૧૮ મહાશક્તિપીઠોમાંનું એક ચામુંડેશ્ર્વરી મંદિર

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

કર્ણાટક રાજ્યના મૈસુર શહેરથી ૧૩ કિ.મી. દૂર ચામુંડી પર્વતો પર ચામુંડેશ્ર્વરી મંદિર આવેલું છે. આ મંદિર મા દુર્ગા (પાર્વતી)ના જ એક સ્વરૂપ ચામુંડેશ્ર્વરી માતાને સમર્પિત છે. આ મંદિર ૧૮ મહાશક્તિપીઠોમાંનું એક છે. એવી માન્યતા છે કે અહીં દેવી સતીના વાળ પડ્યા હતા. પૌરાણિક કાળમાં આ ક્ષેત્ર ‘ક્રોંચ પુરી’ કહેવાતું. આ કારણથી દક્ષિણ ભારતના મંદિરને ‘ક્રોંચા પીઠ’ના નામથી ઓળખવામાં આવે છે.
એક ન્યુઝપેપરના લેખમાં જણાવ્યા અનુસાર ‘મા ચામુંડા’ મૂળ રૂપમાં આદિવાસીઓનાં દેવી હતાં. બાદમાં જૈન ધર્મનાં યક્ષિણી સાથે જોડાયેલાં. રામકૃષ્ણ ભંડારકર અનુસાર તે મુંડા આદિવાસીનાં દેવી હતાં. પછીથી તાંત્રિક સાધનાની પરંપરામાં જોડાયાં અને ત્યાર બાદ તેમને મુખ્ય ધારાની પૂજા પરંપરામાં જોડેલાં. (વૈષ્ણવનિઝમ, શૈવનિઝમ એન્ડ માઇનર રિલિજિયસ સિસ્ટમ, ૧૯૯૫, પૃ. – ૨૦૫.)
મૈસુરના ઇતિહાસકાર નાગરાજ ઉર્સ અનુસાર આ મંદિર ચાર ચરણમાં બન્યું હતું. પ્રથમ આ મંદિર એક પ્રાચીન લોક દેવીનું મંદિર હતું જેની આઠ ભુજાઓ હતી. તેઓને ‘મરમ્મા’ કહેતાં હતાં. પછીથી તે જૈન યક્ષિણીનું નિવાસસ્થાન બન્યું જેને ‘વાસંતિકા’ કહેતાં. ત્યાર બાદ ફરી લોક દેવીનું મંદિર બન્યું. ચોથા ચરણમાં શૈવ ધર્મી દેવી દુર્ગાનું પવિત્ર સ્થાન બન્યું. સંભવત: મૂળ મંદિરનું નિર્માણ ૧૨મી સદીમાં હોયસલ રાજવી વિષ્ણુવર્ધને કર્યું. ૧૬૧૦માં તે સમયના રાજાએ ‘ગોપુરમ’ માટે ચાર સ્તંભનું નિર્માણ કરાવ્યું. ત્યાર બાદના રાજા ‘મુમ્માદી કૃષ્ણરાજ’ વોડેયારે વિશાળ ગોપુરમ અને પ્રવેશદ્વાર બનાવ્યું. ઈ. સ. ૧૮૭૦માં ‘જયાચામારાજ’ વોડેયારે મંદિરના ગર્ભસ્થળ માટે ચાંદીના દરવાજાનું નિર્માણ કરાવ્યું.
કથા અને સાહિત્ય સંદર્ભ અનુસાર વિજયનગર સામ્રાજ્યના એક જાગીરદાર યુદરાયાએ ઈ. સ. ૧૩૯૯માં દેવી ચામુંડાનું સ્વપ્ન જોયું અને તેણે ત્યાં શાસન કરનાર શાસક પર આક્રમણ કરી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. આ પ્રકારે તેણે યદુ વંશની સ્થાપના કરી તેની દેખરેખમાં જ દેવીનું મંદિર બનાવ્યું. યદુએ ઈ. સ. ૧૪૨૩ સુધી શાસન કર્યું અને તેના ઉત્તરાધિકારી વિજયનગર સામ્રાજ્યના જાગીરદારની જેમ ત્યાં દેવીની પૂજા અને સંબંધિત ભવ્ય ઉત્સવોમાં ધ્યાન કેન્દ્રિત કરી શાસન કરતા રહ્યા.
દ્રવિડ શૈલીમાં નિર્મિત આ મંદિરનું મુખ્ય દ્વાર, ચાંદીથી બનેલું પ્રવેશ દ્વાર, નવરંગ સભા મંડપ, અંતરાલ મંડપ, ગર્ભગૃહ અને પ્રાકાર બન્યાં છે. મંદિરના દરવાજા પર ભગવાન શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત છે. ચાંદીથી બનેલ દરવાજા પર માનાં વિભિન્ન સ્વરૂપોની છબીઓ બનેલી છે. મંદિરની ઈમારત ૭ માળની છે, જેની કુલ ઊંચાઈ ૪૦ મીટર છે. મંદિરની પાછળ ‘મહાબલેશ્ર્વર’ને સમર્પિત એક નાનું શિવ મંદિર છે જે સંભવત: ૧૦૦૦ વર્ષ જૂનું છે તેમ જ નંદી મંદિર અને દેવી કેરે (કુંડ/તળાવ) પણ સ્થિત છે.
જેટલો રોચક ઈતિહાસ મંદિરનો છે એટલો જ રોચક ઈતિહાસ મૈસુરના નામકરણનો છે, જેનું રસપ્રદ વર્ણન જોઈએ.
કેટલાક ઈતિહાસકારોમાં અને કિંવદંતીઓ અનુસાર ‘મૈસુરુ’ શહેરનું નામ ‘મહિષાસુર’ નામ પરથી પડ્યું છે. સ્થાનીય કથાઓ અનુસાર રાક્ષસ મહિષાસુરના નામ પર આ જગ્યાનું નામ મૈસુરુ થયું. મહિષાસુરને ચામુંડેશ્ર્વરી દેવીએ માર્યો હતો. મૈસુરુ નામનો અર્થ ‘મહિષાસુર’ની ધરતી એવો થાય છે.
મૈસુરુ યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્ત્વીય વિભાગના પૂર્વ પ્રોફેસર નરસિમ્હા મૂર્તિ કહે છે કે મૈસુરુનું નામ મહિષાસુરની કથા પરથી આવ્યું છે. આવું સંભવ એટલે બન્યું હશે કે પુરાણોમાં તેનું સારા-નરસાના રૂપમાં વર્ણન હોય અને મહિષાસુરને સારા રાક્ષસના રૂપમાં જોવાયો હશે. અશોકના દસ્તાવેજો દ્વારા જાણવા મળે છે કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ‘મહિષા મંડળ’ હતું. મહિષાસુરની કથા પણ પછીથી પ્રચલિત થઇ હશે.
બી. એસ. શેખ નામના ઈતિહાસકાર કહે છે કે મૈસુરનું નામ ચામુંડેશ્ર્વરી અને મહિષાસુરની કથા પરથી જ પડ્યું છે. તેઓ જણાવે છે કે પૌરાણિક કથા અનુસાર ચામુંડેશ્ર્વરી દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. ટીપુ સુલતાન મૈસુરનું નામ ‘મંજરાબાદ’ રાખવા ઇચ્છતા હતા, પરંતુ અંગ્રેજો સામેની લડાઈમાં પરાજય થતાં એ શક્ય ન થઈ શક્યું. ત્યાર પછીના શાસકોએ મૈસુર નામ જાળવી રાખ્યું.
પી. વી. નંજરાજ ઉર્સના નામના ઈતિહાસકાર જણાવે છે કે આ સ્થળ પ્રથમ ‘યેમ્મે’નાડુ (રાજ્યનો અર્ધ ભાગ) અથવા ભૈસોની ધરતીના નામથી ઓળખાતો. પછીથી ‘મહિષા મંડળ’ નામ થયું અને અંતમાં પૌરાણિક કથા અનુસાર ચામુંડેશ્ર્વરી દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો એટલે તેનું નામ મૈસુર પડ્યું.
એક સત્ય એ પણ છે કે દેશભરની આદિવાસી પ્રજાતિઓ મહિષાસુરને પૂજતી હતી. લાતેહાર, નેતારહાટના સખુંયાપાની ગામમાં રહેતી સુષમાએ અસુરને કહ્યું કે આપણે સૌ એક જ ધરતી માના ગર્ભથી ઉત્પન્ન થયાં છીએ અને યુદ્ધ પૂર્ણ થશે નહીં. આપણે માનીએ છીએ કે મહિષાસુર આપણા રાજા હતા જેની દુર્ગાએ હત્યા કરી. આ સુષમા અસુર સમુદાયથી છે જેને પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપમાં વર્ગીકૃત કર્યા છે, જેમની સંખ્યા ઝારખંડમાં દસ હજારથી ઓછી છે. ઝારખંડ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશના આદિવાસી સમૂહો મહિષાસુરની પૂજા કરે છે અને મૃત્યુનો શોક મનાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.