મુંબઈઃ દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ પર કેન્દ્ર સરકારના વટહુકમ અંગે વિરોધ કરવા માટે દેશભરના નેતાઓને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મળી રહ્યા છે, જેમાં ગઈકાલે ઉદ્ધવ ઠાકરેને મળ્યા પછી આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા.
આ બેઠક પછી શરદ પવારે કહ્યું હતું કે દેશમાં સંકટ છે અને તે માત્ર દિલ્હી સુધી સીમિત મુદ્દો નથી. એનસીપી અને મહારાષ્ટ્રના લોકો કેજરીવાલને સમર્થન આપશે. કેજરીવાલને સમર્થન આપવા માટે અમે અન્ય નેતાઓ સાથે પણ વાત કરીશું. આપણે તમામ બિન-ભાજપ પક્ષોને સાથે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અમારી ફરજ છે કે તમામ બિન-ભાજપ પક્ષો અરવિંદ કેજરીવાલને સમર્થન આપે, એવું શરદ પવારે જણાવ્યું હતું.
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે અમે શરદ પવારનો આભાર માનીએ છીએ. અત્યારે દેશના રાજકારણમાં તેમનું કદ સૌથી મોટું છે. અમે તેમને અન્ય પક્ષોને પણ સાથે લાવવા અપીલ કરીએ છીએ. જો આ વટહુકમ રાજ્યસભામાં પાસ નહીં થાય તો 2024ની સેમીફાઈનલ થશે અને મોદી સરકાર પરત નહીં ફરે. વટહુકમનો ઉપયોગ કરીને ચૂંટાયેલી સરકારોને કામ કરવા દેવામાં આવતી નથી, આ દેશ માટે સારું નથી, એવું તેમણે જણાવ્યું હતું.
અગાઉ સીએમ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે આજે હું શરદ પવારને મળીશ અને દિલ્હીના લોકોને તેમના અધિકારો અપાવવા માટે તેમનું સમર્થન માંગીશ. શરદ પવારને મળવા આવેલા અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન , રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા સહિત અન્ય નેતા હાજર રહ્યા હતા.
આ નેતાઓ મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં મળ્યા હતા. એનસીપીના નેતાઓ અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળ સહિત ઘણા નેતાઓએ આપ નેતાઓનું સ્વાગત કર્યું હતું.