ગોવાનું સૌથી વિખ્યાત અને સોળમી સદીમાં બાંધવામાં આવેલું ચર્ચ ‘બાસીલિકા ઓફ બોમ જેસસ’ જોઈ બહાર નીકળતા હતા ત્યારે વાસુદેવને લાગ્યું કે ચાલીસેકની ઉંમરનો એક માણસ ક્યારનોયે એમની પાછળ પાછળ ફર્યા કરે છે. વધુ શક તો ત્યારે ગયો, કે એના હાથમાંનું છાપું જોતો વારંવાર પોતોની સામે એ તાકી રહેવા લાગ્યો. તરત વાસુદેવે દુર્ગાનું ધ્યાન દોર્યું.
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
વાસુદેવ ચાલવા માંડયો એ સાથે જ બન્ટી ઊભો થયો:
‘તમે ક્યાં જાઓ છો. અંકલ?’
‘હું બાજુના ઘરમાં જાઉં છું, તું કૂકી જોડે રમ, એટલામાં તારાં કપડાં લાઢી લઈ હું આવું છું, દીકરા!’
‘હુંયે તમારી જોડે આવું છું!’
‘ભલે, તો ચાલ, અને કૂકી, તુંયે ચાલ, બેટી!’
આઉટ-હાઉસ તરફ જતાં દુર્ગા પૂછવા લાગી:
‘આ કોનો દીકરો છે, વાસુ?’
‘કોનો તે… એનાં મમ્મી-ડેડીનો! પરંતુ અત્યારે તો મુન્નો મારું સર્વસ્વ છે! એટલે તો જો ને, બાપ દીકરાની જેમ બેઉ જણે માથે ટંકોમૂંડો કરાવી દીધો છે!’
‘પણ ટંકામૂંડો કેમ કરાવવો પડયો? કુટુંબમાં કોઈનું મોત…’
‘એ બધી વાત પછી કહીશ!’ વચ્ચે જ વાસુદેવ બોલી ઊઠ્યો, ‘ચાલ, પહેલાં આ ખંડ ઉઘાડી દે!’
દરવાજો ઉઘાડી નાખી દુર્ગાએ બારીઓ પણ ખોલી નાખી. પછી પાણીની માટલી ભરી દીધી. બેઉ છોકરાં પલંગ પર ચડી બારીમાંથી બહાર ગાર્ડનમાં જોવા લાગ્યાં, કૂકી બોલી:
‘એ…ઈ! જો, પતે કોયલ બેઠી!’
‘ના, કોયલ નથી!’ બન્ટીએ કહ્યું, ‘જોતી નથી કાગડો છે તે!’
‘હો કાગલો છે!’
‘અચ્છા!’ હાથ લૂછી દુર્ગા ઊભી રહી અને બેગમાંથી બદલવાનાં કપડાં કાઢતા વાસુદેવને પૂછ્યું, ‘પછી “કિડનેપ થયેલી તમારી નાની બહેનનો પત્તો લાગ્યો વાસુ?’
‘ના’ ટટ્ટાર ગરદન કરી વાસુદેવે જવાબ આપ્યો, ‘રેણુનો પત્તો નથી લાગ્યો, દુર્ગા! અને એટલે જ તો બદલામાં એના આ માસૂમ વાછરડાને હું “કિડનેપ કરી લાવ્યો છું!’
‘ઓહ, માય ગોડ!’
‘તારા ઈશ્ર્વરને યાદ કર કે મારા ઈશ્ર્વરને! પણ હકીકત છે. દુર્ગા! મારે માથેથી હજી ભાર ઊતર્યો નથી અને મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગવાની નોબકત આવી ગઈ છે!’
‘ડેડીને આ વાત કરું?’
‘હા, કરજે અને એમની આ રિવૉલ્વર તથા કારતૂસ પણ પરત કરજે! આ જોખમ હવે ક્યાં સુધી સાથે રાખું? જા, કપડાં બદલીને હું આવું છું.’
થોડીવાર પછી બેઉ છોકરાંને લઈ વાસુદેવ મોટા મકાનમાં ગયો, તો ડોસાએ એને પોતાના ખંડમાં બોલાવ્યો, ચિરૂટ ફૂંકતા એ બેઠા હતા. બોલ્યા:
‘બેસ, ભાઈ! દુર્ગાએ મને વાત કરી તો શું પેલા પ્રધાનના ‘ગ્રાન્ડસન’ ને તું ઊંચકી
લાવ્યો છે?’
‘યસ, અંકલ!’ સામી બાજુ બેઠક લઈ વાસુદેવે જવાબ દીધો, ‘એ સિવાય કોઈ રસ્તો નહોતો! એ ખેપાની માણસે મારા ફ્રેન્ડ શંકરની હત્યા કરી જેમ એના બંગલા પાછળ દાટી દીધો હતો, એમ મારી નાની બહેનને પણ નહીં મારી નાખી હોય એની શી ખાતરી?’
‘ના વાસુ!’ એ માણસને તારી જરૂર છે. તારી બહેનની નહીં! એ છોકરી તો આ કિસ્સામાં એક સાધન બની છે! સાધનનો નાશ બેવકૂફ હોય એ જ કરે! તારો એ કુબેકર શું એવો મૂર્ખા છે!’
‘જી, નહીં, મૂર્ખ હોત તો પ્રધાન બની શક્યો હોત ખરો? ના, એ તો મહા પાખંડી અને આપમતલબી માણસ છે!’
‘એટલે જ તો કહું છું કે તારી બહેનની ચિંતા છોડી, હવે તું શું કરવા માગે છે એ મને કહે, દીકરા!,
‘શું તે… જ્યાં સુધી એના તરફથી રેણુને છોડી મૂકવાની ‘ઓફર’ નહીં આવે ત્યાં સુધી એના આ પૌત્રને હું મારા કબજામાં રાખીશ અંકલ!’
‘કેટલો સમય રાખીશ?’
‘એ હરામખોરની ધીરજ ખૂટી જાય ત્યાં સુધી! એને શું એનો પૌત્ર વહાલો નહીં હોય? મારી ધરપકડ માટે વોરન્ટ કઢાવ્યું છે એમ, આ મુન્નાનો પત્તો આપનાર માટેય ઈનામ એણે જાહેર કર્યું છે, અંકલ!’
‘હં… પણ એ માણસ નરમ પડ્યો છે એની તને શી રીતે ખબર પડશે, વાસુ?’
‘મુંબઈના મારા ‘બોસ’ મારફત મને બધી જ ખબર પડી જશે, અંકલ! અત્યારે તો એ માણસ પર મારા પત્રકાર મિત્રની હત્યા કરી એના મુડદાનો નિકાલ કરવા સંબંધે ભય તોળાઈ રહ્યો છે! જોઈએ, હવે શું પરિણામ આવે છે!’
‘પરિણામ તો પાપનું, બીજું શું આવે?’ એ બેટ્ટો સપડાશે ત્યારે એવો ભીંસમાં આવી જશે કે પછી છૂટવાનો કોઈ આરો નહીં રહે! પણ ત્યાં સુધી તારે પૂરી સાવચેતી રાખવી પડશે, દીકરા!’
‘અત્યાર લગી તો રાખી રહ્યો છું, અંકલ! બાકી કાલ શું થશે એની કોને ખબર છે!’ કહી એ ઊઠ્યો અને સુુમિત્રા તથા દુર્ગા શી પ્રવૃત્તિ કરે છે એ જોવા પેલી તરફના ખંડ બાજુ વળ્યો.
છોકરાંનો રમકડાં કાઢી દીધા હતા તે રમતા હતાં અને બેઉં સખીઓ વાસુદેવ વિશે જ વાત કરી રહી હતી. એક ખૂણામાં સરકી જઈ વાસુદેવ એ સાંભળવા લાગ્યો. શાક સમારતી બેઠેલી દુર્ગા બોલતી હતી:
‘પરંતુ કાલે એનું જ શું થશે એનો ભરોસો નથી, પછી તું મનમાં આશા રાખી બેસી રહે એનો શો અર્થ?’
‘અર્થ સાથે મારી શી નિસ્બત છે, દુર્ગા?’ સુમિત્રા જવાબ દેવા લાગી, ‘મન-પ્રાણથી હું એને ચાહું છું. હવે એના વિના અન્ય કોઈનો વિચાર કરી શકું એમ નથી!’
‘પણ ધારી લે કે… વાસુ પકડાઈ જાય, બાળકના અપહરણ માટે એને સજા થાય તો?’
‘તોયે હું એના છૂટવાની રાહ જોતી બેસી રહું! ઉતાવળ મારે નથી, મારી માઈને છે! પણ માઈની ઈચ્છા હું કદાપિ પૂરી થવા નહીં દઉંં!’
‘સારી વાત છે! તારા જેવી પ્રેમિકા હોય અને હું જુવાન છોકરો હોઉં તો તને જ પસંદ કરુ’, સુમિ! પણ તારે વાસુના મનનો તાગ લેવો પડશે! એક વાર તું દાઝી છે! બીજી વાર આંધળુકિયા કરી ન પસ્તાય એય વિચારવું જોઈશે!’
સુમિત્રા ન બોલી એટલે વાત ત્યાં જ અટકી હોય એમ વાસુદેવને લાગ્યું. આથી સિગારેટ સળગાવી, ધીમો ખોંખારો ખાઈ એ અંદર ગયો. શાક સુધારતી દુર્ગાને ઉદ્દેશી બોલ્યો:
‘વાહ, કારેલાનું શાક અને કઢી મને ભાવતી વસ્તુ છે, હો દુર્ગા! સરસ કર્યું તેં!’
‘તમારું મન હું વાંચી શકું છું એ તો હવે કબૂલ કરશો ને, વાસુ?’
‘અરે, મારી બહેન, તું તો સર્વજ્ઞ છો!’ કહેતો વાસુદેવ નજીકની ખુરશી પર ગોઠવાયો, ‘તું મારું મન વાંચી શકે છે, સુમિનું મન વાંચી શકે છે, નાનાં એ બે ભૂલકાંનું મન પણ…’
‘બસ, બસ! ચાંપલાશ કરવી રહેવા દો!’ વચ્ચે જ દુર્ગા ખોટો ગુસ્સો કરી બોલી ઊઠી, ‘હું કાંઈ એવી મૂર્ખ નથી કે તમારો કટાક્ષ ન સમજુ!’
‘તને મારાથી મૂર્ખ કઈ રીતે કહેવાય, દુર્ગા? ભવિષ્યની તું તો મારી સાળી છે!’
‘બસ થયું હવે! મને આવી મજાક પસંદ નથી!’
‘આ વાતને તું હજીયે મજાક સમજે છે? ના, હું સાચું કહું છું! તારા ગળાના સોગંદ લે!’
‘ખોટા ખોટા મારા ગળાના સોગંદ ન ખાઓ! મારે હજી જીવવું છે, મિસ્ટર!’
‘અરે, ભાઈ! હું તો ઈચ્છું છું કે તું સો વરસની થાય અને અમારી ત્રણ પેઢીઓ જુએ!’
‘તમારી એટલે કોની પેઢી?’
‘અમારી એટલે હું અને મારા શ્રીમતીની પેેઢી! પછી અમારાં બાળકો અને એમનાંયે બાળકો એમ ત્રણ પેઢી તું જોઈ શકે એટલી તારી આવરદા લાંબી થાય!’
‘એ બધું યે ઠીક! દુર્ગાએ ચૂપ થઈને બેઠેલી સુમિત્રા સામે જોઈ લઈ કહેવા માંડ્યું, ‘પરંતુ તમે મિસ્ટર, બહુ પક્કા છો તમારી શ્રીમતીનું નામ હજી ન પાડ્યું!’
શ્રીમતીનું નામ એમ સસ્તું નથી કે હાટે અને વાટે એ ઉચ્ચારી શકાય!’
‘જુઓ પાછા! મારી આગળ ચાલાકી કરવા માંડીતે? ચાલો, બોલી દો તો નામ!’
‘સુમિને પૂછ, મારી થનારી શ્રીમતીનું નામ એને મોઢે જ છે!’
‘ના, મારે તો તમારે જ શ્રીમુખે એ ભાગ્યશાળી બાઈનું નામ સાંભળવું છે!’
‘ભાગ્યશાળી એ કેટલી છે એ હું નથી જાણતો! સિગારેટની ફૂંક મારી લઈ વાસુદેવ ઊભો થયો, ‘પરંતુ હવે પછી મારી જીવનસંગીની બનશે, તો સામે બેઠી એ તારી સુખી સુમિત્રા જ બનશે, દુર્ગા!’ ને એટલું કહી તરત એ બહાર નીકળી ગયો.
એના ગયા પછી દુર્ગાએ સ્તબ્ધ થઈને બેઠેલી સુમિત્રાને ફુલાઈ જતાં કહ્યું:
‘જોયું ને! સિફતપૂર્વક મેં કેવી એમના મનની વાત કઢાવી?’
‘એમાં સિફત જેવું કાંઈ નથી, દુર્ગા!’ ધીમો નિશ્ર્વાસ નાખી સુમિતાત્રે જવાબ દીધો, ‘આપણી વાત ચાલતી’તી ત્યારે જ વાસુ બારણા પાસે આવી ઊભો’તો!’
‘તને ક્યાંથી ખબર?’
‘લે! એની સાથેના આટલા સહવાસ પછીયે એનાં પગલાં હું ન પારખી શકું?’
‘ઓહ, તો એ મિસ્ટર કોઈપણ રીતે મને બેવકૂફ બનાવી ગયા એમ ને? ઠીક છે! હુંયે જોઈ લઈશ’ કહેતી દુર્ગા નસકોરાં ફુલાવતી થાળી લઈ ઊભી થઈ અને બહાર ગઈ.
બેઉ છોકરાં હજી કશા વિક્ષેપ વગર રમતાં હતાં. સુમિત્રા પણ ચૂપચાપ ઊભી થઈ અને બહાર નીકળી, આઉટ-હાઉસ તરફ ચાલી.
વાસુદેવ એના ખંડમાં જઈ, પલંગમાં લાંબો થઈને સૂતો હતો. આંખો મીંચેલી હતી. આસ્તે રહી સુમિત્રા પલંગ પાસે ગઈ. સહેજ નીચી ઝૂકી. પછી ધીમેથી એના ગાલે બોકી ભરી.
‘ઓહ!’ કરતો વાસુદેવ અર્ધો બેઠો થઈ ગયો. પલંગની પીઠિકા નજીક ઝૂકીને ઊભેલી સુમિત્રાની મુગ્ધ આંખોમાં જોયું અને બોલ્યો, ‘આજે ખૂબ હેત ઊભરાઈ આવ્યું લાગે છે! બોલ, શું કહેવા આવી છે, સુમિ?’
સુમિત્રા લાગલી એની પડખે બેસી ગઈ. એના ચહેરા પર રક્તિમા છવાઈ વળી. નયનોમાં કંઈ કેટલાયે ભાવ ઊમટી આવ્યા. માંડ માંડ એ બોલી શકી:
‘આજે કેટલા દિવસે તેં જાહેરમાં મારો સ્વીકાર કર્યો વાસુ!’ ને એટલું કહી વાસુદેવની છાતી પર એ ઢળી ગઈ.
* * *
છોકરાંને લઈ આસપાસ હરવાા-ફરવામાં ત્રણ-ચાર દિવસ તો જોતજોતામાં પસાર થઈ ગયા. દુર્ગાએ પ્રાઈવેટ ટેક્સી કરી આગુડા ફોર્ટ (કિલ્લો જ્યાં નામીચા દાણચોર સૂકર બખિયાને રાખવામાં આવ્યો હતો અને પછી ત્યાંના રક્ષકોને ફોડી એ છટકી ગયો હતો તે સ્થળ) બતાવ્યું. હિપ્પીઓની સ્વર્ગભૂમિ જેવા કાલનગૂટ બીચ (દરિયાકિનારા) પર બધાને ફેરવ્યાં. ડોના પાઉલા અને પણજીના પ્રખ્યાત મહાલક્ષ્મી મંદિરે લઈ ગઈ.
બીજી વાર જૂના ગોવાના પોર્ટુગીઝ ચર્ચ જોવા ગયા. ત્યાં કાજુ, તેજ, એલચી, કોકમ વગેરે લઈ વેચવા બેઠેલી બે ત્રણ ગુજરાતી જેવી લાગતી વાઘરણ બાઈઓએ વાસુદેવે તો પૂછ્યું યે ખરું:
‘કિયા ગામની છો, બહેનો?’
‘એ… અમારો મલક તો બહુ છેટો રિયો, ભાઈ! પણ તમે કિયાંના છો?’
‘હું યે તમારા મલકનો છું.’ હસીને વાસુદેવે કહ્યું, ‘પણ તમારા ગામનું નામ તો કહો!’
‘અમે સુરેનદરનગરની છૈંયે!’
‘તો હું વઢવાણનો છું!’
‘એ તો બધું એકનું એક!’ કહી એ હસી પડી.