ડોસી તો આમ હૈયાવરાળ ઠાલવી, રુદ્રેશ્ર્વરના શિવાલય બાજુ ચાલતાં થયાં, પણ સાથોસાથ પરશ્યાના મન ર સ્પષ્ટ છાપ મૂકતાં ગયાં. એમણે તો મનમાં હતું એ બધું, ખોટી સહાનુભૂતિ બતાવતા આ બદમાશ આગળ બકી નાખ્યું, પરંતુ એનું શું પરિણામ આવશે એનો લગીરે વિચાર ન કર્યો
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
ડોસીએ જરા’ માર્યો હતો! તે દિવસે ડોસી ગુસ્સાના આવેશમાં ઘેરથી નીકળી, બબડતાં બબડતાં પેલી હાટડીઓ નજીકથી જતાં હતાં ત્યારે જ નામીચા પરશ્યાએ (પરશુરામે) ડોસીને ઊભાં રાખી પૂછ્યું હતું:
‘કયા ઉઠાવગીર પર આટલાં ગિન્નાયાં છો માઇ? મને જરા વાત તો કરો!’
ત્યારે ડોસીએ ન કહેવાની વાત પણ કહી નાખી હતી.
‘અરે, પેલો વાસુ આવ્યો છે ને અમારી ત્યાં! એણે અમારા ઘરમાં જ ઘો ઘાલી!’
‘કઇ રીતે ઘો ઘાલી, માઇ?’
‘મારી આંખોમાં ધૂળ નાખી, સુમિ જોડે એણે લગન કરી લીધું, ભઇ! પણ એ કેવો બદમાશ અને ઉઠાવગીર છે એ હું બરાબર જાણું છું!’
‘કાં? એણે શી ઉઠાવગીરી કરી?’
‘અરે ભઇ, જવા દે ને એ વાત જ!’ ચાલવાનું કરતાં ડોસીએ ભાંડો ફોડી નાખ્યો, મુંબઇથી કોઇ પ્રધાનના નાના દીકરાને એ ઉઠાવી લાવ્યો છે એ વાત આખો મલક જાણે છે અને એને પકડવાનું સરકારી વોરન્ટ પણ નીકળ્યું છે, પરશ્યા!’
‘એમ? પણ લો! અમને તો એના પરાક્રમની કશી ખબર નથી, માઇ!’
‘મનેય ક્યાંથી ખબર પડત? પણ આ તો હું એવી પક્કીને, કે છુપાઇને એની બધીય વાત સાંભળી લીધી! પછી ખૂબ વઢી પણ ખરી!’
‘પછી શું થયું, માઇ? જરા બેસીને વાત કરો!’
‘હવે એ લુચ્ચાની શી વાત કરવાની બાકી છે? મારી ભોળી દીકરીને ઊઠાં ભણાવી, મારી ધાકથી અહીંથી નાઠો તે ઠેઠ મંગેશ જઇ, મારી પેલી રાંડેલી નણંદનો સાથ લઇ સુમિ હારે એણે લગન કરી લીધું! પણ જોજેને, દૂધ પીતા નાના બાળકને ઉઠાવી લાવ્યો છે તે, એ કેવો સુખી થાય છે એય હું જોઇશ!’
ડોસી તો આમ હૈયાવરાળ ઠાલવી, રુદ્રેશ્ર્વરના શિવાલય બાજુ ચાલતાં થયાં, પણ સાથોસાથ પરશ્યાના મન પર સ્પષ્ટ છાપ મૂકતાં ગયાં. એમણે તો મનમાં હતું એ બધું, ખોટી સહાનુભૂતિ બતાવતા આ બદમાશ આગળ બકી નાખ્યું, પરંતુ એનું શું પરિણામ આવશે એનો લગીરે વિચાર ન કર્યો.
પરશ્યાનું ચિત્ત હવે ચગડોળે ચડયું.
પેલા મૂંડન કરાવેલા નાના બાળકને એ ઉઠાવી લાવ્યો છે, તો પોતેય એ બચ્ચાને અહીંથી ઉઠાવી જઇ એનાં અસલ મા-બાપને સોંપી આવશે! એ હરામજાદાએ પોતાને જેલના સળિયા પાછળ ધકેલાવી દીધો’તો! હવે પોતે એનું કારસ્તાન નિષ્ફળ બનાવી એ ઉલ્લુને બરાબર પાઠ ભણાવશે!
પરંતુ એ બાળકને અહીંથી ઉઠાવવું કઇ રીતે?
રુદ્રેશ્ર્વર તરફ જતી વેળા વાસુ અને સુમિત્રા જોડે જ હોય છે! એ છોકરાને જરાયે છૂટો મૂકતાં નથી! તો શું રાતે ભાઉસાહેબના મકાનમાં પ્રવેશી, એ લોકો ઊંઘતાં હોય ત્યારે બાળકને ઉઠાવવું? પણ એમ કરવા જતાં પોતે સપડાઇ જાય, તો મિલિટરી અમલદાર પેલો ડોસો પોતાને ત્યાં ને ત્યાં ખતમ કરી નાખે! ના, એવું આંધળું સાહસ નથી ખેડવું!’
છેવટે એક દિવસ એને જોઇતો લાગ મળી ગયો.
સવારના દસેક વાગ્યા હતા, ત્યારે બેઉ છોકરાં જોડે સુમિત્રા એનું કોઇ વ્રત પૂરું કરવા રુદ્રેશ્ર્વર તરફ જતી હતી. હાટડીવાળા દુકાનદારને આંખ મારી પરશ્યો તરત પાટિયાં ઊભા થયો:
‘આજે શિકાર હાથ લાગે તો કોશિશ કરી જોઉ’, ગજાભાઉ!’
‘પણ… તારા કામના સફળ થાય, તો ઇનામમાં મારોય ભાગ રાખજે, પરશ્યા! હાટડીવાળીએ શરત રજૂ કરી, ‘તને પાંચસો રૂપિયા દીધા છે એની પાછળ મારીયે ગણતરી છે, હોં!’
‘અરે, ચાર! સારા કામ માટે નીકળું છું એ વખતે આમ ડબડબ ન કરો!
પરશ્યો જીતીને આવશે, તો બદ્ધુંયે સાટું વાળી દેશે!’
ખાસું એવું અંતર રાખી પરશ્યો સુમિત્રા અને છોકરાં પાછળ જવા લાગ્યો. શિવાલય પર પહોંચી બેઉ છોકરાંને મંડપમાં રમવા છોડી, સુમિત્રા પોતે નીચાણવાળા ગર્ભગૃહમાં પાર્વતીજીની પૂજા કરવા પ્રવેશી. એ સમયે જ પરશ્યાએ જાકીટના ખિસ્સામાંથી ચોકલેટ કાઢી બાળકોને આપી:
‘લે કૂકી! લે બાળ, તુંયે ખા! શું નામ છે બેટા, તારું?’
‘મુન્નો-’
‘પણ ઘરમાં મમ્મી તને શું કહીને બોલાવે?’
‘મમ્મી તો મને બન્ટી કહે છે, અંકલ!’
‘તો બેટા બન્ટી, ચાલ તને હું મમ્મી પાસે લઇ જાઉ’!’
‘ક્યાં છે મમ્મી?’ બન્ટીની આંખોમાં ચમક આવી ગઇ મમ્મીના ઉચ્ચાર સાથે, ‘મમ્મી આવી છે?’
‘હા, તારી રાહ જોતી મમ્મી પણે ઊેંચે ટેકરી ઉપર ઊભી છે. આવ-’ કહી બન્ટીને એણે ઊંચકયો. આસપાસ નજર ફેરવી લીધી. પછી કૂકીને કહ્યું ‘તું અહીં જ ઊભી રહેજે હોં, દીકરી! થોડીવારમાં અમે આવીએ છીએ!’
જાહેરરસ્તે જવામાં ખતરો હતો. આથી પરશ્યાએ સલામતીભર્યો! અને ટૂંકો માર્ગ પસંદ કર્યો. બન્ટીને લઇ, ધોધ બાજુનો ખડગ એ ચડી ગયો. કૂકી પગથિયાં બાજુ જઇ, મોંમાં ચોકલેટ ચગળતી એ તરફ જોતી ઊભી રહી.
થોડીવારમાં ખાલી થાળે તથા પ્રસાદ લઇ સુમિત્રા ત્યાં આવી. એને એકલીને જોઇ પૂછયું:
‘મુન્નો ક્યાં ગયો, કૂકી?’
‘પણે ગયો-’ં
‘પણે એટલે ક્યાં?’
‘પણે અંકલ લઇ ગયા,’
‘કોણ-વાસુ અંકલ આવ્યા’તા?’
‘ના, બીજા અંકલ!’
‘ઓહ, બીજું કોણ આવ્યું હતું?’ સ્વગતને ઉદ્ેશી સવાલ કરતી સુમિત્રા અસ્વસ્થ થઇ ગઇ. આમતેમ જોઇ લઇ એક ખૂણે બેઠેલી માગણ બાઇ પાસે ગઇ, ‘અમારી જોડે મુન્નો હતો એને કોની સાથે જતો તમે જોયો, લખીબાઇ?’
‘હો!’ લખીબાઇએ જવાબ દીધો, ‘પેલો પરશ્યો આવીને મુન્નાને ઉઠાવી, આમ ઉપર ચાલી ગયો, સુમિબહેન!’
‘પરશ્યો હતો?’ પૂછતાં પૂછતાં સુમિત્રાનો સ્વર ફાટી ગયો. ઘાંઘી થઇ ધોધ બાજુના ખડક તરફ એ ભાગી. (ક્રમશ:)