સતર્ક મોટરમેન: મધ્ય રેલવેમાં ચાર મહિનામાં 12 પ્રવાસીના જીવ બચાવાયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રેલવે સ્ટેશનના પરિસરમાં વધતા અકસ્માતો સંદર્ભે રેલવે પોલીસની સાથે મોટરમેન-ગાર્ડ પણ વધુ સતર્કતા દાખવી રહ્યા છે, જે અંતર્ગત મધ્ય રેલવેમાં ચાર મહિનામાં એક ડઝન કરતાં વધુ પ્રવાસીના જીવ બચાવવામાં મોટરમેને મદદ કરી હોવાનું જણાવાયું હતું.
એપ્રિલથી ઑગસ્ટ મહિના દરમિયાન અલગ અલગ કિસ્સામાં સતર્ક મોટરમેને પ્રવાસીનો જીવ બચાવવામાં મદદ કરી હતી, જેમાંથી એકલા ઑગસ્ટ મહિનામાં ચાર જણનો સમાવેશ થાય છે. 31મી ઑગસ્ટના સંજય કુમાર ચૌહાણ નામના મોટરમેન (થાણે-અંબરનાથ લોકલ)ને રેલવે ટ્રેક (33/122 કિલોમીટર) પર એક વ્યક્તિ જખમી હાલતમાં પડી હોવાનું જણાયું હતું. તાત્કાલિક ટ્રેનને ઈમર્જન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી લીધી હતી, તેનાથી એ વ્યક્તિનો જીવ બચી ગયો હતો. ગણતરીની મિનિટમાં રેલવે પોલીસને એ વ્યક્તિ સોંપ્યા પછી મોટરમેન ટ્રેન લઈ ગયો હતો, પરંતુ જો તેણે સતર્કતા દાખવી ન હોત તો એ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોત, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
થાણેમાં આધેડ વયની મહિલાને મોટરમેને બચાવી હતી. 28મી ઑગસ્ટના રોજ દિવા અને થાણે સ્લો લાઈન (34/211)માં એક આધેડ વયની મહિલા રેલવે ટ્રેકની વચ્ચોવચ મોટરમેનને જોવા મળી હતી. જોકે, એક ક્ષણનો વિચાર કર્યા વિના મોટરમેને ટ્રેનને ઈમર્જન્સી બ્રેક મારીને રોકી લેવામાં આવી હતી. ટિટવાલા-સીએસએમટી લોકલ ટ્રેનના મોટરમેન જી. એસ. બિષ્ટની નજર એ મહિલા પર પડી હતી અને ગણતરીની મીટરના અંતરે ટ્રેનને રોકી લેવામાં આવ્યા પછી તેને ટ્રેક પરથી બે મહિલાની મદદથી દૂર કરવામાં આવી હતી, ત્યાર બાદ તેને ટ્રેનમાં બેસાડીને થાણે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. મધ્ય રેલવેમાં અકસ્માતના નિયંત્રણ સાથે મોટરમેનની સતર્કતાને કારણે પ્રવાસીનો જીવ બચાવવામાં મદદ મળી રહે છે, જે આનંદની વાત છે, એમ મધ્ય રેલવેના ડેપ્યૂટી ચીફ પબ્લિક રિલેશન ઓફિસર અનિલ કુમાર જૈને જણાવ્યું હતું. 28મીના માફક 27મી ઑગસ્ટે પણ એવો જ બનાવ ચિંચપોકલી ખાતે બન્યો હતો, જેમાં એસ. વી. જાધવ નામના મોટરમેને ટ્રેનને રોકી લીધા પછી આત્મહત્યા કરવા દોડેલી યુવતીને આરપીએફના જવાને રોકી લીધી હતી. એના સિવાય 19મી ઑગસ્ટે ચિંચપોકલી સ્ટેશને 19 વર્ષના યુવકનો જીવ બચાવવામાં મોટરમેનની સતર્કતા કામે લાગી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનામાં મોટરમેનની સતર્કતાને કારણે 12 જેટલા લોકોના જીવ બચાવવામાં મદદ મળી છે, જેમાં ઑગસ્ટમાં ચાર, જુલાઈમાં બે, જૂનમાં ત્રણ, મેમાં બે અને એપ્રિલમાં એક જણનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.