સેટ પર પોતાના દિગ્દર્શક-એક્ટ્રેસના પ્રેમમાં પડેલા સેલેબ્સ

મેટિની

નિધિ ભટ્ટ

પ્રેમ એ શબ્દ નથી, એક અહેસાસ છે અને આ અહેસાસ કોઈ પણ વ્યક્તિને થઈ જાય. પ્રેમ ક્યારેય સામેવાળી વ્યક્તિનો દબદબો કે સ્ટેટસ નથી જોતો. એમાં પણ જ્યારે વાત બોલીવૂડનાં સેલિબ્રિટી કપલ્સની હોય ત્યારે તો આપણે અનેક જોડીઓને બનતી પણ જોઈ છે અને તૂટતી પણ જોઈ ચૂક્યા છીએ. બી-ટાઉનમાં આમ તો જોડીઓ બનવી કે ટૂટવી એ કોઈ નવી વાત તો નથી, પણ તેમ છતાં જ્યારે આવું કંઈક થાય છે ત્યારે આખી ઈન્ડસ્ટ્રીમાં હલચલ તો મચી જ જાય છે. ખેર, આજે આપણે અહીં વાત કરીશું બૉલીવૂડની કેટલી એવી જોડીઓ વિશે કે જ્યાં દિગ્દર્શક સેટ પર જ પોતાની ફિલ્મની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યા અને એમાંથી કેટલાંક તો લગ્નબંધનમાં પણ બંધાઈ ચૂક્યાં છે. આવો જોઈએ કઈ છે આ જોડીઓ…
———
નયનતારા-વિગ્નેશ શિવન
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ મોસ્ટ એક્ટ્રેસની યાદીમાં આવે છે નયનતારાનું નામ અને હાલમાં જ તે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ અને દિગ્દર્શક વિગ્નેશ શિવન સાથે લગ્ન બંધનમાં બંધાઈ ચૂકી છે. છેલ્લાં સાત વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં, પણ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે બંનેની મુલાકાત ૨૦૧૫માં ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના સેટ પર થઈ હતી અને આ સેટ પરથી જ શરૂ થઈ હતી બંનેની લવ સ્ટોરી. ફિલ્મમાં સાથે કામ કરતાં કરતાં જ બંને જણ એકબીજાના પ્રેમમાં પડ્યાં અને ડેટ કરવા લાગ્યાં હતાં.
——–
રાણી મુખર્જી-આદિત્ય ચોપરા
રાણી મુખર્જી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે કે જેનું નામ ક્યારેય કોઈ વિવાદોમાં ફસાયું નથી કે ન તો કોઈ બીજી કોન્ટ્રોવર્સીમાં તેનું ઈન્વૉલ્વમેન્ટ જોવા મળે, પણ આ અભિનેત્રીએ ૨૦૧૪માં યશરાજ ફિલ્મ્સના માલિક યશ ચોપરાના દીકરા આદિત્ય ચોપરા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. લાંબા સમયથી બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં, પણ ક્યારેય બંનેએ પોતાના સંબંધનો ખૂલીને સ્વીકાર કર્યો નહોતો.જોકે, તેમ છતાંય તેમના પ્રેમપ્રકરણની ચર્ચા બી-ટાઉનમાં સિક્રેટલી તો ચાલી જ રહી હતી. ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના સેટ પર બંને પ્રેમમાં પડ્યાં અને ઈટાલીમાં સિક્રેટ વેડિંગ કરી લીધાં.
——–
યામી ગૌતમ-આદિત્ય ધર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બાદ બોલીવૂડમાં જો કોઈ સૌથી વધુ ચર્ચાતું કપલ હોય તો તે છે નવાં નવાં પરણેલાં યામી ગૌતમ અને આદિત્ય ધર. યામીનું નામ ઈન્ડસ્ટ્રીમાં અનેક એક્ટર્સ સાથે જોડાઈ ચૂક્યું છે, પણ યામી પ્રેમમાં પડી તો પોતાની જ ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર સાથે અને બંને જણે ખૂબ જ ઓછા સમયમાં લગ્ન કરવાનું નક્કી કરી લીધું. ઓગસ્ટ, ૨૦૨૧માં બંને જણે પોતાના નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધાં.
———
ઉદિતા ગોસ્વામી-મોહિત સૂરી
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પણ આ યાદી ઉદિતા ગોસ્વામીના નામ વિના અધૂરી લાગે. બી-ટાઉનમાં પોતાની હૉટનેસથી જાદુ વિખેરનારી ઉદિતા ગોસ્વામીની કારકિર્દી ભલે સફળ ન હોય, પણ ‘પાપ’ અને ‘ઝહર’ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ આખરે ૨૦૧૩માં તેણે દિગ્દર્શક મોહિત સૂરી સાથે લગ્ન કરી લીધાં હતાં. નવ વર્ષ સુધી બંને જણે ડેટ કરીને આખરે લગ્નબંધનમાં બંધાઈ ગયાં.
———-
સોનાલી બેન્દ્રે-ગોલ્ડી બહલ
સોનાલી બેન્દ્રે પણ એ જ અભિનેત્રીઓમાં આવે છે જેણે એક ડિરેક્ટર સાથે લગ્ન કરી લીધાં હતાં. સોનાલીએ ડિરેક્ટર ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યાં છે. બંનેની મુલાકાત ૧૯૯૪માં ફિલ્મ ‘નારાજ’ના સેટ પર થઈ હતી અને એમાં ગોલ્ડીની મોટી બહેનનો ખૂબ મોટો હાથ હતો. સોનાલીને જોતાં જ ગોલ્ડીને તેની સાથે પહેલી નઝર કા પ્યાર હો ગયા, પણ ચાર વર્ષ સુધી તેમણે સોનાલીથી આ વાત છુપાવી રાખી. આખરે ફિલ્મ ‘અંગારે’ના સેટ પર ગોલ્ડીને ચાન્સ મળ્યો અને ત્યારે તેણે સોનાલીને પોતાના મનની વાત જણાવી દીધી અને બંને જણે લગ્ન કરી લીધાં.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.