મુસાફરી કરવાની હોવાથી બેઉ છોકરાં ખુશ હતાં. અઠવાડિયું અરવલેમમાં વીત્યું એટલામાં બન્ટી એની મમ્મી વગેરેને વિસારે પાડી શક્યો હતો. કદાચ કૂકીનો સાથ ન હોત તો એના મનમાંથી મમ્મી તથા નાની બહેન ગુડ્ડી આટલાં જલદી ભૂંસી શકાત નહિ! પણ અરવલેમમાં બાળકને ગમતી દરેક વસ્તુ એ પામ્યો અને બધામાં હળીભળી ગયો
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
વાસુદેવ મુંબઈથી મધુસૂદનના વિગતવાર પત્રની રાહ જોઈ રહ્યો હતો; પરંતુ પત્રને બદલે છાપાંઓનું એક બંડલ આવી પહોંચ્યું ત્યાંથી! એમાં પેલા ભડકાવી દેનારા સમાચાર તો હતા જ, ઉપરાંત બન્ટીના તથા વાસુદેવના ફોટા સાથે અપહરણના ખબર હતા અને બન્ટી બાબા ઉર્ફે વિવેકનો પત્તો આપનારને પચીસ હજારનું ઈનામ આપવાની જાહેરાત પણ હતી.
વાસુદેવ પહેલાં સુમિત્રાને વાત કરી.
‘બધી ભાષાઓનાં અખબારોમાં આ જાહેરાત આવી છે. ઉપરાંત પોલીસખાતુંયે સક્રિય થઈ તપાસમાં લાગી ગયું હશે એટલે મારે અહીંથી ઉચાળા ભરી બીજે ક્યાંય જવું જોઈએ સુમિ!’
‘આ વિષે આપણે દાદાની સલાહ લઈએ તો સારું!’
જઈને એમણે ભાઉસાહેબની સલાહ લીધી. એમણે કહ્યું:
‘અહીંયાં મુંબઈ બાજુના પર્યટકો આવતાં રહે છે એ સાચું, પણ આથી વધારે સલામત જગ્યા તને બીજી કઈ દેખાય છે, ભાઈ?’
ભાઈ કંઈ જવાબ આપે એ પહેલાં તો સુમિત્રા બોલી ઊઠી:
‘દાદા, તમે મંગેશ જવાનું વચ્ચે કહેતા’તા ને? તો વાસુ તથા મુન્નાને લઈ થોડા દિવસ હું આત્યા (ફોઈ)ને ત્યાં રહી આવું?’
‘ત્યાં પણ દીકરી, ટ્રાવેલિંગ એજન્સીઓની બસો તો આવતી રહે છે ને?’
‘હા, આવે છે.’ સુમિત્રાએ દલીલ કરી, ‘પણ એ તો શિવમંદિર સુધી; અમારે ક્યાં આખો દિવસ શિવાલયમાં જઈ બેસી રહેવું છે?’
‘ઠીક, તો પછી ક્યારે જાઓ છો?’
‘કાલે સવારે. વાસુ કહે છે કે એને પણજીમાં કામત અંકલને પણ મળવું છે.’
‘શા વાસ્તે મળવું છે, ભાઈ?’
‘વાત એમ છે, દાદાસાહેબ કે’ ત્યારના ચૂપ બેઠેલા વાસુદેવે જવાબ દીધો, ‘મારે મુંબઈ જવું પડયું ત્યારે કામતસહેબે મારી સલામતી ખાતર એમની રિવોલ્વર આપેલી. મારે એ હવે પાછી સોંપી દેવી છે.’
‘કેમ, તારે માથેથી હવે જોખમ ઊતરી ગયું?’
‘જોખમ નથી ઊતરી ગયું, પણ આ “કિડનેપિંગનો ગુનો તો હું કરી બેઠો છું! પાછી એવી જોખમી વસ્તુ જોંડે રાખી (વખત આવે) બીજો ગુનો નહિ કરું એની શી ખાતરી?’
‘હં….’ ચિરૂટ સળગાવતાં ભાઉસાહેબે વ્યંગ કર્યો, ‘તારામાં હવે દુનિયાદારીની સમજ આવી લાગે છે! ઠીક, તો પછી પણજી ઊતરીને આગળ જજો!’
સવારે આઠ વાગ્યાની બસમાં જવાનું હતું. વાસુદેવ બેગ ભરીને તૈયાર થઈ રહ્યો હતો ત્યાં સુમિત્રા આવી.
‘ભાભી કહે છે કે કૂકીનેય જોડે લઈ જાઓ! મુન્ના સાથે દોસ્તી થઈ ગઈ છે તે બિચારી અહીં એકલી થઈ જશે!’
‘ભલે આવે! મને શી હરકત છે? ત્યાં મંગેશ જઈનેય બે છોકરાની પળોજણ તારે જ કરવાની છે!’
‘હા, અને ભેગી તારીયે! ઓછી આત્યા તારી સરભરા કરવાની છે? લે, ચાલ! હવે મોડું ન કર!’ કહેતી બગલથેલો લઈ એ ચાલવા માંડી.
વાસુવેદે ખંડમાં નજર ફેરવી લીધી અને પોતાની એટેચી લઈ, રૂમ વાસી બહાર નીકળ્યો.
ડોસીએ પૂછયું કે ક્યાં જઈ રહ્યાં છે આ બધાં? તો ફટ દઈને ભાઉસાહેબે જવાબ આપ્યો:
‘શ્રી દામોદરની જાતરાએ જાય છે બધાં! બોલ, તારે જવું છે? ત્યાં કુશાવતી (નદી)માં સ્નાન કરી પવિત્ર થાજે!’
‘મેં એવા કિયાં પાપ કર્યાં છે કે મારે કુશાવતીમાં નહાવું પડે? જેણે એવાં પાપકર્મ કીધાં હોય એ જાય!’
‘બરાબર!’ તો હવે ડાહી થઈને બેસી રહે!
એ લોકોને મંજુ બસસ્ટેન્ડ સુધી જઈ રવાના કરી આવી. બસ ઉપડતાં અગાઉ સુમિત્રાના કાનમાં કંઈક કહ્યું અને પાછી ફરી.
મુસાફરી કરવાની હોવાથી બેઉ છોકરાં ખુશ હતાં. અઠવાડિયું અરવલેમમાં વીત્યું એટલામાં બન્ટી એની મમ્મી વગેરેને વિસારે પાડી શક્યો હતો. કદાચ કૂકીનો સાથ ન હોત તો એના મનમાંથી મમ્મી તથા નાની બહેન ગુડ્ડી આટલાં જલદી ભૂંસી શકાત નહિ! પણ અરવલેમમાં બાળકને ગમતી દરેક વસ્તુ એ પામ્યો અને બધામાં હળીભળી ગયો.
માપ્સા પહોંચીને બસ બદલી. પણજીમાં પ્રવેશ્યા ત્યારે સવારના દસ વાગી ગયા હતા. લાંબા પુલ પરથી બસ પસાર થઈ રહી હતી ત્યારે ખાસ તો બન્ટીએ તાળી પાડી આનંદ વ્યક્ત કર્યો:
‘જુઓ અંકલ, આપણું મુંબઈ આવ્યું!’
એનો મુંબઈ વિષે ઉદ્ગાર સાંભલી વાસુદેવ સતર્ક થઈ ગયો. આસપાસ નજક કરી લઈ ધીમેથી કહ્યું:
‘મુંબઈ પણ આપણે ફરવા જઈશું, દીકરા! પણ આ તો પણજી છે. જો કેવો મજાનો દરિયાકિનારો છે?’
‘પેલી બોટ છે, અંકલ!’
‘હા અને પેલાં નાનાં નાનાં હોડકાં છે. જો, હવે આપણે ઊતરવાનું આવશે, તારાં સેન્ડલ બરાબર પહેરેલાં છે ને?’
‘હો-’
‘તો સુમિ આન્ટીનો હાથ ઝાલી કૂકી અને તું પહેલાં ઊતરી જજો.’
‘તમે નહિ ઊતરો, અંકલ?’
‘હું યે ઊતરીશ, પણ આપણી બે બેગ લેવાની છે તે પાછળથી ઊતરીશ! ચાલ, હવે તૈયાર થઈ જાય!’
માથા પરથી ‘પી-કેપ’ એણે કાઢી નાખી હતી, વાસુદેવે એ પહેરાવી અને બસસ્ટેન્ડ આવતાં એને સુમિત્રાના હાથમાં સોંપ્યો.
સામાન ઉતારી રિક્ષામાં ગોઠવાયાં. મીરામાર બીચ નજીક પહોંચી, ડાબી બાજુની ગલીમાં, કામતસાહેબના બંગલા આગળ ઊતર્યાં, પેલા અલ્સેશિયન કૂતરાની વાસુદેવને ખબર હતી, આથી ગેઈટનો નાનો દરવાજો ખોલી અંદર પ્રવેશતાં વાસુદેવે સુમિત્રાનું ધ્યાન ખેંચ્યું:
‘પેલો બુલડોગ આટલામાં જ ક્યાંક બેઠો હશે. જોજે: આવીને ઓચિંતો વળગી ન પડે!’
‘મને તો એ કૂતરા કરતાંયે વિશેષ બીક કામત અંકલની લાગે છે! એમની સાથે હું બરાબર વાત પણ કરી શકતી નથી!’
‘નાહકની ગભરાય છે તું! દેખાવે અંકલ ભણે વાઘ લાગે, પણ સ્વભાવના બહુ સારા છે!’
‘પણ એ ગુસ્સે ભરાય ત્યારે કેવા થઈ જાય છે એ જાણે છે?’
‘હું જાણું છું, દીકરી!’ નજીકની મહેંદીની ઊંચી વાડ પાછળથી ઓચિંતો અવાજ સંભળાયો, ‘ભૂખ્યા ભયાનક વાઘ જેવા થઈ જાય છે કામત અંકલ!’
‘ઓહ!’ કરતી ડરી જઈ સુમિત્રા ઊભી રહી, ‘સૉરી અંકલ!’
મોટી એવી કાતર સાથે કામતસાહેબ આગળ આવ્યા. બેઉ છોકરાં તથા વાસુદેવ સામે જોઈ લઈ, ગંભીર મોં રાખી બોલ્યા:
‘નો, નો, નો! એમ સૉરી કહેવાથી નહિ પતે! હવે તો કાતર અને તારી નાજુક ગરદન-બસ, ખચ્ચ કરું એટલી જ વાર!’ ને પછી એને વાંસે હાથ દઈ હસીને પૂછ્યું, ‘લાવલશ્કર સાથે ક્યાંથી આવે છે સવારી?’
ડઘાઈ ગયેલી સુમિત્રાને બદલે વાસુદેવે જવાબ દીધો:
‘અમે જરા લાંબી ટૂર પર નીકળ્યાં છીએ, અંકલ! પહેલા ધામા તમારે ત્યાં છે! કેમ છે બેઉ મારી બહેનો?’
‘મજામાં છે. પણ શાંતા બે દિવસ પર બાબાને લઈ એના સાસરે ગઈ! દુર્ગા અંદર છે, ચાલો, આવો.’
દુર્ગા એના ખંડમાં હતી. કામતસાહેબે એને બોલાવી. પણ એ બહાર આવી અને એ બધાંને જોયાં એવી જ દોડીને સુમિત્રાને વળગી પડી.
‘વેરી નાઈસ! વેરી નાઈસ! અહીં હું એકલી પડી ગઈ’તી અને વાસુ તથા આ ટીણિયાને લઈ તું આવી ગઈ તે કેવું સારું કર્યું!! ડેડી, હવે તમારી જોડે કેરમ હું નહિ રમું! બેસાડજો વાસુને તમારી સામે! હવે તો મારી સખી આવી ગઈ છે!’
‘પણ તારી સખી તો મારાથી બીએ છે. કેટલા દિ’ એ તને સાથે આપશે?’
‘આપશે સાથ મહિના લગી. આ વખતો તો હું એને રોકી રાખીશ! એના અરવલેમમાં શું દાટયું છે? ઊંચાં ઊંચાં ઝાડવાં અને પેલે ધોધ એજ ને? જ્યારે આપણું પણજી તો, આહ-’
‘હવે તારા પણજીનાં જ વખાણ કર્યા કરીશ કે આ બધાં માટે ચા-પાણીનું યે વિચારીશ ખરી?’
‘યસ, યસ!’ બોલતી દુર્ગા અંદર ગઈ, ’ગીરધર પાસે ચા-નાસ્તો અબી તૈયાર કરાવું છું! બેસાડો બધાંને!’
બધાંએ સ્વસ્થ થઈ ચા-નાસ્તો પતાવ્યાં. એ પછી ઊભા થઈ વાસુદેવે પોતાની બેગ ને બગલથેલો લઈ કહ્યું:
‘દુર્ગા! મને ભઈ, મારા આઉટ હાઉસની ચાવી આપ! હું અને મુન્નો અમારે ઉતારે જઈએ!’
‘તમે બેઉ જ શા માટે?’ સુમિત્રા બોલી ઊઠી, ‘હું અને કૂકી પણ ત્યાં જ આવીએ છીએ! બીજો ખંડ અમારો!’
‘ના.’ દુર્ગા કહેવા લાગી. ‘વાસુ ભલે ત્યાં જાય, પણ બે છોકરાં સાથે તારે મારી સાથે રહેવાનું છે, સુમિ! મોટીનો ઓરડો ખાલી પડયો જ છે! ચાલો વાસુ, તમને રૂમ ઉઘાડી દઉં!’