શિલોંગ: શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (એનઈસી) ની સુવર્ણજયંતી સમારોહને સંબોધન કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને રેડ કાર્ડ વિશે વાત કરી હતી અને કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં ઉત્તર પૂર્વનો વિકાસ ભાજપે અનેક અવરોધોને લાલ કાર્ડ બતાવ્યું છે. મોદીનું સંબોધન ફિફા વર્લ્ડ કપ ફાઇનલ સાથે સુસંગત છે, જે રવિવારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે યોજાનાર છે.
તેમણે કહ્યું કે, જ્યારે “ફૂટબોલ ફીવર આપણને બધાને જકડી રહ્યો છે, તો શા માટે ફૂટબોલની પરિભાષામાં વાત ન કરવી? જ્યારે કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સમેન સ્પિરિટની વિરુદ્ધ જાય છે, તો તેને રેડ કાર્ડ બતાવીને બહાર મોકલી દેવામાં આવે છે. એ જ રીતે, છેલ્લા ૮ વર્ષમાં, અમે પૂર્વોત્તરના વિકાસમાં અનેક અવરોધોને લાલ કાર્ડ બતાવ્યું છે. અમે ભ્રષ્ટાચાર, પક્ષપાત, ભત્રીજાવાદ, હિંસા, પ્રોજેક્ટ સ્થગિત કરવા અને વોટ બેંકની રાજનીતિને બહાર મોકલવાના પ્રમાણિક પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ તમે જાણો છો કે આ રોગોના મૂળ ઊંડા છે. તેથી, આપણે બધાએ સાથે મળીને તેને જડમૂળથી ઊખડવું પડશે. અમે રમતગમતના ક્ષેત્રમાં નવા અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ. ઉત્તર પૂર્વમાં ભારતની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે. નોર્થ ઈસ્ટને આવા ૯૦ પ્રોજેક્ટ સાથે મલ્પિપર્પઝ હોલ, ફૂટબોલ ગ્રાઉન્ડ, એથ્લેટ ટ્રેકની ભેટ પણ મળી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ચૂંટણીલક્ષી ત્રિપુરા અને મેઘાલયમાં રૂ. ૬,૮૦૦ કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા ત્યાં પહોંચ્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં હાઉસિંગ, રોડ, એગ્રીકલ્ચર, ટેલિકોમ, આઈટી, ટૂરિઝમ અને હૉસ્પિટાલિટી સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.
મોદીએ રવિવારે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણજયંતી ઉજવણીના ભાગરૂપે શિલોંગમાં રૂ. ૨૪૫૦ કરોડના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રદેશમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાના એક પગલામાં, મોદીએ રાષ્ટ્રને ૪જી મોબાઈલ ટાવર સમર્પિત કર્યા, જેમાંથી ૩૨૦થી વધુ પૂર્ણ થઈ ગયા છે અને લગભગ ૮૯૦ નિર્માણાધીન છે.
શિલોંગના પોલો ગ્રાઉન્ડ ખાતે પૂર્વોત્તર રાજ્યોના, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યપાલો અને પૂર્વોત્તર ક્ષેત્રના મુખ્ય પ્રધાનો, કેન્દ્રીય મંત્રીઓ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો અને એનઇસીના નામાંકિત સભ્યો પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણ બાદ મોદીની ઉત્તર પૂર્વની આ પ્રથમ મુલાકાત છે. (એજન્સી)
કેન્દ્રે બધા અવરોધને ‘લાલ કાર્ડ’ દેખાડયું છે: મોદી
RELATED ARTICLES