રાજ્યનાં ૭૫ સ્થળોએ યોગ દિવસની ઉજવણી

આપણું ગુજરાત

*એક્વા-યોગ: ભાવનગરમાં સ્વિમિંગ પૂલમાં ૪૦ જેટલા યોગસાધકે પાણીમાં યોગાસન કર્યા હતા.

*જેલમાં યોગ: સાબરકાંઠાના હિંમતનગરની જેલમાં કેદીઓએ પણ યોગાસનો કર્યા હતા.

*ઉપરકોટમાં યોગ: જૂનાગઢના જાણીતા કિલ્લા ઉપરકોટમાં યોગસાધકોએ યોગાસનો કર્યા હતા. (હરેશ સોની)
——–
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: દુનિયાભરમાં તા.૨૧મી જૂન એટલે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં પણ મંગળવારે અલગ અલગ ૭૫ જેટલાં મહત્ત્વનાં સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ હજારો લોકોની સાથે મળીને યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. સાથે આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોને યોગ કરીને ફિટ રહેવાની સલાહ આપી.
રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે મંગળવારે ૭૫ સ્થળ પસંદ કરવામાં આવ્યાં હતાં. તેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત ૨૨ પ્રવાસન સ્થળ, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌંદર્ય ધામ સામેલ છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત અંદાજે ૧.૫ કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મંગળવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ , કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન ઉપરાંત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જોડાઈને લોકોએ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી.
આ ઉપરાંત અમદાવાદમાં ૪૪ ગાર્ડનમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતા તો વડોદરામાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા છે.
ભાવનગરમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા તો મહેસાણામાં જિલ્લાના યોગ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગાંધીનગર ખાતે યોગ કાર્યક્રમમાં પ્રધાન પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ગુજરાત હાઈ કોર્ટ પરિસરમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર ઉપરાંત હાઈ કોર્ટના ન્યાયમૂર્તિઓની હાજરીમાં યોગ અભ્યાસ કર્યો હતો.કોર્ટના સ્ટાફ અને એડવોકેટ એસોસિયેશનના હોદેદારો,વકીલો પણ હાજર રહ્યા હતાં.
કોર્ટ પરિસરમાં સામૂહિક રીતે યોગ અભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.