નોન પરફોર્મિંગ એસેટ્સ. આ એવા લોન ધારકો છે જેમણે સ્વૈચ્છીકપણે પોતાની નાદારી નોંધાવી દીધી છે. તેમણે જાહેર કરી દીધું છે કે કંપનીએ દેવાળું ફૂંકયું છે એટલે હવે એક પણ પૈસાની લોન ભરપાઈ નહિ થાય.
સીબીઆઇએ આ ઠોસ પુરાવા રજૂ કર્યા પછી તો ઈડી અને ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટને તપાસનો છૂટ્ટો દૌર મળ્યો. વેણુગોપાલ ધૂતે ચંદા-દીપકને સાઉથ મુંબઈમાં પોશ એરિયામાં લક્ઝરીયસ પ્રોપર્ટી પણ આપેલી. વીડિયોકોન ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓએ સાવ સસ્તા ભાવે કોચર દંપતીને આપેલી આ પ્રોપર્ટીના સોદાનો ભાંડો પણ ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં ખૂલ્યો, ચંદા કોચરે બૅન્કોનું કરોડોનું કરી નાખનારા રૂઈયા બંધુઓના એસ્સાર ગ્રુપને ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયાની લોન આપેલી તેનો કેસ પણ સામે આવ્યો. એટલું જ નહિ ચંદા કોચર સામે મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ થયો. આ કેસમાં ઈડીએ તેમની સંપત્તિ જપ્ત કરી જેની કિંમત માત્ર ૭૮ કરોડ રૂપિયા છે જ્યારે તેમની સામે ૧૭૩૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો કેસ છે. સીબીઆઈએ મૂકેલા આરોપ પ્રમાણે આ લોન કૌભાંડ હજુ પણ ચાલવાનું હતું અને ચંદા-દીપક કોચર અને વેણુગોપાલ ધૂતે આઈસીઆઈસીઆઈ બેંકને ધૂતવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવેલો. ત્રણેયે મળીને એવી માયાજાળ રચી કે, આઈસીઆઈસીઆઈ બૅંન્કે વીડિયોકોન ગ્રુપને આપેલી લોનમાંથી અડધાથી વધારે નાણાં કોચર પરિવાર પાસે આવી જાય અને બૅન્કને ખબર પડે એ પહેલાં તો અબજોનો ચૂનો લાગી ગયો હોય, પરંતુ અરવિંદ ગુપ્તાએ કૌભાંડની વિગતો જાહેર કરીને ત્રિપુટીનો ખેલ બગાડી નાખ્યો.
એક સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓ જેમને મળવા લાઈન લગાવતાં એ ચંદા કોચર વકીલોને ત્યાં ચક્કર લગાવતાં થઈ ગયાં. આ વકીલોની મદદથી એ જેલમા જવાથી બચતાં હતાં પણ કોચર દંપતીના કાળાં કામોના ચોપડામાંથી એક પછી એક પાનાં ખૂલતાં જ ગયાં, તેમા વકીલો પણ હાંફી ગયા ને કોચર દંપતીને જેલમાં જતાં બચાવી ન શક્યા. ચંદા કોચર એ વાતનો નમૂનો છે કે માનવીને સુખ અને સુખ સુવિધાનાં સાધનો ગમે છે, પણ એ માટે પરસેવો પાડવાની મહેનત, કર્મનિષ્ઠા, સાધનની પવિત્રતા અને મન-વચન-કર્મથી સદાચારી બનવાની વૃત્તિ કઠે છે. એટલે ‘ફોગટ’નું મળે તે લાખેણું એવી નિમ્નકોટિની વૃત્તિ તેનામાં વકરે છે. આજના માનવીની ’‘અર્થ’ ભૂખ સંતોષવાની કોઈ જાદુઈ લાકડી નથી. એટલે જેમ-જેમ ધન મળતું જાય તેમ વધુને વધુ મેળવવાની વૃત્તિ તેના મનનો કબ્જો જમાવતી હોય છે. એટલે ધનેષણા, સુખેષણા, વૈભવ એષણા, માન-સન્માનની તેની એષણા વધતી જાય છે. એટલે તેની તૃષ્ણાઓ વધતી જાય છે. પોતે જ સુખી અથવા ધનાઢય નથી થવું, પોતાની ‘સાત પેઢી’ પણ પોતે સંચિત કરેલા ધનથી સુખી થાય એવી લાલચ એને ધનપ્રાપ્તિ પાછળ ઘેલો થવા પ્રેરે છે. આજના માનવીનું મન ‘સંસ્કાર-ઉપાસક’ બનવાને બદલે વિકાર-ઉપાસક બની ગયું છે. પરિણામે ભ્રષ્ટતાને એ દુર્ગુણ માનવાને બદલે પોતાની ચતુરાઈ અને ચાલાકી માને છે. પરિણામે છેતરામણીથી મળેલું ચોરીનું ધન તેને અત્યંત પ્રિય લાગે છે.
સામાન્ય માણસ હોમ લોન લેવા જાય તો તેમને એ પૂર્વે અનેક કોઠા ભેદવા પડે છે, પણ અમીર ઉદ્યોગપતિઓ આસાનીથી બૅન્ક અધિકારીઓ સાથે મિલીભગત કરીને પોતાનું કામ કઢાવી લે છે, એવી સામાન્ય સમજ ચંદા કોચરના કિસ્સાઓથી વધુ બળવત્તર બને છે. બૅન્ક કર્મચારી લાંચ લે છે તો તે પોતાના બૅન્કના ગ્રાહકોને જ નહીં, દેશના અર્થતંત્ર સાથે પણ મેલી રમત રમતો હોય છે. ચંદા કોચર જેવાં મોટાં બૅન્કરના નામે જ્યારે આવાં કૌભાંડ ખૂલે તો ત્યારે બેન્કિંગ વ્યવસ્થા પ્રત્યેનો લોકોનો વિશ્ર્વાસ તૂટે છે. વિજય માલ્યા કે નીરવ મોદી જેવા ઉદ્યોગપતિઓ જેટલા દોષિત છે, તેનાથી અનેકગણો વધુ વાંક આ બૅન્કરનો છે. સીબીઆઈ બૅન્કો દ્વારા આચરવામાં આવતા આવાં ગોરખધંધાને જડમૂળથી ઉખેડવા ઇચ્છતી હોય તો આ કેસમાં ગુનેગારોને સખત સજા થાય એ બહુ જરૂરી છે, પરંતુ જેમની મરણમૂડી ૨૦૧૮થી આ કેસમાં અટવાયેલી પડી છે તેમનું શું? શું ક્યારેય ખાતાધારકોને ન્યાય મળશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular