Homeઈન્ટરવલચક્રવ્યૂહ પ્રકરણ-૪૨

ચક્રવ્યૂહ પ્રકરણ-૪૨

શ્રીમંગેશના શિવાલયનું સંકુલ ખાસું વિશાળ હતું. શિવાલય સિવાય અન્ય મંદિરો તેમ જ ધર્મશાળા, પૂજારીવાસ તથા નોકરચાકરનાં રહેઠાણો પણ કમ્પાઉન્ડમાં આવેલાં હતાં. શિવાલય ઉત્તંગ તેમ જ ભવ્ય હતું. ભગવાન શ્રીમંગેશનાં દર્શન કરી બાળકોને કોઈ નજીકના ખુલ્લા ચોકમાં એ લોકો બેઠાં. એટલામાં આરતી શરૂ થઈ

વિઠ્ઠલ પંડ્યા

(ગતાંકથી ચાલુ)
રસોડામાં ચા-નાસ્તો તૈયાર કરતાં ફોઈ-ભત્રીજી વચ્ચે પાછી વાત આગળ ચર્ચાઈ. જનાફોઈએ પ્રશ્ર્ન કર્યો:
‘વાસુ બીજવર છે’લી?’
‘તમને કેવી રીતે ખબર પડી, આત્યા?’
‘કેમ, મારે શું આંખો નથી?’ ખાંડનો ડબ્બો સુમિત્રા આગળ મૂકતાં જનાફોઈ બોલી ઊઠ્યા, ‘એની જેમ માથે મૂંડન કરાવેલો પેલો છોકરો નથી એનો?’
‘ના, એ મુન્નો વાસુનો નથી, આત્યા!’
‘તો પછી કોનો છે?’
‘એ એનો ભત્રીજો છે અને એની પાછળ લાંબી વાત છે, પણ અત્યારે એ જવા દો!’
સૂરજ ઢળી ગયો હતો અને સાંજ પડી હતી. જનાફોઈએ સુમિત્રાને ત્યારે કહ્યું:
‘હવે સાંધ્ય આરતી થશે. વાસુ તથા છોકરાંને લઈ શિવાલયમાં જઈ આવ, આનંદ આવશે.’
‘હું જઈશ તો આટલા બધાંની રસોઈ કોણ બનાવશે, આત્યા?’
‘હું બનાવીશ વળી! અમારી આનંદી (પુત્રવધૂ) જેવી થોડી હું આળસું છું? ચાર તો શું- ચાલીસ માણસ પણ આવી ચડે ને, તોયે હું ન મુંઝાઉં! જા, ઘડીક બેસીને નિરાંતે આવજો!’
છોકરાંને આંગળિયે વળગાડી, શિવાલય તરફ જતાં રસ્તામાં વાસુદેવ કહેવા લાગ્યો:
‘આત્યા જોડે રસોડામાં શી ગુસપુસ ચાલી રહી હતી? મારે વિશે કંઈ પૂછતાં’તાં તે?’
‘હા, પણ “પછી વાત કરી વાત મેં વાળી દીધી!’
‘વાત કેમ વાળી લીધી? મારી હકીકત તારે એમને કહેવી જોઈએ!’
‘પણ સાંભળીને એ છળી પડે તો?’
‘તો શું? અહીંથી ઉચાળા ભરવાનું કહેશે, એ જ ને!’
‘હા, એમ પણ કહે! આત્યા ચંચળ સ્વભાવનાં છે. દીકરાની વહુની સુધ્ધાં પરવા નથી કરતાં! કહે કે, અબી ને અબી ચાલ્યા જાઓ! તો!’
‘અરે, સુમિ! આ તો લાગણીથી હું તારી સાથે જોડાયેલો છું એટલે ગોવા આવ્યો! બાકી, મારે છુપાઈ રહેવા આખો ભારત દેશ પડ્યો છે! અન્ય ગુનાખોરોની જેમ, જઈને નેપાળના નાના કોઈ ગામડામાં છુપાઈ રહું ને, તો યે આખો જન્મારો નીકળી જાય!’
‘હા, તારો તો નીકળે, પણ પછી મારું શું?’
‘તારે પછી મીરાંબાઈ થઈ જવાનું અને વાસુદેવને બદલે ગિરધરના ગુણ ગાવાના!’
‘અત્યારની વાત સાંભળી તારી દાનતનો અંદાજ મને આવી જાય છે: લાગે છે કે ભવિષ્યમાં તું મને મંજીરાં જ પકડાવીશ!’
‘એથી તને શું નુકસાન થવાનું છે! લોકો ભક્તિભાવપૂર્વક તને પગે પડી “માતાજી તરીકે સ્થાપશે! એ રીતે ફંડફાળા એકઠા કરી તું એકાદ આશ્રમની અધિષ્ઠાત્રીએ બની શકીશ!’
‘મારે એવી અધિષ્ઠાત્રી નથી બનવું! હું તો તારી અર્ધાંગના થવા માગું છું અને શ્રીમંગેશના શિવાલયમાં જ, તારી સાથે શંકર-પાર્વતીની સાક્ષીએ વિધિવત્ પુનર્લગ્ન કરવાનું નક્કી કરીને આવી છું!’
‘ઓ! હું તો તને બિલકુલ ગભરુ અને ભોળી સમજતો હતો! પણ તું બહું મીંઢી નીકળી હોં!’
‘તું જે સમજે એ ખરું! બાકી અરવલેમથી નીકળ્યાં ત્યારે મંજુભાભીએ, બસ સ્ટેન્ડ પર મારા કાનમાં ફૂંક મારી’તી, કે ખબરદાર આમ હાથ હલાવતાં પાછાં આવ્યાં છો તો! શ્રીમંગેશમાં જ ફેરા ફરી લેજો! નહીં તો તમને કે વાસુને ઘરમાં નહીં ઘૂસવા દઉં!’
‘ત્યારે તો પેલો કુબેકર મારા હાથમાં બેડી પહેરાવે એ પહેલાં તમે લોકોએ મને “લગ્નાચી બેડીમાં ઝકડી લેવાનું કાવતરું કર્યું છે એમ ને?’
‘હા, એમ જ વળી! નહીં તો પછીથી તારા જેવો ઉસ્તાદ માણસ હાથ પણ આવે કે?’
વાસુદેવ કંઈક કહેવા જતો હતો, પરંતુ ત્યાં તો શ્રીમંગેશના પ્રવેશદ્વારા પાસે જ એક આધેડ પણ સૌભાગ્યવતી બાઈ એમને ભેટી ગઈ:
‘અરે સુમિ! ક્યારે આવી, બાઈ?’
સુમિત્રાએ એમને જોઈ વંદન કર્યા ને બોલી:
‘આજે જ આવી, મામી! સરોજ ક્યાં છે? સાસરે કે પછી સતારા?’
‘એના વર જોડે સતારા જ છે, દીકરી! પણ આ ભાઉ કોણ છે? મેં ન ઓળખ્યા એમને!’
‘અમારા મહેમાન છે. પુણેથી આવ્યા છે મારી ભેગા!’
‘ભલે, બાઈ!’ કહેતાં પગથિયાં પાસેથી બીજી દિશામાં વળી ગયાં. હું જરા ચિંતામણિ શાસ્ત્રીને મળી લઉં! મારે એક મૂરત કઢાવવાનું છે.’
મુર્હૂતની વાત સાંભળી સુમિત્રાના મગજમાં ઝબકારો થયો: પોતાના પુનર્લગ્ન માટે શાસ્ત્રીજી પાસે મુહૂર્ત કઢાવ્યું હોય તો?
શ્રીમંગેશના શિવાલયનું સંકુલ ખાસું વિશાળ હતું. શિવાલય સિવાય અન્ય મંદિરો તેમ જ ધર્મશાળા, પૂજારીવાસ તથા નોકરચાકરનાં રહેઠાણો પણ કમ્પાઉન્ડમાં આવેલાં હતાં.
શિવાલય ઉત્તંગ તેમ જ ભવ્ય હતું. ભગવાન શ્રીમંગેશનાં દર્શન કરી બાળકોને કોઈ નજીકના ખુલ્લા ચોકમાં એ લોકો બેઠાં.
એટલામાં આરતી શરૂ થઈ.
મનના કલેશ, આધિ, વ્યાધિ ને ઉપાધિ ખંખેરાઈ જાય એવા પવિત્ર ધ્વનિથી સારું યે વાતાવરણ ભરાઈ ગયું. પાછાં શિવાયના ગર્ભદ્વાર સામે જઈ એ લોકો ઊભાં. પછી આરતીની આશકા લીધી.
પાછા ફરતી વખતે વાસુદેવ ગંભીર હતો. સુમિત્રા ખામોશ હતી. ઘેર ગયાં તો ફોઈએ પૂછયું:
‘કેમ એટલામાં પાછાં આવી ગયાં’લી?’
‘છોકરાં સતાવતાં’તાં એટલે આવી ગયાં.’
રાતે ફોઈ-ભત્રીજીના ખાટલા નજીક હતા. સુમિત્રા પોતાના ખાટલામાં થોડી સળવળી. ધીમેથી ખોંખારો ખાધો, પછી પૂછયું:
‘ઊંઘી ગયાં કે આત્યા?’
‘ના, જાગું છું’
‘મારે તમને એક વાત કરવી છે.’
‘શી છે? બોલ-’
‘બોલું તો ખરી. પણ તમે વઢશો તો નહીં ને?’
‘એવી તે શી ગંભીર વાત છે કે તને વહુ વઢું?’
‘માનો તો ગંભીર વાત છે અને નહીં તો વાત હસી કાઢવા જેવી ય છે.’
‘એમ કોયડો રજૂ કર્યા વિના સીધી રીતે વાત કહે ને બાઈ!’
ખાટલામાં સુમિત્રા બેઠી થઈ. અંધારામાં ફોઈનો ચહેરો જોઇ શકાય એ રીતે બેઠી. પછી ખાટલાની ઇસ પર હાથ ફેરવતી કહેવા લાગી:
‘હું અને વાસુ અહીં લગ્ન કરવા માગીએ છીએ, આત્યા!
‘અહીં?’ કહેતાં જનાફોઈ પણ બેઠાં થઈ ગયાં! કેમ, તારા દાદા અને તારી માઇ લગ્ન માટે રાજી નથી, સુમિ?’
‘માઇ રાજી નથી. બાકી દાદા તથા મંજુભાભીની પૂરી સંમતિ છે.’
‘તાર માઇ કેમ આડે આવે છે?’
‘એણે એનાં પિયરનાં સગાંમાંથી એક ખૂંધિયાને મારે માટે પસંદ કર્યો છે.’
‘સમજી. તો પછી લગ્ન સાદાઈથી જ પતાવવું છે ને?’
‘કહો-’
‘ઠીક, તો કાલે જ મૂરત કઢાવી કામ પૂરું કરીશ! હવે નચિંત મને સૂઈ જા, બાઈ!’
એમની કોમમાં પુનર્લગ્નનો કશો છોછ નહોતો. ઊલટું કોમની કેટલીક કુંવારકાઓ સુધ્ધાં પરિણીત પુરુષનું ઉપવસ્ત્ર (રખાત) થઈ રહેવામાંયે નાનમ ન અનુભવતી. ખૂણેખાંચરે દેવદાસીની પ્રથા હજી અસ્તિત્વમાં હતી.
આથી જનાફોઈએ એક જ દિવસમાં બધી તૈયારી કરી લીધી અને એ સાંજે જ નિકટનાં દસબાર સ્વજનોની હાજરીમાં બહુ સાદાઈપૂર્વક પુનર્લગ્નની વિધિ પતાવી. એના ફોટાય પડાવ્યા. પત્યું!
પછી વરઘોડિયાં શ્રીમંગેશના દર્શને ગયાં.
રાતે નવદંપતીના ખંડમાં ગુસપુસ ચાલી:
‘અંતે તેં તારા મનનું જ ધાર્યું કર્યું, સુમિ!’
‘હા, પણ બહુ મોડું કર્યું એમ કહે!’
‘હું તો તને મારા મનમાં, સદુના લગ્નમાં તું આવ્યો’તો ત્યારથી સંઘરી બેઠી’તી!
‘ઓહ! એટલે કે ચાર વરસથી?’
‘હા, પણ કોઈ આગળ હું મોં ન ખોલી શકી અને મારે એક ખોટા કુંડાળામાં નાહકના ફસાવું પડ્યું!’
‘મારી સાથેનું કુંડાળું પણ સુખદ નીવડશે એની શી ખાતરી સુમિ?’
‘અત્યારે મારા સુખની ક્ષણે એવું અશુભ ન બોલ, વાસુ!
મારો અંતરાત્મા કહે છે કે મારું સૌભાગ્ય લાંબું ચાલશે!’
‘ઠીક, તો ચાલવા દો!’ કહેતા વાસુદેવે સુમિત્રાને આશ્ર્લેષમાં લીધી.
* * *
બહુ આનંદપૂર્વક અઠવાડિયું ત્યાં વીતી ગયું. એ પછી સમજી વિચારીને જનાફોઈની એમણે વિદાય લીધી.
અરવલેમ, આવી, બધાંને પગે લાગી, લગ્નના ફોટા ઘરનાંને બતાવ્યા ત્યારે બીજા કોઈને આંચકો ન
લાગ્યો પણ ડોસી ઊભાં ને ઊભાં સળગી ગયાં.
‘મારાથી છાનું રાખવા મંગેશ જઈ તેં લગ્ન કર્યું, એમ ને? આટલી
ઉંમરે મારી આંખમાં ધૂળ નાખી? અભાગણી, મને આમ છેતરવાની તારે શી જરૂર હતી? બોલ-’
‘હવે, તું એની પાસે શું બોલાવવા માગે છે?’ જગન્નાથરાવે કહ્યું ‘વાસુ એને ગમતો’તો અને એની જોડે એ પરણી ગઈ હવે આશીર્વાદ આપ કે બેઉ છોકરાં સુખી થાય!’
‘આશીર્વાદ નહીં- મારો શાપ છે જા: તું કદીય સુખી નહીં થાય! સાત જનમારેય નહીં!’
‘બસ કર હવે!’ કહેતાં ભાઉસાહેબ ઊભા થઇ ગયા, ‘તું તો કેવી મા છે? જા હટ અહીંથી? નહીં તો ડાચું ભાંગી નાખીશ, હા!’
ડોસી છેવટે બબડતાં બબડતાં ગામમાં ચાલી ગયાં:
‘ઉઠાવગર આવ્યો’તો અને આ મારી દાધારંગીએ એની જોડે ઘર માંડ્યું! હું સાચું કહું છું, પણ કોઈ સાંભળે છે ઘરમાં? હવે પાછો ફરી ફજેતો ન થાય તો કહેજો મને!
ડોસીના ક્લેશને કારણે સુમિત્રા તથા વાસુદેવ મામાસાહેબને ગામ થોડા દિવસ જવા માગતાં હતાં, પરંતુ ભાઉસાહેબે કહ્યું: ‘બે દિવસ એ તો બબડીને રહી જશે. એ માટે બીજે દોડાદોડી કરવાની જરૂર નથી! જેટલા દિવસ રહેવું હોય-સુખેથી અહીં જ રહો, દીકરા!’
ડાબે ખભે ગોળી વાગી હતી ત્યાં એક દિવસ વાસુદેવને ઓચિંતું દરદ થવા લાગ્યું. આથી ડૉક્ટરને બતાવવા સવારે એ બિચોલીમ ગયો હતો. ડૉક્ટરને એણે સાચી વાત કહી ને પછી એ ખભાનો એક્સ-રે પણ લેવરાવ્યો. તત્કાળ રાહત માટે એને ગોળીઓ આપી અને ડૉક્ટરે કહ્યું :
‘હવે કાલે આવી જજો, મિસ્ટર! એક્સરેનો રિપોર્ટ આવી જતાં, કંઈક શંકા જેવું લાગશે તો જ ફરીવાર ત્યાં ઓપરેશન કરવું પડશે.’
નાની શી ચિંતા લઈ વાસુદેવ અવરલેમ પાછો ફર્યો, પરંતુ ત્યાં આવી એણે જે સમાચાર સાંભળ્યા એથી તો એ પડી જ ભાંગ્યો!’
પેલો હરામખોર પરશ્યો, બન્ટીને લઈ ક્યાંક ભાગી છૂટ્યો હતો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -