સેલિબ્રિટીઝની દિનચર્યા: આ નખરાં નથી તેમનો શ્ર્વાસ છે

ઉત્સવ

કેન્વાસ -અભિમન્યુ મોદી

એક ખુશનુમા સવારે ટેક્સાસમાં લાખોની મેદની વચ્ચે ઓશોએ પ્રવચન આપતા કહ્યું હતું કે, ‘તમારા પ્રિય અભિનેતા-અભિનેત્રીને ક્યારેય મળવાનો પ્રયત્ન નહીં કરતા, શક્ય છે એ તમારી કલ્પના પ્રમાણેની વ્યક્તિ ન નીકળે.’ વાત નક્કર પણ છે અને નફ્ફટ પણ.. નફફટ એટલે માટે એ વ્યક્તિને પ્રેક્ષકોએ કલાના ઉચ્ચ સ્થાને બેસાડ્યો છે. તેને ફેન્સ દ્વારા જ ભગવાનની પદવી અપાઈ છે. એટલે તેના નખરાં અને નાટક તો વિચિત્ર હોય એ સ્વાભાવિક છે. અલબત્ત સામાન્ય વ્યક્તિ તેના મનપસંદ પાત્રને ૩૨ લક્ષણા માને છે. એટલે તેના અણછાજતાં વર્તનને તો સ્વીકારી જ ન શકે. સંજય લીલા ભણસાલીની દરેક ફિલ્મોમાં સંગીત પ્રદાન કરવાનો અબાધિત અધિકાર પ્રાપ્ત કરનાર ઇસ્માઇલ દરબાર બિગ બોસમાં આવ્યા ત્યારે તેમને ઓશિકાથી પગ સ્વચ્છ કરતા નિહાળી સંગીતપ્રેમીઓ ત્રાસી ગયા હતા. ઉર્વશી રૌતેલા ટીસ્યુ પેપરથી ગ્લાસને ઊંચકીને જળની સરવાણી તેની સુંવાળી ડોકમાં વહાવીને જઠરાગ્નિને શાંત કરે તેમાં તો નેટિઝન્સના નાકનું ટીચકું ચડી ગયું.
આ બનાવ વાંચી કે સાંભળીને લોકોને અજુગતું લાગે.. કારણ કે જે કલાકારોને, લેખકોને કે સર્જક-સંગીતકારો એમના કામથી ઓળખાય છે. તેને લોકો એ ક્યારેય માણસ તરીકે મૂલવ્યા જ ન હોય.. હવે જયારે તેને તેના જ ચાહકો ઉચ્ચ પદે બેસાડે તો સ્વાભાવિક છે કે તેમના શોખ પણ અડબંગ હોય. અને તેમના અવનવા શોખ પણ કેવા, વિચારો…
લાલસીંહ ચઢ્ઢા ફ્લોપ ગઈ એમાં આમિર દૈનિક ટ્વિટરમાં પોતાના ફેક આઈ-ડીના માધ્યમથી ફિલ્મોનો દુષ્પ્રચાર કરનારને તતડાવતાં હશે. તેમના પરમ મિત્ર સલમાનભાઈ તો અત્યારે હવામાં છે.. એટલે પેલી હવામાં નહીં જાપાનમાં આવેલ ‘હવામાં’ ગામમાં.. જ્યાં તેમની એક્શનથી ભરપૂર ‘કિસીકા ભાઈ કિસીકી જાન’ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. ભાઈની ઊડતી ઝુલ્ફોએ તો યુ-ટ્યુબના ટ્રોલર્સનાં ટોળાને સક્રિય કરી દીધું. ટ્રોલર્સએ ઢગલાબંધ કમેન્ટ કરી દીધી. હવે સલમાનભાઈ તેનું અવલોકન કરી સૂચિતાર્થોની તારવણી કરશે અને મીડિયાને શું જવાબ આપવો તેનો અભ્યાસ કરશે. તેમની પૂર્વ પ્રેયસી ઐશ્ર્વર્યા રાય બચ્ચન પણ આ ટ્રોલર્સની તલવારથી ગ્રસિત છે દુ:ખિત છે.. તેમની તમિલ ફિલ્મના ટ્રેઇલર સાથે ચાહકો એક જ વાત પૂછી રહ્યા છે..‘દીદી’,તમારા પાત્રમાં સંવાદ ક્યાં !’.. એમાં તો બચ્ચન બગડ્યા.. એટલે જુનિયર નહીં સિનીયર.. કારણ કે નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાથે સ્ક્રીન શેર કરવામાં મોટાભાગના સંવાદ તો રશ્મિકા જ લઈ ગઈ.. અમિતાભને તો બસ ઘુરક્યા જ કરવાના..
કરીના ઘુરકી..ઘુરકીને તો થાક્યા તો પણ તૈમુરની આંખો તો પહોળી જ રહી.., નજર સમક્ષ સ્ટારકિડ સાથે તેની સરખામણી થતી હતી અને અને અંકલ કરણ જૌહર ટીમી (તૈમુરનું હુલામણું નામ )ની મજાક કરતા હતા. ટીમી તો ભડક્યો..સોશિયલ મીડિયા પર કી-પેડ લઈને ઘસી નાખ્યું કે, ‘કરણ જૌહર શોમાં કકળાટ કરે છે’ આ વાંચીને કરણને કારણ મળી ગયું. શોમાં બેધડક કલાકારોનું અંગત-અંગત પૂછવાની સાથે સાથે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરીને શોની ટીઆરપીને ટોપ પર પહોંચાડી દીધી પણ તેમની ફિલ્મ ટોપ પર ન પહોંચી શકી..’લાઇગર’ના લબકારા એવા તેમને નડે છે.., હવે હવન કરાવાયા બાદ જ ફિલ્મોની વાર્તાઓને ચૂંટે છે.
આવી ઘટનાઓ અનેકવાર સમાચાર પત્રોમાં છપાઈ છે. સામાન્ય વ્યક્તિ માટે આ બધા સાચે ‘નખરાં’ કે ‘નાટક’ છે પરંતુ સેલેબ્સ માટે તો એ તેનો શ્ર્વાસ છે. આ ગોસિપ પર જ તેનું ગોકુલ ખીલેલું છે. એક વ્યક્તિ જ્યારે જાહેર જીવનમાં દાખલ થાય છે ત્યારે એણે ઘણાબધા અંગત સુખોનું બલિદાન આપવું પડે છે. આ કોઇ બહુ મોટો ત્યાગ કે સમર્પણ નથી, આ જ ઝંખીને, આ જ માગીને, આ જ મેળવવા માટે માણસ જાહેર જીવનમાં દાખલ થતો હોય છે. લોકો તાળીઓ પાડે, ફ્લેશ લાઇટોથી આંખો અંજાઇ જાય અને સૌ આપણી આગળ-પાછળ ફરતાં રહે, એ ઝંખના ઘણા લોકોને હોય છે, પરંતુ બધાની ઝંખના પૂરી થતી નથી… ડાયરીમાં જોઇને તારીખો આપવાનું નસીબ બધાને નથી મળતું એટલે જેના નસીબમાં હોય એ વ્યક્તિની ઇર્ષા કરનારા પણ ઘણા હોય એ સ્વાભાવિક છે !
આના ઘણા કારણો હોઇ શકે. માણસના ઉછેર, પ્રકૃતિથી શરૂ કરીને એને થયેલા અનુભવો પણ અગત્યના છે. જાહેર જીવન કે પબ્લિક લાઇફ બહુ મજાની છે કે સુખી છે, જેની પાસે પબ્લિસિટી કે ફેન ફોલોઇંગ છે, એ બધા ‘જલસા’ કરે છે, એવું માનનારા દરેક માણસે ક્યારેક આવા લોકોની જિંદગીમાં ડોકિયું કરીને જોવું જોઇએ. મોરારિબાપુ ઘણી વાર કહે છે, ઘણા લોકો મારી ટીકા કરે છે. બાપુ ચાર્ટર્ડ પ્લેનમાં આવે છે કે પરદેશના પ્રવાસો કરે છે… પરંતુ બાપુની જિંદગી શું છે એ જાણવા કે સમજવા માટે ખરેખર મારે બદલે એક દિવસ જીવી જોવું જોઇએ.’ એમની વાત તદ્દન સાચી છે.
આરામનો એક કલાક પણ ન મળે, એવી રીતે લોકોનાં ટોળેટોળાં એમની પ્રતીક્ષા કરતાં બેસી રહે છે. સૌને પોતાની વાત કહેવી હોય છે અને સૌની અપેક્ષા સ્વાભાવિક રીતે જ એવી હોય છે કે બાપુ એમને પૂરો સમય આપે. શ્રદ્ધાળુ ભક્તો કે ફેન – આવા વ્યક્તિ વિશેષની જિંદગીનો મહત્ત્વનો હિસ્સો છે, એની ના નહીં. કોઇ પણ વ્યક્તિ સફળ થાય છે, પ્રસિદ્ધિ પામે છે કે પૂજાય છે ત્યારે એમાં એની વિશેષતાનો ફાળો તો હોય છે જ, પરંતુ એને ચાહનારા, એની પ્રશંસા કરનારા કે પૂજનારા લોકો જ એને એ સ્થાન સુધી પહોંચાડે છે, એ પણ સત્ય છે.
આ દરેક પ્રસંગોનું મૂળ તો છેલ્લે ચાહકો, ફેન, પ્રશંસકો જ છે.. ટીમીને દરેક ટ્વીટ પર રી-ટ્વીટ કરો એટલે સોશિયલ મીડિયામાં તોફાન તો થાય જ ને.. એમાંય જ પ્રશંસકો એમના પ્રિય કલાકારોને ઉતારી પાડતા એક મિનિટનો પણ વિચાર કરતા નથી. અને તેમને માન તો આપતા જ નથી. લોકો એમના બાળપણના મિત્રની જેમ તું ‘-તારી’ કરીને વાત કરતા અચકાતા નથી… ફેન કદાચ આ વિશે પોતાનો અધિકાર સમજે છે અથવા કદાચ એમ માને છે કે, આ કલાકારો એમના હૃદયની એટલા નજીક છે કે એમને ‘તું’ કહીને સંબોધી શકાય !
એટલું તો સ્પષ્ટ છે કે એક કલાકાર, સાહિત્યકાર કે એક્ટર કે સંગીતકાર પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી પોતાના પ્રેક્ષકને એન્ટરટેન કરે છે. મોટા ભાગના કલાકારો કાર્યક્રમ પહેલાં અને પછી ચહેરા પર સ્મિત રાખવાનો પ્રયત્ન કરે છે – પરંતુ, કલાક-દોઢ કલાકના થકવી નાખનારા પરફોર્મન્સ પછી એમના પણ મન અને શરીરને રાહતની જરૂર હોય એવું કેમ ન સમજાય? એક કલાકાર પૂરી નિષ્ઠાથી પ્રેક્ષકની અપેક્ષા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે ત્યારે પ્રેક્ષકની જવાબદારી એ છે કે કલાકારનો મૂડ કે મિજાજ પારખીને એની સાથે થોડું સહાનુભૂતિપૂર્વકનું કે થોડુંક માણસાઇભર્યું વર્તન કરે. આપણે જેને ચાહીએ છીએ, એ વ્યક્તિ ઉપર આપણો અધિકાર છે, ત્યાં સુધી જ જ્યાં સુધી એ જ વ્યક્તિ એ અધિકાર આપે. જેને ચાહતાં હોઇએ એને ‘ના’ પાડવાનો અધિકાર જ નથી એવું માની એ વ્યક્તિના અંગત મનોપ્રદેશમાં પ્રવેશવાનો પ્રયાસ આપણને એનાથી કાયમ માટે દૂર કરી દે એવું બને.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.