કોરોના નવા વેરિઅન્ટ Omicron BF.7 ના કેસ મળી આવતા દેશમાં ફરી ગભરાટનો માહોલ સર્જાયો છે. ત્યારે કેન્દ્ર સરકાર સતર્ક થઇ ગઈ છે. ગઈ કાલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજવાના છે. ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન પીએમ મોદી કોરોના સંબંધિત તૈયારીઓ વિશે વાત કરશે.
કેન્દ્ર સરકારે કોરોનાના નવા વેરિઅન્ટના સંક્રમણને રોકવા માટે વિદેશથી આવતા મુસાફરોને લઈને વિશેષ માર્ગદર્શિકા આપી છે. દેશભરના એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યા છે.
PM મોદી આજે ગુરુવારે બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોવિડ-19 સંબંધિત સ્થિતિ અને તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. આ પહેલા બુધવારે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ઓમિક્રોનના નવા વેરિઅન્ટમાંથી સંક્રમણ અંગે લોકોને સલાહ આપતાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે કોરોના પોઝિટિવના સેમ્પલ INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે ઑક્ટોબર-નવેમ્બરમાં ગુજરાત અને ઓડિશામાં Omicron ના BF.7 અને BF.12 વેરિઅન્ટથી સંક્રમિત ત્રણ દર્દીઓ નોંધાયા હતા. હાલ આ વેરિઅન્ટના એક પણ કેસ સક્રિય નથી.