આનન-ફાનન -પાર્થ દવે
અહીં દરેકની બે બાજુ છે. દરેકની બે વાત છે. કહે છે કે ‘તમે કહો એમ’, ને પછી પોતાની વાત ‘રાખે’ છે. પોતાના પ્રશ્ર્નો છે, પોતાના જવાબો છે. પ્રશ્ર્નો પણ સોલ્વ થાય એવા જ જોઈએ. જવાબો આવડવા જોઈએ. એવો પ્રશ્ર્ન ઉત્પન્ન જ ન થવો જોઈએ કે જેનો જવાબ ન આવડતો હોય.
અહીં દરેકનું વિશ્ર્વ છે. દોરંગી છે. કાચીંડાઓ છે. તડકામાં નથી હાલતું, ઠંડીમાં નથી હાલતું. ગરમીથી કંટાળીને વરસાદ જોઈએ, બહુ પડે તો ગાળો ભાંડે. બે દુનિયા છે, લોકો દયનીય છે. એકલતા, ઓથાર, આનંદ, વાસના, દર્દ, રાહત, અશ્રુ, અટ્ટહાસ્ય… બધું મિક્ષ મિક્ષ છે, ભેળસેળવાળું, દોહ્યલું, વાણોવેલુ. છૂટું કેમ કરવું? અહીં બે નહિ, બેથી વધારે ઈશ્ર્વર છે, અલ્લાહ છે. અહી ગોડના પણ ગોડ છે. જે ઉપર છે. નીચે છે. અંદર છે. શોધે બહાર છે. રસ્તા બે છે, મંજિલ એક છે. મંજિલ ખોવાઈ ગઈ છે. ફરીને પાછા આવવું છે.
અહીં બે અતીત છે. એક સારું, એક ખરાબ. એક સાચું એક ખોટું. એક સાવ સાચું એક સાવ ખોટું. પોતા માટે સાચું, બીજા માટે ખોટું. સગાઇ થતા અતીત સેલ્ફોન્સના કોન્ટેક્ટ અને ફોટોસની જેમ ભૂંસાઈ જાય છે. એમ કરવું જ પડે ભાઈ- કહીને પાછા લોકો પોરસાય છે. પોરસાઈ પોરસાઈને લોકો જીવે છે. પોતે વિચારે-સોચે-અંદરને અંદર ઘૂંટાય ત્યારે સાચું અતીત દેખાય છે. ભૂલો-ફરિયાદો-અફ્સોસો-અશ્રુ મિશ્રિત દર્દ છલકાય છે. મા-બાપને નથી કહેવાનાં એવાં રહસ્યો ભેગાં થયાં છે. નાખવા ક્યાં? કાઢવા ક્યાં? ‘મિત્રો ક્યાં હવે મિત્રો રહ્યા છે?’ કોણ મરીઝ? કોણ ઘાયલ? કોણ યાદ આવ્યું? લોકો આવે છે, જાય છે. અવાજ અલગ છે, મોઢું અલગ છે, ચહેરાઓ નોખા છે. વાતો અલગ છે. બે વાતો છે. બે ચહેરા છે. માસ્ક મળે છે માસ્ક. બજારમાં માસ્ક વહેંચાય છે, રોકડા રૂપિયામાં. જેટલા ધનવાન વધારે એટલા માસ્ક વધારે. વધતા જ જાય. વધારવા જ પડે ભાઈ, નહિતર જીવી ન શકાય.’
જન્મ્યા એકલા, મરવું એકલું જ છે-કહીને સાલી દુનિયાની પત્તર રગડે છે. કરવું બધું જ છે-પણ છુપી છુપીને. ચીપી ચીપીને. ગરોળીની જેમ ટયૂબલાઈટની પાછળ જઈને જીવડાના બે કટકા કરી, ખાઈ, મિજબાની માણીને ઓડકાર ખાવો છે. લકાઈ લકાઈને, પ્રેમ કરવો છે છુપાઈ છુપાઈને. બીજો? બીજો વિકલ્પ જ નથી ને…’
અહીં બે સ્પર્શ છે. એક સાચો એક ખોટો. પ્લેટોનિક સ્પર્શ હોય? ઓશો જાણે! સ્પર્શથી વાસના જાગે કે પ્રેમ? પ્રેમ થયો છે કે વાસના? છોડો આ વિષય. લોકો છંછેડાઈ મરશે.
અહીં બે સેક્સ છે. સ્ત્રી, પુરુષ. સાચું કોણ, ખોટું કોણ-એવો પ્રશ્ર્ન અહી ન હોય. બને સાચા, બંને ખોટા. હજુ પણ… હજુ પણ, સાલું દીકરી જન્મે ને એજ્યુકેટેડ મા-બાપ, દાદા-દાદી રોદણાં રોય છે. કમાલ છે યાર! દીકરી હતી તો દીકરી થઈને? પાછું નામ શું? ભગવાનનું! કામ શું? ભગવાનનું! તમને તમારા કટ્ટર ભગવાને આ શીખવાડ્યું છે? બુલશીટ.
અહીં બબ્બે સ્માઈલ્સ છે. સાચી-ખોટી ને સારી-ખરાબ. ‘હસવું જો આવે તો હસવું બેફામ, પૂછવું નહિ’-ની જેમ લોકો બિન્દાસ હસે છે. સાચે? ખોટે? એ તો વોટ્સઅપની સ્માઇલી જાણે! બકૌલ સુરેશ દલાલ, ને માણસે હસવાનું છે…’ જો બક્ષી કહે તો, ગમગીની ભર્યા સ્વરમાં હસી નાખવું પડે છે…’
હસતે હસતે કટ જાયે રસ્તે, ઝિંદગી યુહી ચલતી રહે- ભાઈ ચલકચલાણું છે. ગોળ છે. ચક્ર છે. મેરી ગો રાઉન્ડમાં બેઠા? કેટલીક વાર? કોઈ ઉપર કોઈ નીચે. ઉપર ટક્યા એટલી વાર મજા. બાકી મને-કમને ઊતરવાનું, ઊતરવાનું જ. જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ.’ ઔર ફિર? ઔર ફિર? શું ઔર ફિર ઔર ફિર? ફિર અંત હૈ. એન્ડ એન્ડ. એન્ડ તો આવે જ ને. શરૂઆત છે ત્યાં અંત છે, અંત એટલે ફૂલસ્ટોપ. પૂરું. ફિનીશલાઈન. ડેડલાઇન. ‘નહીં યાર કોલમ’ નહિ, ‘કોલમ’ નહિ. એની વાત અત્યારે કરતો જ નથી હું.
એન્ડ બોલે તો અંત બોલે તો મૃત્યુ ઉર્ફે અંતિમ અભિશ્રાપ… અર્થાત પડછાયાના ચહેરાઓ જાણે ભૂલી જવાની ‘ઘટના ઉર્ફે..!’ એક નાઇસ છે, એક બેડ છે. એક વેરી બેડ, એક વેરી નાઇસ. ઝૂરતે ઝૂરતે મરવું, કણસી કણસીને મરવું… એ પણ એક ‘મરવું’ છે. ‘મરવું’ ન હોય તોય મરવું, સામેથી મરવું, એયને પાંચમે માળેથી પડવું… સાલો શું મર્યો? હટ.. ટ…અ..અ…અ.. છી! લાનત છે લાનત… બીજો- ધીમેકથી બેઠા, પછી સૂતા, પછી ફેફસા બેઠા. આંખો અડધી બંધ, ને પછી આખી જિંદગી સાથે રહેલો શ્ર્વાસ, ડૉક્ટર ને સગા વહાલાની હાજરીમાં અલવિદા કહી ગયો.. સુખેથી… એક ઝાટકો ને ટ્રકમાંથી છૂટી ક્ધટેનર પડ્યું, કે એટેક, કે એક કે બીજું, કે ફલાણું કે ઢીકણું… બસ પૂરું?
એક દોસ્ત ગૂગલ ઉપર સ્વર્ગ-નર્ક ચેક કરતો હતો, પોતાની ભૂલો માટે! બે… તને હજી થ્યા ટ્વેન્ટીથ્રી છે, પૂરેપૂરી ભૂલો તો કર. તો ‘ત્યાં પણ સરખી સજા મળે!’ મર્યા પછી ક્યાં જોવાનું કોઈ તને?… શું યાર…
મૃત્યુ પછી પણ બે રસ્તા… એક અને બે. અહીં બધું બબ્બે કેમ છે?
લખવું અને ન લખવું. આ…આ તમને ગમશે. અહીં બે ઓપ્શન છે. ત્રીજો પસંદ કરું: અટકવું.