અમરિંદર સિંહે ઉઠાવ્યા સરકાર પર સવાલ
પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા કેપ્ટન અમરિંદર સિંહે અજનાલા કેસ પર પ્રતિક્રિયા આપી છે. પૂર્વ સીએમ અમરિંદર સિંહે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પંજાબની ભગવંત માન સરકારને ઘેરી છે. તેમણે કહ્યું હતું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થા તૂટી ગઈ છે. કાયદો અને વ્યવસ્થા ભગવંત માન પાસે છે, તેઓ શું કરી રહ્યા છે? પંજાબમાંથઈ દરરોજ ડ્રોન પકડાઈ રહ્યા છે. પંજાબ અને પૂર્વ ભારતની સરહદ પાકિસ્તાન સાથે લાગે છે. જો તેઓ તેને સંભાળી ન શકે તો કેન્દ્ર સરકારે તેને સંભાળવી પડશે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે વધુમાં કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા કેન્દ્રનો વિષય નથી, પણ જો પંજાબ સરકાર રાજ્યમાં તેને સંભાળી શકતી નથી તો કેન્દ્ર સરકારે તેને સંભાળવી પડશે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે સીએમ ભગવંત માનને પંજાબમાં શું ચાલી રહ્યું છે તેમાં રસ નથી. તેઓ કોઈ પણ પગલું ભરતા ડરે છે. અજનાલાની ઘટના વખતે પોલીસ અધિકારીઓને કોઈ કાર્યવાહી ન કરવાના આદેશો મળ્યા હશે. ઉલ્લેખનીય છે કે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહના સમર્થકો ગુરુવારે તલવારો અને હથિયારો સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. અમૃતપાલ સિંહના સહયોગી લવપ્રીત તુફાનને પંજાબની અજનલા કોર્ટના આદેશ બાદ અમૃતસર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. લવપ્રીત તુફાન અમૃતપાલ સિંહ માટે ખૂબ જ ખાસ છે. અમૃતપાલના સમર્થકોએ પોલીસની સુરક્ષા કોર્ડન તોડીને પોલીસ સ્ટેશનમાં ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા અને પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. ખાલિસ્તાન તરફી અમૃતપાલે દેશના ગૃહ પ્રધાન અમિત શાહને પણ ધમકી આપતા જણાવ્યું હતું કે તેમના હાલ પણ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જેવા કરવામાં આવશે, જેમણે ઑપરેશન બ્લ્યુ સ્ટાર ચલાવી ખાલિસ્તાન તરફી ભિંદરણવાલેના ત્રાસમાંથી પંજાબને મુક્ત કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે પંજાબ પોલીસ પાસેથી અજનલા ખાતેની ઘટના અંગે વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે.