નવી દિલ્હી: નવા વર્ષના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ (માસિક કાર્યક્રમ)માં વર્ષ ૨૦૨૨ની ઉપલબ્ધિનો ઉલ્લેખ કરતા વર્ષ ૨૦૨૩ના પડકારોની ચર્ચા કરી હતી. ‘મન કી બાત’ના કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ લોકોને નવા વર્ષની ઉમંગથી ઉજવણી કરવાની સાથે સાથે કોરોનાથી સાવધ રહેવાની અપીલ કરી હતી.
ચીન અને અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે તેની તકેદારીના ભાગરૂપે દેશવાસીઓએ માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાનો વડા પ્રધાને અનુરોધ કર્યો હતો.
આપણે સાવધાન રહીશું તો પણ સુરક્ષિત રહીશું અને આપણા આનંદમાં કોઈ અવરોધ ઊભો થશે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૨૦૨૨માં દરેક ક્ષેત્રમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. વાસ્તવમાં ૨૦૨૨નું વર્ષ પ્રેરક અને અદ્ભુત રહ્યું હતું. આ વર્ષે ભારતે પોતાની આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં કર્યાં અને આ વર્ષે જ અમૃતકાળનો આરંભ થયો. આ વર્ષે દેશે નવી રફતાર પકડી અને તમામ દેશવાસીઓએ એક કરતાં અનેક નોંધપાત્ર કામગીરી કરી હતી.
મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતી પર યાદ કરતા કહ્યું હતું કે આજે વડા પ્રધાન અટલજીનો જન્મદવિસ છે. તેઓ એક મહાન રાજનેતા હતા અને તેમણે દેશનું અસાધારણ નેતૃત્વ કર્યું હતું. દરેક ભારતવાસીના હૃદયમાં તેમના માટે અલગ જગ્યા છે. તેમણે મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું હતું કે થોડા દિવસ પહેલા વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ માટે ગોવામાં હતા, જ્યાં ૪૦થી વધુ દેશના ડેલિગેટસ સામેલ હતા અને ૫૫૦થી વધુ સાયન્ટિફિક પેપર્સને રજૂ કરવામાં આવ્યા હતા. ભારત સહિત દુનિયાભરની ૨૧૫ કંપનીએ પોતાની પ્રોડક્ટસનું અહીં એક્ઝિબિશન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીતેલાં કેટલાક વર્ષોમાં આરોગ્ય સંબંધિત સેવાના સંબંધિત અનેક પડકારો પર વિજય મેળવ્યો છે અને તેનું સંપૂર્ણ શ્રેય મેડિકલ એક્સપર્ટસ, વૈજ્ઞાનિકો અને દેશવાસીઓની ઈચ્છાશક્તિને જાય છે.
ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે ત્યારે દેશવાસીઓએ કોરોના સંબંધ સાવધાની રાખવાની અપીલ કરી છે. રવિવારે વડા પ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના ૯૬મા એપિસોડમાં દેશવાસીઓને કહ્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ માસ્ક પહેરવાની સાથે હાથ ધોવાની જેવી મહત્ત્વની બાબત પર સાવધાની રાખવાનો ખાસ અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના મહામારીને કારણે ફરી પરિસ્થિતિ વધારે બગડે નહીં તેના માટે ભારત સરકારે સતર્કતા દાખવી છે. કેન્દ્ર સરકારે અગાઉથી ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને હોંગકોંગથી આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યા છે. ચીનમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, તેથી ચીનના પ્રવાસીઓ પર સૌથી વધારે નજર રાખવામાં આવી રહી છે. સરકારે દેશવાસીઓને ભીડભાડવાળા વિસ્તારોમાં બિનજરૂરી જવાનું ટાળવાની સાથે કોવિડ-૧૯ ગાઈડલાઈન્સનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે.