પ્રકરણ-૩૩- વિઠ્ઠલ પંડ્યા
તો શું પાછા મુંબઈ જઈ બન્ટીને પેલી લવલી સ્કૂલમાં મૂકી આવવો? તો પછી રેણુનું શું? એ છોકરીયે પેલા ગુંડાઓના હાથ તળે સુખી હશે શું? એ મવાલીઓ એને સતાવતા યે હોય! અને ફોઈબા? પોેતે બન્ટીની મમ્મી શકુંતલાની ફિકર કરે છે, પણ પોતાના ફોઈની હાલત શી થઈ છે રેણુ વગર એ નજરે નથી જોયું?
—-
‘વાસુદેવ!’ મંજુ કહેવા લાગી, ‘કપડાં ગોઠવવા રહેવા દો!’ થોડા દિવસ તમારે અહીં રહેવાનું છે!’
‘ના, ભાભી!’ નિ:સાસો નાખી વાસુદેવે જણાવ્યું, ‘મારું મન ઉદ્વિગ્ન થઈ ગયું છે. હું ગમે ત્યાં જઈશ, પણ અહીં તો હવે નહીં રહું!’
‘નહીં કેમ રહો? માઈ પોતે કહેવા આવ્યાં છે. તમારી પરિસ્થિતિની એમને બરાબર ખબર નહોતી એટલે જેમતેમ બોલી ગયાં! હવે એમને પોતાની ભૂલ સમજાઈ છે તેથી આગ્રહ કરવા આવ્યાં છે કે… સલામતી લાગે ત્યાં લગી અહીં રહો! એવું હશે તો પછી અમારા ફોઈને ત્યાં મંગેશ ગામે સુમિબહેન તમને મૂકી આવશે!’
‘પણ… એવી પંચાતમાં પડ્યા વગર આજે જ અહીંથી નીકળી જાઉં; તો શો વાંધો છે ભાભી?’
‘મોટો વાંધો છે!’ મંજુ કંઈ જવાબ આપે એ પહેલાં દરવાજામાં આવી ઊભેલી સુમિત્રા બોલી ઊઠી, ‘સર્વાનુમતે અમે નિર્ણય કર્યો છે. તારે શું અમારા સૌનું અપમાન કરીને ચાલ્યા જવું છે? ના, તું અહીંથી નીકળ તો ખરો! કેવી રીતે જાય છે તે અમે ય જોઈ લેશું!’
‘એટલે શું ધાકધમકીથી તમે બધા મને અહીં રોકી રાખવા માગો છો!’
‘યસ! અમારોય તમારા પર કંઈક હક છે. થોડી ઘણી લાગણી પણ હશે. એટલે અમારી લાગણી ઉવેખીને તું ચાલ્યો જાય એ અમે હરગીઝ ન સાંખી લઈએ, જાણે છે? દાદા રિટાયર્ડ અમલદાર છે. પણ હજીય અહીં મિલિટરીની શિસ્ત ચાલે છે; માટે પગલું ઉપાડતાં પહેલાં વિચાર કરજે વાસુ! ચાલો ભાભી! ચલ માઈ!’ આખી રાત માથે લઈને એ આવ્યો છે તે હવે એને ઊંઘવા દો!’
ત્રણે મહિલાઅ ચાલી ગઈ. એ પછી ય વાસુદેવ પોતાની માનસિક અવસ્થામાંથી મુક્ત ન થયો. બેગ અને કપડાં એમ જ રહેવા દઈ એ પલંગ પર બેઠો અને ઊંઘી રહેલા બન્ટી સામે જોઈ રહ્યો.
‘કેવો વહાલો લાગે એવો તંદુરસ્ત ને રૂપાળો બાળક છે! વચ્ચે વચ્ચે કોઈને નહીં એની મમ્મીને યાદ કરતો રહે છે. આ નિર્દોષ બચ્ચાને એની મા પાસેથી તફડાવી પોતે ક્યાં અને કેટલે દૂર આવ્યો છે?’
પોતાની માને આસપાસ ન જોતા બન્ટી મનમાં હીજરાતો હશે; એની મમ્મી શંકુતલા પણ પોતાનો વહાલસોયો બન્ટીબાબો ‘કિડનેપ’ થયો છે જાણી ગઈ કાલથી રોતી હશે – બિચારી! ઊફ, રેણુના અપહરણનો બદલો લેવાના ઝનૂનમાં પોતે આ કેવું વિચિત્ર પગલું ભર્યું છે?
તો શું પાછા મુંબઈ જઈ બન્ટીને પેલી લવલી સ્કૂલમાં મૂકી આવવો? તો પછી રેણુનું શું? એ છોકરીયે પેલા ગુંડાઓના હાથ તળે સુખી હશે શું? એ મવાલીઓ એને સતાવતા યે હોય! અને ફોઈબા? પોેતે બન્ટીની મમ્મી શકુંતલાની ફિકર કરે છે, પણ પોતાના ફોઈની હાલત શી થઈ છે રેણુ વગર એ નજરે નથી જોયું?
‘ના. બન્ટીની કે શકુંતલાની દયા ખાવાની જરાયે જરૂર નથી! બન્ટીને અહીં શું દુ:ખ છે? પોતે એને જીવની જેમ જાળવે છે. સગા દીકરાની જેમ એને લાડ-પ્યાર કરે છે. હા, હજી તાજો વિયોગ છે એટલે મમ્મી એને સાંભરી આવે છે. પણ વખત જતાં બધું એ ભૂલી જશે! આટલું નાનું બચ્ચું તો કુમળા છોડ જેવું કહેવાય. એને વાળીએ એમ એ વળી શકશે!’
મનને આમ સમજાવી બેગ પલંગ નીચે રાખી દઈ, બન્ટી જોડે એ આડો પડ્યો. ઉપરાઉપરી બગાસાં આવતા હતા. થોડીવારમાં એ ઊંઘીયે ગયો.
બન્ટી તથા એ પોતે શી ખબર ક્યાં સુધી ઊંઘત! પરંતુ સુમિત્રા ચા-દૂધની ટ્રે લઈ આવી અને વાસુદેવને જગાડ્યો:
‘ક્યા સુધી ઊંઘ્યા કરીશ, વાસુ પાંચ વાગવા આવ્યા છે, અને સાંજ પડવામાં છે.’
‘ઓહ’ કરતો વાસુદેવ બેઠો થઈ ગયો, ‘હું ખૂબ ઊંઘ્યો ખરું ને?’
‘તમારા ઉછીના લાવેલા આ પ્રિન્સને પણ જગાડો, મેહેરબાન!’ ટ્રે, ટીપોય પર મૂકી મીઠું મરકતાં સુમિત્રા બોલી,
‘છોકરાંને લઈને ફરવા નથી જવું?’
‘જવું છે. બન્ટીનો જીવ બહેલાવવા બધું જ કરી છૂટવું છે. સુમિ!’
‘તો આ છોકરાનું નામ બન્ટી છે?’
‘ઓ… સૉરી! મારાથી ખોટું નામ ઉચ્ચારાઈ ગયું!’
‘મારી આગળ બનાવટ ન કરે!’ પલંગ પર બેસતાં સુમિત્રા બોલી ઊઠી, ‘બધા સમક્ષ ભેદ તેં ખોલ્યો જ છે, પછી હવે પરદો રાખવાની શી જરૂર છે?’
‘તું સમજતી નથી, સુમિ!’ ચાનો કપ ઉઠાવતાં વાસુદેવ કહેવા લાગ્યો, ‘એના ઘરનું લાડકું નામ જાહેર થાય એ મારા હિતમાં નથી! એના વિષેની બધી જ નિશાનીઓ ભૂંસી નાખું તો જ સહીસલામત ક્યાંય પણ રહી શકું!’ એટલે જ તો જો ને, અમે બાપ-બેટો હોઈએ એમ ટંકો મૂંડો કરાવી લીધો છે!’
‘અચ્છા!’ ધીમો નિસાસો નાખી સુમિત્રા બોલી, ‘તો તારા મુન્નાને હવે જગાડું?’
‘જગાડ! પણ જરા આસ્તેથી!’
‘તે… હું શું ઘાંટા પાડવાની છું?’
‘ના, મારી ભૂલ થઈ! અત્યારે તું એની મમ્મીના સ્થાને છે એ તો હું વિસરી જ ગયો!’
‘સવારનો ‘મમ્મી, મમ્મી’ કહ્યા કરે છે તે મારી બેસીશ હોં!’
‘મિલિટરી અમલદારની પુત્રી છે. મને ‘શૂટ’ પણ કરી શકે છે તું!’
‘હા, બધું જ કરી શકું એમ છું.’ બન્ટીને મસ્તકે હાથ પસરાવતા સુમિત્રા કહેવા લાગી, ‘માત્ર તને પ્રેમ નથી કરી શકતી!’
‘જો ભઈ! પ્રેમ કરવા માટે તો નફીકરાઈ હોવી જોઈએ! અને મારી પરિસ્થિતિ તો તું જાણે છે: અહીં પણ તમારા લોકોની મહેરબાનીથી રહી શક્યો છું!’
‘એવું ન બોલ! તારા પ્રત્યેની અમારી લાગણી હતી તો તું રહી શક્યો!’
‘ચાલો ભઈ! એમ, બસ?’ કહી ચાનો કપ ટ્રેમાં મૂકી વાસુદેવ બન્ટીને જગાડવા લાગ્યો, ‘બેટમજી, બહુ ઊંઘ કાઢી! હવે જાગો મારા લાલ! જો, તો કોણ છે આ?’
બન્ટી આંખો પટપટાવતો એના પર ઝૂકેલી સુમિત્રા સામે જોઈ રહ્યો. સુમિત્રાએ એના ગાલે બોકી ભરી અને બોલી:
‘નદી પર ફરવા જવાનું છે. ચાલ, બેઠો થઈ દૂધ-નાસ્તો લે અને તૈયાર થઈ જા, મુન્ના!’
બન્ટી તથી કૂકીને આંગળિયે વળગાડી સુમિત્રા અને વાસુદેવ બહાર નીકળ્યાં ત્યારે બહારના ઓટલે બેઠેલા ભાઈસાહેબે ચિરૂટનો ધુમાડો છોડતાં સુમિત્રાને સૂચના આપી:
‘ગામની કોઈ વ્યક્તિ જોડે આ છોકરા વિષે કોઈ જાતની લપ્પન-છપ્પનમાં ન પડતી હોં, બેટી!’
‘અચ્છા!’
વાસુદેવે બનાતની ટોપી માથે મૂકી હતી અને બન્ટીને પણ કુકીની ‘પી-કેપ’ પહેરાવી હતી. ગામની હાટડીઓ નજીકથી પસાર થતાં હતાં ત્યારે એક દુકાનદારે તો પૂછ્યું યે ખરું.
‘ક્યાંના મે’માન છે, સુમિ?’
‘પુણેશી આવ્યા છે.’
‘લેંઘો પહેરણને ટોપી પરથી મને તો ભા.જ.પ.ના કોઈ કાર્યકર હોય એમ લાગ્યા!’
સુમિત્રા કંઈ ન બોલી. પણ વાસુદેવે પાછળ નજર કરી લીધી. પછી આસ્તેથી પૂછ્યું:
‘દુકાનદારની બાજુમાં પેલો પરસ્યો બેઠો છે શું?’
‘હા, એ મૂઓ જેલમાંથી છૂટીને થોડા દિવસ પર જ આવ્યો છે.’
‘કાંઇ સુધર્યો છે ખરો?’
‘કૂતરાની પૂંછડી વાંકી હોય તે સીધી થાય ખરી? કાલેય હલકટ રસ્તામાં મળ્યો, તો તે ઘૂરકીને મારી સામે તાકી રહ્યો હતો! પણ કહી દઉં છું. વાસુ! તારે એનાથી છેટા રહેવાનું છે હોં!’
‘કેમ? એની મને કશી બીક છે?’
‘તને નહિ હોય, પણ મને છે. પેલા વખતની જેમ નજીવી બાબતમાં ધાંધલ થાય અને પાછળ લોકો કાનફૂંસી કરે એ જુદું!’
‘કાનફૂંસી તો લોકો આમ પણ કરશે. હું ફરી વાર આવ્યો છું એટલે? મારી જોડે તને ફરતી જોશે એટલે શું ચૂપ રહેશે લોકો?’
‘એની મને પરવા નથી, એને હું પહોંચી વળીશ.’
‘કઇ રીતે પહોંચી વળીશ? શું એમની જીભ ઝાલવા જઇશ.’
નદી, ધોધ તથા રુદ્રેશ્ર્વરના શિવાલય તરફ જવા માટે રસ્તો ફંટાતો હતો. એ બાજુ વળતાં સુમિત્રાએ વાસુદેવ સામે જોઇ લઇ જવાબ આપ્યો:
‘લોકોની જીભ ઝાલવાને બદલે હું તારો હાથ ઝાલી લઇશ. આમ! પછી કહીશ કે: લો, હવે કરો વાતો! વાસુ મારો પ્રિયતમ છે!‘
(ક્રમશ:)
‘અરે, પાગલ! હું તારો પ્રિયતમ હોઉં તોયે, આવા સંજોગોમાં તો…’
‘જ્યારે ને ત્યારે બસ, સંજોગો… સંજોગો કરી તું મને અળગીને કેમ રાખે છે, તે સમજાતું નથી!’ વાસુદેવનો હાથ છોડી દેતાં ઓછા ઉશ્કેરાટસહ સુમિત્રા વચ્ચે જ બોલી ઊઠી ‘મારી લાગણીને ઠુકરાવીને મને તું દુ:ખી કરવા માગે છે, વાસુ?’
‘ના, પરંતુ ઉપાધિઓ માથે લઇ અત્યારે હું જીવી રહ્યો છું. કાલે મારું શું થશે એય હું જાણતો નથી! પછી તારી જવાબદારી સ્વીકારીને મારે શું તને પાછી ઊલમાંથી ચૂલમાં નાખવી?’
નદી કિનારા પર લગભગ એ લોકો ચાલી રહ્યાં હતાં. એ તરફ નજર કરી લેતાં સુમિત્રા અધીરાઇપૂર્વક બોલી:
‘હું ક્યાં કહું છું કે… અબી ને અબી મારી જોડે તું લગ્ન કરી ઘર માંડ! પણ ઘરમાં એટલી વાત તો કર કે સુમિને હું એ જેવી છે તેવી સ્વીકારી લઇશ! આથી બીજું તો કાંઇ નહીં, પણ માઇ પેલા ખૂંધિયા જોડે મને જોતરવા માગે છે એમાંથી તો હું બચી જઇશ ને!’
‘અચ્છા! પણ ઘરમાં ખાસ તો, દાદાસાહેબ તારી મારા પ્રત્યેની લાગણી વિશે કંઇ જાણે છે ખરા?’
‘હા, ભાભી અને દાદા બેઉને બધી ખબર છે. એટલે જ તો આજે બપોરે દાદાએ કહ્યું’-તું કે. માઇ વાસુને અહીં રાખવા રાજી નથી તો ચાલ સુમિ, આપણે બેઉ જણ વાસુ તથા મુન્નાને લઇ ફોઇને ગામ મંગેશ ચાલ્યાં જઇએ! ત્યાંથી આપણને કોણ કાઢી મૂકવાનું છે?’
વાસુદેવ કંઇક કહેવા જતો હતો ત્યાં તો ઓચિંતો બન્ટી વાસુદેવનો હાથ છોડી દઇ, તાળી પાડતો બોલી ઊઠયો:
‘અંકલ! અંકલ! જુઓ, પણે ઊંચેથી પાણી પડે છે!’
‘હા, દીકરા! એ અહીંનો ધોધ છે.’ વસુદેવે બન્ટીના વાંસે હાથ મૂકી જણાવ્યું, ‘નજીક જઇ આપણે જોઇશું ને, તો પાણી પડે છે ત્યાં નીચે ફીણ જેવું દેખાશે. ઝીણાં ઝીણાં બૂંદ ઊડતાં લાગશે. સલસ છે ને જગ્યા?’
‘હો!’
‘ચાલો, આપણે ધોધની નજીક જઇને ઊભાં રહીએ!’
‘બીક નહીં લાગે, અંકલ?’
‘બીક વળી કેવી? આપણી જોડે આન્ટી છે. તારાથી નાની કૂકી છે. પછી બીવાનું હોય મારા દીકરા? આવ, હું તને તેડી લઉં!’
ધોધની એકદમ પાસે આવી ગયાં હતાં. સુમિત્રાએ કૂકીને ઉંચકી લીધી અને વાસુદેવે બન્ટીને. ચારે જણ પથ્થરિયા કિનારા પર જઇ ઊભાં. સુમિત્રા કહેવા લાગી:
‘અત્યારે તો પાણીનો પ્રવાહ ઘણો ઓછો થઇ ગયો છે, પણ ચોમાસા તથા શિયાળામાં તો મન આનંદવિભોર થઇ જાય એવું અહીંનું દ્દશ્ય હોય છે!’
‘આ બધું પાણી ક્યાં જાય છે, અંકલ? બન્ટીને સવાલ પૂછયો, ‘દરિયામાં જાય છેે?’
‘હા.’ વાસુદેવને બદલે સુમિત્રાએ ઉત્તર વાળ્યો, ‘પહેલાં આ બધા પાણીની નદી બની જાય, પછી નદી વહેતી વહેતી છેટે જઇ દરિયાને મળે! પણ મારો દરિયો તો નજીક હોવા છતાંયે બહુ દૂર છે, બેટા!’
‘બેટાને ફરિયાદ કરવાને બદલે બાપને જ કરને?’ વાસુદેવે મીઠી ટકોર કરી, ‘આ નિર્દોષ બાળક આપણી વચ્ચેનું અંતર ઓછું ઘટાડી શકવાનું છે? ઊલટું, એને કારણે તો વચ્ચે અંતરાય આવી ગયો છે!’
‘એ અંતરાય પણ દૂર થશે, વાસુ! એક તું જો હા પાડે તો!’
‘મને હજી થોડો સમય આપ! મુન્નાનું પ્રકરણ કેવો વળાંક લે છે એ મારે જોવું છે.’
‘ભલે. હું ફરી વાર તને કાંઇ નહીં કહું! ચાલો, શિવાલયમાં જઇ રુદ્રશ્ર્વર ભગવાનનાં દર્શન કરી જરા બેસીએ!’
દેવાલયના આગળના ભાગમાં ખુલ્લો ને લાંબો વિશાળ હોલ હતો. દર્શન કરી લઇ એ બેઉ જણ હોલના બાંકડા પર બેઠા. ફૂકી તથા બન્ટી બીજાં પણ ચાર છોકરાં ભેગાં હોલમાં દોડાદોડી કરવા લાગ્યાં. એમની તરફ જોઇ રહેલા વાસુદેવે કહ્યું:
‘મુંબઇથી મારા “બોસનો એક ખાસ સંદેશો આવે એની મારે રાહ જોવી છે. પછી પણજીમાં કામત સાહેબને મળવા જવું પડશે, સુમિ!’
‘કેમ?’ બાંકડાની પીઠિકા પર કોણી ટેકવીને બેઠેલી સુમિત્રાએ પૂછયું, ‘કામત અંકલનું તારે વળી શું કામ છે?’
‘પેલી એમની વસ્તુ (રિવોલ્વર) મારે પાછી સોંપવી છે. એ જોખમ સાથે લઇને ફરવાનો હવે અર્થ નથી. ઉપરાંત દાદા સાહેબે આપેલા હજાર રૂપિયા તેમ જ તે આપેલો તારો મોંઘેરો હાર પણ મારે પરત કરવાં છે.’
‘રૂપિયાની વાત દાદા જાણે, બાકી એ હાર તો હું હમણાં નહીં લઉં!’
‘કેમ? હો વાંધો છે તને? એ હાર વેચીને મારે પૈસા ઊભા કરવાની હવે મુદ્દલે જરૂર નથી.’
‘એ હશે, પરંતુ એ હાર તો હું આ વખતે સ્વીકારીશ નહીં.’
‘તો પછી ક્યારે સ્વીકારશે?’
‘એ હાર મારા ગળામાં પહેરાવવાના તારા સંજોગો આવશે ત્યારે!’
‘અને કદાચ.. મારા આ આંધળા સાહસ દરમિયાન ઓચિંતો હું મોતને ભેટી ગયો, તો?’
‘આવી પવિત્ર જગ્યાએ બેસી એવું અશુભ ન બોલ, વાસુ! પ્લીઝ, મને આમ નરવસ ન બનાવ!’
‘જો સુમિ!’ ધોધ તરફનાં ઝાડવાં બાજુ તાકી રહી વાસુદેવ ગંભીર થઇ કહેવા લાગ્યો, ‘હું તેમ જ તું પ્રેમની લાગણીથી બંધાયેલાં હોઇએ તોયે, આજની ઘડીએ કેટલાં લાચાર છીએ તે બરાબર જાણીએ છીએ, પરંતુ ભાવિના પેટાળમાં શું છે તે કોઇ રીતે આપણે જાણી શકવાનાં નથી! એટલે બનવાજોગ છે કે આપણી ગણતરીએ ખોટી પણ પડે! આથી વધુ પડતી આશા રાખી…’
‘બસ, બસ! રહેવા દે તારી વાત!’ કહેતી સુમિત્રા ઉદ્વેગપૂર્વક ત્યાંથી ઊભી થઇ ગઇ, ‘હતાશા અને હતાશા! આ વખતે તું આટલો હતાશ કેમ થઇ ગયો છે, વાસુ?’
‘કેમ તે… કંઇક અમંગળ થવાનું હોય એવું આ વખતે મને લાગે છે! મોટું સાહસ ખેડી, યુકિત-પ્રયુુક્તિ લડાવી પેલાને ઉઠાવી તો લાવ્યો છું, પરંતુ દિલ અંદરથી ચચરે છે! કોણ જાણે કેમ, બપોરે માઇએ ચાલી જવાનું કહ્યા પછી મારા મનમાં એક જાતનો વિવાદ ભરાઇ પેઠો છે, સુમિ! એક વિચાર તો એ પણ આવ્યો’તો ત્યારે, કે આ બચ્ચાને એની મા પાસે મૂકી આવું!
‘નાઉ ઇટ ઇઝ ટૂ લેઇટ વાસુ!’ આસપાસ કોઇ નથી એની ખાતરી કરી લઇ સુમિત્રા બોલી ઊઠી, ‘એને મૂકી આવ્યાથી તારી નાની બહેન શું એ બદમાશ તને સોંપી દેશે? ના. ઊલટું સીધો તને ‘કિડનેપિંગ’ના ગુનાસર લોકઅપમાં પૂરી દેશે! કંઇ ભાન છે તને? આટલું સાહસ ખેડયા પછી તારે શું એને શરણે જવું છે?’
‘પ્લીઝ, જરા ધીમેથી બોલ, સુમિ! જો કોઇ બાઇ આ તરફ આવતી લાગે છે!’
છેવાડેના બાંકડા પર વાસુદેવ બેઠો હતો, સુમિત્રા એની સામે જ ઊભી હતી. એ કંઇક ઉત્તેજિત પણ હતી. વાસુદેવના કહેવાથી એ ખામોશ તો થઇ ગઇ, પરંતુ એનું મગજ ઠંડું પડયું નહોતું. પેલી આધેડ બાઇએ આવી નાળિયેરનો પ્રસાદ એને આપ્યો અને પછી બેઠેલા વાસુદેવના હાથમાં પ્રસાદ મૂકી સહજ રીતે જ સુમિત્રાને પૂછયું:
‘તારી માઇ કહેતી’તી એ જ આ બીજવર ને, સુમિ?’
‘હા, એ જ! બોલો તમારે કંઇ કહેવું છે?’
‘ના, મારે શું કહેવાનું હોય, મારી બાઇ? પણ બીજી વાર તું ઘર માંડવાની હોય તો જરા જોઇ વિચારીને…’
‘ચૂપ રહો, મંગળાકાકી!’ છંછડાઇને વચ્ચે જ સુમિત્રા બોલી ઊઠી, ‘મારે ઘર માંડવું હશે ત્યારે તમારી સલાહ લેવા નહીં આવું, સમજ્યાં? ચાલ, વાસુ! દેવસ્થાન જેવી જગ્યાએ પણ લોકો સુખેથી બેસવા દે એમ નથી!’
ને એટલું કહી રમતાં પેલાં છોકરાંને લેવા એ ચાલી ગઇ. એના શબ્દોથી ડઘાઇ ગયેલી મંગળાએ ઊભા થયેલા વાસુદેવને કહ્યું:
‘હું તો તમારા ભલા માટે કહું છું. ભઇ! આવી મિજાજની ભરેલી અને એક વાર છંડાયેલી બાઇ જોડે સંસાર માંડતાં પહેલાં લાખવાર વિચાર કરજો, સાહેબ! જોયું નહીં, બે કથન કહેતામાં તો એ વંતરીએ મારી જીભ ખેંચી લેવા જેટલું જોર કર્યું!’
‘અરે હજી ત્યાં ઊભો કેમ છે, વાસુ?’ મંડપમાંથી છોકરાંને લઇ પગથિયાં ઊતરતાં સુમિત્રાએ અકળાઇને કહ્યું, ‘દીવાબત્તી ટાણું થવા આવ્યું છે. ચાલ, માઇ રાહ જોતી હશે!’
વાસુદેવ ઝડપભેર સુમિત્રા તથા બેઉ છોકરાં પાસે પહોંચ્યો તો સુમિત્રાએ પ્રશ્ર્ન કર્યો:
‘મારે વિશે એ બાઇ શું ફોલ્લા ફોડતી‘તી વાસુ?’
વાસુદેવે બન્ટીનો હાથ ઝાલ્યો અને ફિકકું સ્મિત વેરી જવાબ આપ્યો:
‘મગળાકાકી એ કહેતા’તાં કે… આવી વંતરી જેવી બાઇ તમને પરણીને શું ભલીવાર આણવાની છે જિંદગીમાં કે-’
‘એવી જ સુમિત્રા પછી તણખી ઊઠી:
‘એ બલા એવું કહેતી’તી? ઊભો રહેજે, હું આવું છું હો’!’
‘ના, સુમિ!’ કહેતાં વાસુદેવે એને રોકી, ‘હું તો ફકત ગમ્મત કરતો’તો! મંગળાકાકી તો ઊલટાં માફી માગતાં’તાં!
અને કદાચ, કોઇ બે શબ્દો એવા કહે, તોયે આમ મગજ ગુમાવી દેવાની શી જરૂર છે? આ સમય તો એવો છે, કે કોઇનું ભલું કર્યું હોય એ પણ આપણું ભૂંડું કરવા તૈયાર થઇ જાય છે! પછી કોની કોની જોડે આમ ઝઘડયા કરવાનું?’
સુમિત્રા પછી કાંઇ ન બોલી. બેઉ છોકરાંને આંગળીએ વળગાડી એ લોકો ઘેર પહોંચ્યાં.
ઘેર પહોંચતાં જ ભાઉસાહેબે વાસુદેવના હાથમાં એક તાર મૂકયો. વી.ડી. ઈ/જ્ઞ ભાઉસાહેબ જગન્નાથના નામે તાર હતો:
‘એકસપ્રેસ આ ટેલિગ્રામ આવ્યો છે, વાસુ! જો તો, શી બાબત છે? મને તો કંઇ સમજ નથી પડતી આમાં!’
વાસુદેવે ધડકતે દિલે તાર વાંચ્યો:
‘સિમેન્ટની ઓટલી તોડી પેલી વસ્તુ ઉઠાવી જવામાં આવી છે. ફકત નીચે દટાયેલાં બે સેંડલ હાથ લાગ્યાં છે.
-એમ. ડી.
“ઓહ, માય ગોડ!’ કહેતો વાસુદેવ સોફા પર બેસી પડયો, ‘હરામખોરોને અમારી હલચલનની અગાઉથી ગંધ આવી ગઇ હશે શું? કે પછી મધુભાઇ જેના પર મદાર રાખતાં’તા એ નાયબ પોલીસ કમિશ્નર ફૂટી ગયો હશે?’