બીજે દિવસે કુબેકરસાહેબ દિલ્હી ઊપડયા અને અહીં બીજો ફણગો ફૂટ્યો. વરસોવા લઈ જઈ શંકરની લાશ દાટવામાં સામેલ કદમ પાસેથી વાંદરા પોલીસે વાત કઢાવી, બીજાયે ત્રણ જણને પકડી લીધા. પછી એમાંના એક માન્યા નામના શખસ પાસેથી બીજી યે હકીકત ઓકાવી
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
‘તો પછી સર, હવે આપ અમને શી સલાહ આપો છો?’ એક નાયબ પ્રધાને ચમચાગીરી આદરી, ‘ચીફને મૂંઝવણમાં મૂકવા હોય તો એક રસ્તો છે. અમે બધા આપના મિત્રો, સામૂહિક રીતે રાજીનામાં ધરી દઈ, એમની આંખ ઉઘાડી શકીએ!’
‘ના, તમારાં રાજીનામાથી કાંઈ વળે એમ નથી!’ ઊંડો નિ:સાસો નાખી કુબેકરે જવાબ દીધો, ‘ઊલટું એથી તો એ માણસનું જોર વધશે! એને ફાવતું જડશે! પછી આપણો અવાજ સાવ નિર્માલ્ય થઈ જશે!’
‘હં… તો પછી આપનું શું કહેવું છે?’
‘મને લાગે છે કે કાલે સવારે હું દિલ્હીની ટ્રીપ મારી આવું! પી.એમ. (પ્રાઈમ મિનિસ્ટર)ની આ બાબતમાં શી સલાહ છે તે જાણી લઉં!’
‘અચ્છા! તો સર, એમ કરજો! પી.એમ.ના આપના પર ચારેય હાથ છે તે જરૂર કાંઈક સારું પરિણામ આવશે!’
કુબેકરસાહેબની વિદાય લઈ બધા વિખરાયા. એમાંથી બે જણા અલગ પડી પોતાની મોટરમાં ગોઠવાયા. ગાડી ચાલુ કરીને આગળ વધ્યા ત્યારે એકે બીજાને પૂછ્યું:
‘ગાંવકર, તને શું લાગે છે એમાં? કુબેકર હજી મૂછે તાવ દઈ દિલ્હી જવાની વાત કરે છે. ફાવશે એમાં?’
‘રામ રામ કર!’ સ્ટિયરિંગ સંભાળી રહેલા પ્રધાન ગાંવકરે ઉત્તર દીધો, ‘પી.એમ. એનો ઈતિહાસ બરાબર જાણે છે! હાથમાં પાણીચું દઈને પાછો ન ધકેલે કુબેકરને, તો કહેજે મને!’
‘મનેય એવું જ લાગે છે!’
‘એવું લાગે છે તો એને મસકો શાનો લગાવી રહ્યો તો તું? અહીં આવેલા બધા જ રાજીનામાં ધરી દેવાના છે એની તને ખાતરી હતી?’
‘ના, મને મારી જ ખાતરી નહોતી!’ હસીને એણે જણાવ્યું, ‘પણ હું રહ્યો નાયબ પ્રધાન અને મારે કુબેકર જોડે પનારો પડ્યો છે! આથી બાકીનાઓ વતી ‘સાહેબ’નો દાણો ચાંપી જોવા મેં જરા મમરો મૂકયો’તો!’
‘પણ ધાર, કે દિલ્હીથી ગોળને પાણીએ નાહી નાખવાના સમાચાર લઈ કુબેકર આવે ને પછી આપણને સૌને કહે કે… મારી જોડાજોડ તમે સૌ પણ રાજીનામાં ધરી દો-તો?’
‘તો શું? આપણેય કહીએ કે અમે પહેલાં પી.એમ.ના મનમાં શું છે એ જાણી લઈએ પછી રાજીનામાંની વાત!’
‘આટલા વખતમાં આજે તેં સમજદારીની વાત કહી, હોં દોસ્ત!’
‘થેંક યુ ફોર યોર કોમ્પ્લિમેન્ટ!’
બીજે દિવસે કુબેકરસાહેબ દિલ્હી ઊપડયા અને અહીં બીજો ફણગો ફૂટ્યો. વરસોવા લઈ જઈ શંકરની લાશ દાટવામાં સામેલ કદમ પાસેથી વાંદરા પોલીસે વાત કઢાવી, બીજાયે ત્રણ જણને પકડી લીધા. પછી એમાંના એક માન્યા નામના શખસ પાસેથી બીજી યે હકીકત ઓકાવી.
‘શિરકેસાહેબે મને બોલાવીને હજાર રૂપિયા આપ્યા’તા અને કહ્યું’તું કે ટેમ્પો ભાડેથી લઈ બંગલાના પાછળના ભાગમાં સિમેન્ટની ઓટલી છે તે તોડી, નીચેની વસ્તુ ક્યાંક દૂર લઈ જઈને દાટી આવજે!’
‘શિરકેસાહેબ કોણ છે? ચાલ, બતાવ!’
‘પણ અત્યારે એ ઘેર નહિ હોય, સાહેબ!’
‘તો ક્યાં હશે?’ ઈન્સ્પેક્ટર માચવેએ પૂછયું, ‘શિરકે કોઈ સરકારી અમલદાર છે?’
‘ના, સાહેબ! મ્યુનિસિપાલિટીના કોન્ટ્રાક્ટરછે !’
‘ત્યારે તો એણે તને મડદું સગેવગે કરવાનો પેટા કોન્ટ્રાકટ દીધો’તો એમ ને?’
માન્યા કંઈ ન બોલ્યો ને નજર ઝુકાવી ઊભો રહ્યો. આથી ઈન્સ્પેક્ટર ઊભા થતાં કહ્યું:
‘ચાલ, બહાર જીપ છે એમાં બેસી જા!’
‘ક્યાં જાવું છે, સાહેબ?’
‘તારા શિરકે સાહેબ ઘરે આવે ત્યાં સુધીમાં આપણે ફરી આવીએ.’
‘કેટલે લગી જઈશું, સાહેબ?’
‘બસ થોડે લગી.’
બે પોલીસો સાથે પાછળ જીપમાં એને બેસાડ્યો અને ઈન્સ્પેક્ટર માચવે આગળ ગોઠવાયો:
‘હવે માન્યા એ કહે કે: શિરકે કોન્ટ્રાકટરનું ઘર ક્યાં આવ્યું?’
‘પણ સાહેબ, અત્યારે તો…’
‘અત્યારેના બચ્ચા! સીધી રીતે એના ઘરનો પત્તો બતાવ, નહિ તો તારાં હાડકાં ખોખરાં કરી નાખીશ! બોલ, ક્યાં છે શિરકે?’
‘માહિમમાં શીતલા માતાના મંદિરની પાસે.’
માહિમ પહોંચી, શિરકેના રહેઠાણ પર જઈ માન્યા સાથે માચવે ઈન્સ્પેક્ટર ઊભો રહ્યો. ત્યાં માન્યાને જ આગળ કર્યો:
‘પૂછ તો: શિરકે ઘરમાં છે?’
‘હા, એ માણસ ઘરમાં જ હતો. બહારથી આવીને ચા પીતો બેઠો હતો. પચાસેક વરસની ઉંમરનો, અરધી ટાલવાળો શિરકે ધોતિયાથી મોં લૂછતો દરવાજા બહાર આવ્યો; પરંતુ પોલીસ ઈન્સ્પેક્ટર સાથે માન્યાને જોતાં જ એના મોતિયા મરી ગયા. માચવેએ પૂછયું:
‘તમે જ, મિસ્ટર શિરકે?’
‘હા, સાહેબ!’
‘ચાલો મારી જોડે!’
‘પણ… સાહેબ, મારો કાંઈ વાંકગુનો?’
‘વાંકગુનો કશોય નહિ!’ માચવેએ મીઠું સ્મિત વેરી જવાબ દીધો, ‘દાટેલાં મડદાં કાઢીને સગેવગે કરવાનાં છે. એનો કોન્ટ્રાકટ તમને આપવા નાયબ પોલીસ કમિશનર સાહેબે ભલામણ કરી છે. ચાલો, કોટ-ચપ્પલ પહેરી લો!’
એની પત્નીએ દરવાજામાં આવી પૂછયું:
‘આ બધું શું છે? શાના કોન્ટ્રાક્ટની વાત છે?’
ચાલી જીવન હતું. પોલીસ ખાતાના માણસોને જોઈ આડોશ-પાડોશમાંથી રહેવાસીઓ ગેલેરી આગળ ઊભાં રહી કૌતુક જોતાં હોય એમ તાકી રહ્યાં હતાં. આથી શિરકેએ ચીડથી પ્રશ્ર્ન પૂછી રહેલી પત્નીને હડસેલો માર્યો અને અંદર ચાલી ગયો.
એની પત્ની બિચારી મૂંઝવણમાં પાછી વળી ગઈ.
અંદર કશીક ગુસપુસ થઈ. પછી ‘ચિંતા કરું નકો!’ બોલતો શિરકે, કોટ-ચંપલ પહેરી, ચશ્માં ઠીક કરતો બહાર આવ્યો. એને અને માન્યાને લઈ ઈન્સ્પેક્ટર તથા પોલીસ નીચે ઊતર્યા અને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ ગયા.
ત્યાં એની પૂછપરછ ચાલી. પહેલાં તો એણે કબૂલ્યું જ નહિ કે કોના કહેવાથી શંકરના દાટેલા શબને બીજે ક્યાંક દાટી આવવાની કામગીરી માન્યાને એણે આપી હતી! પછી બોલ્યો:
‘બંગલાના ગુરખાએ મને કામ સોંપ્યું’તું સાહેબ! પણ મને ત્યારે ખબર નહોતી કે સિમેન્ટની ઓટલી નીચે કોઈનું મડદું દાટેલું હશે!’
‘શિરકે, જૂઠું ન બોલો!’ ઈન્સ્પેક્ટરે દાંત ભીંસીને કહ્યું, ‘હવે તો છુપાવશો તો ચાર મહિના લગી જેલના સળિયા પાછળ ધકેલી દઈશ! બોલો, મડદું બીજે લઈ જઈ, દાટી દેવાનો ઓર્ડર તમને કોણે આપ્યો’તો?’
છેવટે હોઠ પર જીભ ફેરવી લઈ શિરકેએ કહ્યું:
‘મુરલીસાહેબે એ કામ મને સોંપ્યુ’તું!’
‘મુરલી એટલે કુબેકરસાહેબનો અંગત સેક્રેટરી?’
‘હો, સાહેબ!’
‘કેટલા રૂપિયા ઠરાવ્યા’તા એ કામના?’
‘બે હજાર-’
‘હં…’ કરી ઈન્સ્પેક્ટર માચવેએ એક હવાલદારને કેબિનમાં બોલાવ્યો, ‘આ શિરકેસાહેબને અને માન્યાને કસ્ટડીમાં ધકેલી દ્યો! કાલે મેજિસ્ટ્રેટ સામે ખડા કરી, વધુ તપાસ માટે રીમાન્ડ પર બેઉને રાખવા પડશે!’
‘બરા!’ કહી હવાલદારે ચશ્માંના કાચ લૂછતા શિરકેને કહ્યું, ‘ચલા સાહિબ!’
‘શિરકેએ માંડ માંડ ઊભા થઈ, કંપિત સ્વરે માચવે ઈન્સ્પેકટરને વિનંતી કરી:
‘સાહેબ, મારી બૈરીને ખબર આપી મારે જામીન માટે વ્યવસ્થા કરવાની છે, તો-’
‘તો આ ફોન પડ્યો! ઘેર કે પડોશમાં ફોન હોય તો કરી લો!’ કહેતો ઈન્સ્પેક્ટર ઊભો થયો. હૅટ લીધી. યુનિફોર્મ ઠીક કર્યો અને બહાર નીકળી જીપના ડ્રાઈવરને કહ્યું: ‘સુધાકર, મલબાર હિલ પોલીસ સ્ટેશને જવાનું છે. જીપમાં ડીઝલ તો પૂરતું છે ને?’
‘હો, સાહેબ!’
‘તો ચાલો-’
* * *
બીજે દિવસે કુબેકરસાહેબ દિલ્હીની સફર કરી પોતાના આવાસ પર પાછા ફર્યા ત્યારે ખૂબ નખાઈ ગયેલા લાગ્યા. બાઈ સાહેબને આજ્ઞા કરી:
‘મને કોઈ ડિસ્ટર્બ ન કરતાં! મારું મગજ અત્યારે ઠેકાણે નથી!’
‘પણ મારે તમને બે સમાચાર આપવાના છે. એક સમાચાર ખુશીના છે. અહીંના પોલીસ ખાતાને પણજીથી કોઈ સી.આઈ.ડી.એ ખબર આપ્યા કે બન્ટીને પેલા ડામીસ જોડે એણે જોયો તો, પણ એ લોકો છટકી ગયા!’
‘હં… બીજા શા ખબર છે?’
‘પોલીસ મુરલીની શોધમાં હતી તે મુરલી ક્યાંક ભાગી છૂટ્યો છે!’
‘સારું કર્યું એણે!’
‘એમ કેમ કહો છો?’
‘તને એની ખબર ન પડે, લપ છોડ! મારી ગ્રહદશા જ અવળી બેઠી છે હમણાંની!’
‘કેમ? દિલ્હી ગયા’તા તે…’
‘હા, ગયો’તો! પણ નાહી નાખવાના સમાચાર લઈને આવ્યો છું! પ્રધાનપદું મારે છોડવું પડશે કાશી!’ બોલી અસહાય હોય એમ, બેઉ હાથમાં માથું પકડી કુબેકરસાહેબ બેસી રહ્યા.
પણજી છોડવાનું એકદમ અણધાર્યું બન્યું, બાકી દુર્ગા તેમ જ કામતસાહેબની ઈચ્છા હતી કે ભલે બધાં આઠ-દસ દિવસ સુખેથી અહીં રહે! પ્રેમાળ અને ઉદારદિલ બાપબેટી સાથે વાસુદેવ તથા સુમિત્રાને પણ ફાવી ગયું હતું. આસપાસનાં જાણીતાં સ્થળે ફેરવતી વખતે દુર્ગા પાણીની જેમ પૈસા વાપરતી! હવે પાછી પોતે એકલી પડી જવાની એ વિચારે, એ બિચારી મનથી દુ:ખી થઈ ગઈ હતી!
કામતસાહેબ પણ જૂના ગોવામાં સી.આઈ.ડી. ભેટી ગયો જાણી અસ્વસ્થ થઈ ગયા હતા. આથી કોઈ જાતનો આગ્રહ ન કરતાં એ લોકોને વિદાય આપી. વિદાય આપતી વખતે પોતાની રિવોલ્વર વાસુદેવને પાછી સોંપી:
“તું આટલું સાધન તારી પાસે રાખ, દીકરા! મુશ્કેલી વખતે દોસ્તની ગરજ એ સારશે! પણ ફરી યાદ દેવરાવું છું: નાછૂટકે જ આનો ઉપયોગ કરજે ! દુશ્મનને જાનથી મારી નાખવા નહીં, એના ટાંટિયા તોડી નાખી, લાચાર બનાવી દેવા જ રિવોલ્વર તાકજે! જાઓ બધાં, મંગેશ પહોંચીને ફોન કરજો!
‘હા, અને મોટીબહેનને ત્યાં પણ જતાં રહેજો!’ દુર્ગાએ સભર આંખે વાસુદેવ તથા સુમિત્રાને વળાવવા જતાં યાદ દેવરાવી.
‘મોટીબહેન તો તમને લોકોને જોઈ રાજી થઈ જશે! આ બેઉ છોકરાંને પણ એના બબલુ જોડે રમવાની મજા આવશે! જરૂર જજો હોં, જીજાનું નામ દેવદત છે અને એ ફોરેસ્ટ ઓફિસર છે!’ (ક્રમશ:)