સેલિબ્રિટી રોમેન્સ: શા માટે પરણવું છે? શા માટે છૂટા થવું છે?!

વીક એન્ડ

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક

આ લખાય છે ત્યારે ખબર આવી છે કે એક સમયની મિસ યુનિવર્સ સુસ્મિતા સેને લલિત મોદી નામનો ખાસ્સો ઉંમરલાયક મુરતિયો પસંદ કર્યો છે. લલિત મોદી ક્રિકેટના મહા-ખેલ ગણાતા આઈપીએલથી લાઈમ લાઈટમાં આવ્યા. શરૂઆતમાં આઈપીએલના સર્વેસર્વા તરીકેની ખ્યાતિ પામેલા લલિત મોદી પાછળથી બદનામ પણ બહુ થયા! અને એ પછી જાહેર જીવનમાંથી જાણે અચાનક અદૃશ્ય જ થઈ ગયા! સુસ્મિતા સેન ૧૯૯૪માં મિસ યુનિવર્સ બની. આ ખિતાબ મેળવનારી એ પ્રથમ ભારતીય ક્ધયા હતી. એ પછી આખો દેશ જાણે એની પાછળ પાગલ થઈ ગયેલો!
ચાલો ગુડ. લેકિન… ક્ધિતુ… પરંતુ… ઘણા લોકોનું એવું માનવું છે કે સુસ્મિતા-લલિતની જોડી લગ્નની પિચ પર લાંબું નહિ ખેંચે. લલિત સુસ્મિતા કરતાં દસ વર્ષ મોટો છે. તેમ છતાં કેરિયરમાં ખાસ ઉકાળી નહિ શકેલી સુસ્મિતાએ એને પસંદ કર્યો, એ પાછળ લલિત મોદીની સંપત્તિ જવાબદાર હોઈ શકે. બીજી તરફ સુસ્મિતાએ ભાવુક બનીને કહ્યું કે ઉંમરના આ પડાવ પર એને સમજાતું નથી કે લાઈફમાં આખરે શું થશે! સુસ્મિતાએ દત્તક લીધેલી બન્ને દીકરીઓ મોટી થઈ રહી છે. બન્ને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જશે, એ પછી સુસ્મિતા પોતાના જીવનમાં શું કરશે! તમે ગમે એવા મોટા સ્ટાર હોવ કે જાહેર જીવનમાં ગમે એટલા પ્રવૃત્ત હોવ, પણ ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી તમને પરિવારની જરૂરિયાત અનુભવાતી હોય છે. સુસ્મિતા કદાચ જીવનના એ જ તબક્કે પહોંચી છે. હવે લોકોના મનમાં જે આશંકા છે, તે એ કે આ જોડું કેટલો સમય ટકશે? વિદેશોમાં છૂટાછેડાની આમેય કોઈ નવાઈ નથી, પરંતુ અમુક સેલિબ્રિટી કપલ્સ તો એવાં છે જેમના પરણ્યાના સમાચારો હજી ભુલાયા ન હોય ત્યાં જ છૂટાછેડાના સમાચાર આવી જાય!
‘ચાર્લીઝ એન્જલ્સ’ સિરીઝની ફિલ્મોમાં પ્રેક્ષકોનાં મન મોહી લેનારી ડ્રુ બેરીમોરના કિસ્સામાં આવું જ બન્યું. ૧૯૯૪માં ડ્રુ લંડનના એક બારના માલિક જેરેમી થોમસને મળી. છ અઠવાડિયાં સુધી બન્ને વચ્ચે દોસ્તી પાકી થતી રહી. એ પછી એક દિવસ, સોરી એક મોડી રાત્રે બે વાગ્યે થોમસભાઈ એક ગલીમાંથી પસાર થઈ રહેલી ડ્રુ બેરીમોરની સામે ઘૂંટણ ટેકવીને બેસી ગયા અને એકદમ રોમેન્ટિક અંદાજમાં પૂછી માર્યું, ‘વિલ યુ મેરી મી?’ સિચ્યુએશન આખી ફિલ્મી હતી, પણ ડ્રુ ઈમ્પ્રેસ થઈ ગઈ અને હા પાડી બેઠી. પછી તો ઘડિયાં લગ્ન લેવા માટે બન્નેએ દોટ મૂકી. મિયાં, બીવી રાજી હતાં… એટલે કાજીને – એટલે કે લગ્ન કરાવનારા અધિકારીને નિયત કરતાં વીસ ડોલર જેટલો વધારાનો ચાર્જ ચૂકવીને બેઉ જણ એ જ દિવસે પરણી ગયાં! આમ તો આખો પ્રસંગ પરીકથા જેવો હતો. વિદેશોમાં પ્રેમપ્રકરણની કોઈ નવાઈ નથી હોતી, પણ કોઈ લગ્ન કરવા સુધી પહોંચે, તો લોકો એમના સંબંધોને માનની નજરે જુએ છે, પરંતુ ડ્રુ બેરીમોર અને થોમસ પોતે જ પોતાના સંબંધોનું સન્માન જાળવી ન શક્યાં. લગ્ન થયા એના થોડા જ દિવસોમાં વાસણ ખખડવા માંડ્યાં. બન્ને જણે હનીમૂન માટે હવાઈ ટાપુઓ પર જવાનું ગોઠવેલું, પણ કોણ જાણે શું ભૂત ભરાયું તે ડ્રુ એકલી જ હનીમૂન કરવા ઊપડી ગઈ! બિચારા થોમસને તો ત્યારે ખબર પડી જ્યારે ડ્રુએ હવાઈ ટાપુ પર પહોંચીને ફોન દ્વારા માહિતી આપી! એકલપંડે ઉજવાયેલું હનીમૂન પૂરું થયું અને લગ્નના ઓગણત્રીસ દિવસમાં તો આ ડ્રીમ કપલે છૂટા પડવાની જાહેરાત કરી નાખી. ડ્રુ બેરીમોર માટે થોમસ પહેલો પુરુષ નહોતો અને અંતિમ પણ નહોતો. સમયાંતરે એના જીવનમાં અનેક પુરુષપાત્રો આવતાં રહ્યાં.
ડ્રુ બેરીમોરની માફક જ એડી મર્ફી પણ હોલીવુડનો નામાંકિત કલાકાર છે. આ કાળા પણ કામણગારા એક્ટરનું આખું નામ એડવર્ડ રેગન મર્ફી. એ એક અચ્છો એક્ટર છે. કોમેડી તો સારી કરે જ, પણ સાથે સાથે લેખક અને ગાયક પણ ખરો. ૧૯૯૬માં આવેલી જબરદસ્ત કોમેડી ફિલ્મ The Nutty Professorથી ભારતના લોકો એને ઓળખે. ૧૯૯૦ સુધીમાં તામારા હુડ નામની ગર્લફ્રેન્ડ થકી એડી બે બાળકોનો પિતા બની ચૂકેલો, પણ ઇન બિટવીન, ૧૯૮૮માં યોજાયેલા એક એવોર્ડ ફંક્શન દરમિયાન એની મુલાકાત નિકોલ મિશેલ નામની યુવતી સાથે થઇ અને નટી પ્રોફેસરને મિશેલ ગમવા માંડી. ૧૯૯૩માં મર્ફી અને મિશેલ પરણી ગયાં. ૨૦૦૬માં છૂટાછેડા થયા, ત્યાં સુધીમાં મિશેલ અને મર્ફીના પ્રેમનાં પ્રતીકસમાં પાંચ બાળકો જન્મ્યાં! જોકે આ પ્રેમલગ્નની નિષ્ફળતા બાદ ભાંગી પડવાને બદલે એડી મર્ફી એક યોદ્ધાને છાજે એવી વીરતાપૂર્વક ફરી ‘કામે’ ચડી ગયો. એ જમાનામાં ધૂમ મચાવનાર ‘સ્પાઈસ ગર્લ’ ગ્રુપની મેલેની બ્રાઉન મર્ફીની નવી ગર્લફ્રેન્ડ બની. બ્રાઉન ગર્ભવતી હતી ત્યારે ખબર ઊડી કે બાળકનો પિતા મર્ફી જ છે. મર્ફી પહેલેથી જ બે જુદી જુદી સ્ત્રીઓ થકી સાત બાળકોનો પિતા બની ચૂકેલો. એટલે કદાચ આ ‘નવી જવાબદારી’ ગળે વળગાડવાનો એનો ઈરાદો નહોતો. એક પત્રકારે મર્ફીને આ બાબતે પ્રશ્ર્ન પૂછ્યો ત્યારે અકળાયેલા મર્ફીએ કહ્યું કે ‘યાર, અત્યારથી મને બદનામ ન કરો. એટલીસ્ટ બાળક જન્મવા સુધી રાહ તો જુઓ. એક વાર બાળક પેદા થાય અને એનો બ્લડ ટેસ્ટ થાય, પછી એનો પિતા કોણ છે એ સાબિત થઈ જ જશે!’ બાળક જન્મ્યા બાદ ડીએનએ ટેસ્ટમાં સાબિત થયું કે એનો પિતા એડી મર્ફી જ હતો. ખેર, સંસાર છે, આવું બધું તો ચાલ્યા કરે.
એડી મર્ફી ‘અફવાઓ’ પર ધ્યાન આપવાને બદલે પોતાનું ‘કામ’ અવિરતપણે કરતો રહ્યો. ૨૦૦૮ના વર્ષના પ્રથમ જ દિવસે બોરા બોરા આઈલેન્ડ ખાતે યોજાયેલી એક સેરિમનીમાં એડી મર્ફી એક ફિલ્મ પ્રોડ્યુસર, નામે ટ્રેસી એડમંડને પરણી ગયો. ટ્રેસીએ પોતાના જૂના પતિને છૂટાછેડા આપીને એડી સાથે લગ્ન કરેલાં. હોલીવુડમાં આ ભવ્ય મેરેજ સેરિમનીની ચર્ચા પુરબહારમાં ચાલી, પણ એક ‘ટેક્નિકલ ટ્વિસ્ટ’ વિષે દુનિયાને પાછળથી ખબર પડી.
થયું એવું કે બોરા બોરા આઈલેન્ડ પર કોર્ટ કે લગ્ન કરાવનારા અધિકારી તો ઉપલબ્ધ ન જ હોય. એટલે ઘરે પાછા ફર્યા બાદ દુલ્હા-દુલ્હને સક્ષમ અધિકારી સમક્ષ હાજર થઈને લગ્નની નોંધણી કરાવવાની હતી. એ પછી જ ટ્રેસી અને એડીનાં લગ્નને કાયદેસરતા પ્રાપ્ત થયેલી ગણાય. પણ ટ્રેસી-એડી તો સેરિમની પછી સીધાં હનીમૂન પર ઊપડી ગયાં. ત્યાંથી પાછા ફર્યા બાદ – એટલે કે બોરા બોરા આઈલેન્ડ પર ધૂમધામથી ઉજવાયેલી પેલી સેરિમનીના માત્ર ૧૪ દિવસ બાદ આ ‘નવદંપતી’એ ભોળી જનતાજોગ જાહેરાત કરી કે વી આર જસ્ટ ફ્રેન્ડ્સ, અમારી વચ્ચે એવું કશું નથી! લો બોલો, ગઈ ભેંસ પાની મેં! આ બન્ને દોઢ-બૌદ્ધિકોનું કહેવું હતું કે બોરા બોરામાં જે સેરિમની ઊજવાઈ, એ જ અમારા બન્ને વચ્ચે પાંગરેલા ઊંડા પ્રણયનું વસિયતનામું છે. અમને એકબીજા માટે ઊંડો પ્રેમ, લાગણી અને રિસ્પેક્ટ છે, આથી એકબીજાનાં પતિ-પત્ની બનવા કરતાં અમે એકબીજાના અત્યંત કરીબી મિત્રો બની રહેવા માગીએ છીએ! એ પછી ૨૦૧૬માં એડી મર્ફી પેજ બુચર નામની ઓસ્ટ્રેલિયન મોડેલ સાથે સ્નેહગાંઠે બંધાયો. આ સ્નેહસંબંધના વૃક્ષ પર અનુક્રમે ૨૦૧૬માં પુત્રી સ્વરૂપે અને ૨૦૧૮માં પુત્ર સ્વરૂપે ફળ બેઠાં. એ પછી આજ દિન સુધી નટી પ્રોફેસરે બીજી કોઈ નવાજૂની કરી નથી.
ડ્રુ બેરીમોર કે એડી મર્ફી જેવા બીજાય ઘણા છે, જેઓ એક પછી એક પાર્ટનર્સ બદલતા રહ્યા હોય. પોતાના ઉન્નત ઉરોજ ધરાવતી કમનીય કાયાને પ્રતાપે પ્લેબોય મેગેઝિનમાં વારંવાર ચમકેલી અને બે વોચ જેવી સિરિયલમાં બિકિની પહેરીને લોકોને ઘેલા કરનાર પામેલા એન્ડરસન કુલ છ વાર પરણી ચૂકી છે. ૧૯૮૦માં એ ફિલ્મ પ્રોડ્યુસર જોન પીટર્સને મળી, પણ બન્ને પરણ્યાં છેક પાંત્રીસ વર્ષ પછી! પણ લગ્નના બારમા દિવસે છૂટાછેડા થઈ ગયા!
અહીં પ્રશ્ર્ન એ છે કે ગ્લેમર વર્લ્ડમાં એક સ્થાન બનાવી ચૂકેલા આ લોકો સંબંધો બાબતે શા માટે અકરાંતિયાની જેમ વર્તે છે? આ લોકો સંબંધોમાં સ્થાયી કેમ નથી થઈ શકતા? શું આ લોકોના ઝાકમઝોળ જીવનની ભીતરનો ખાલીપો એમને લાગણીની દૃષ્ટિએ અસ્થાયી રાખે છે? સુસ્મિતા સેનનો જ દાખલો લો. રણદીપ હૂડા જેવા એક્ટરથી માંડીને વિક્રમ ભટ્ટ જેવા ડિરેક્ટર સુધીના અનેક લોકો સાથે સુસ્મિતા સંબંધો બાંધતી રહી. એક સમયે તો પાકિસ્તાની ક્રિકેટર વાસીમ અકરમ સાથે પણ સુસ્મિતાને સુંવાળા સંબંધો હતા, એવું કહેવાય છે, પણ હવે અચાનક ખબર આવ્યા કે ૪૬ વર્ષની ઉંમરે પહોંચેલી સુસ્મિતા પોતાનાથી દસ વર્ષ મોટા બિઝનેસમેન સાથે પરણવા તૈયાર છે. ફરી એ જ પ્રશ્ર્ન કે આ સંબંધો કેટલું ટકશે? એ તો આવનારો સમય કહી જ દેશે, આપણે શા માટે ખોટી પંચાતમાં પડવું. ખરુંને?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.