કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ! રાજ્યમાં નેશનલ હાઈવેના નિર્માણ અને વિકાસ માટે રૂ.3760 કરોડ મંજૂર કરાયા

આપણું ગુજરાત

સારા રોડ-રસ્તાઓ કોઈ પણ રાજ્યના વિકાસની ધોરીનસ માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યના વિકાસને વેગ આપવા રૂ.3760.64 કરોડનાં ખર્ચે નેશનલ હાઈવેના કર્યોને મંજુરી આપી છે. રાજ્યના માર્ગ અને મકાન નિર્માણ પ્રધાન પૂર્ણેશ મોદીએ જાણકારી આપતા કહ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરીકોને પરિવહન સુવિધાઓનો વધુને વધુ લાભ મળે તે માટે ગુજરાતમાં રૂ.3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે. તેમણે ગુજરાતના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યના કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ અને વિકાસ હેતુ વર્ષ 2022-23 માટે રૂ.3760.64 કરોડ મંજૂર કરાયા છે. જેમાં રૂ.2511.10 કરોડના ખર્ચે નવા હાઈવે અને નવા બ્રિજનું નિર્માણ થશે. તેમજ રૂ.1249.54 કરોડના પ્રી કન્સ્ટ્રક્શન એક્ટિવીટીના કામો હાથ ધરશે. આ રસ્તાઓમાં નદીઓ પર બ્રિજ, રેલવે ફાટક પર RO, RUB નું નિર્માણ કરાશે, જેના થકી ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ થશે.
મળતી માહિતી મુજબ રૂ.350 કરોડના ખર્ચે અમદાવાદમાં નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કિલોમીટરના રસ્તાને 6 લેન કરાશે. આ ઉપરાંત એલિવેટેડ કોરિડોરની સુવિધા ઉપલબ્ધ કરાશે.

નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત 110 કરોડનાં ખર્ચે સરખેજ ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર સુધી કુલ 4 કિલોમીટરની લંબાઇના 3 ઓલિવેટેડ ફ્લાય ઓવરનું નિર્માણ કરાશે.

આ ઉપરાંત રૂ. 257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચેના બાઘડા સુધીના 50.48 કિલોમીટરના 10 મીટર પહોળા રસ્તાનું નિર્માણ કરાશે. જેના પર 2 રેલવે ઓવરબ્રિજ અને નવા પુલિયાનું નિર્માણ કરાશે. આ રોડ પર 100 કિલોમીટરની સ્પીડ સુધી વાહન ચલાવી શકાશે. આ ઉપરાંત 451.50 કરોડના ખર્ચે બાઘડા-અમરેલીના 50.48 કિલોમીટરનો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે, જેમાં અમરેલી બાયપાસ ઉપરાંત બગસરા જવાના પુલનું નિર્માણ પણ કરાશે.
ખર્ચે ભિલોડા-શામળાજી નેશનલ હાઇવે 168-Gને રૂ.450 કરોડના 10 મીટર પહોળો બનાવાશે. તેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ ૧૦ મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂ.૨૫૦ કરોડના ખર્ચે જામનગર-કાલવાડ નેશનલ હાઇવે-927-D ને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.