કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
આજે ફાગણ સુદ પૂનમને હોળીનો તહેવાર. જોકે, નવી પેઢીને મન હોળી કરતાં ધુળેટી (રંગોથી રમવાનું) મહત્ત્વ વધારે હોય છે. હોળીની પૂજા-પ્રદક્ષિણા કરવામાં કે તેનું મહત્ત્વ જાણવામાં કેટલા યુવાનોને રસ હશે? કેટલાક સુધરેલા ગણાતા લોકો તો હોળીમાં લાકડાં બળે અને તેને માટે કેટલા વૃક્ષોનું નિકંદન નીકળે તેની ચર્ચા કરતા હોય છે. આ લોકોએ હોળી-ધુળેટી શા માટે ઊજવવી જોઇએ અને કેવી રીતે ઊજવવી જોઇએ? તે માટે નીચેનો લેખ વાંચવો જરૂરી છે.
ફાગણી હોળી
બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં બરાબર મધ્યનું સ્થાન અગ્નિ શોભાવે છે. આ એક એવું તત્ત્વ છે જે પદાર્થ નથી, પણ ઊર્જા છે, જેના વિના પદાર્થનું રૂપાંતર શક્ય નથી, જેમ કે લાકડું અનાજ જેવા પૃથ્વી તત્ત્વ, પાણી દૂધ-ઘી જેવા પ્રવાહી તત્ત્વોને વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું કામ અગ્નિ તત્ત્વથી જ શક્ય બને છે. અગ્નિદેવ રૂપાંતરનું કામ જ નથી કરતા, પરંતુ મલિન દ્રવ્યોને શુદ્ધ પણ બનાવે છે. જન્મથી લઈને મૃત્યુના સોળ સંસ્કાર છે એ અગ્નિની સાક્ષીએ જ કરવામાં આવે છે. એટલે જ એ કાર્યોને સંસ્કાર કહેવાય છે. સંસ એટલે સારું અને કાર એટલે કાર્ય. અનાજમાં કીડા પડે તો અનાજ સડી જાય છે. પાણીમાં તેમ જ વાયુમાં પ્રદૂષણ ફેલાઈ શકે છે, પરંતુ ‘અગ્નિ’ કોઈને ગાંઠતું નથી, ઊલટાનું તેના સંસર્ગમાં જે કોઈ પણ આવે તે તપીને શુદ્ધ બને છે, જેમ કે સોનું અગ્નિમાં તપીને વધુ શુદ્ધ બને છે.
ભારતીય સંસ્કૃતિમાં દિવાળી જેટલું જ મહત્ત્વ હોળીનું છે. બન્નેનો સંબંધ અગ્નિ અને પ્રકાશ સાથે છે. દિવાળીમાં આપણે ઘેર-ઘેર દીવા પ્રકટાવીએ છીએ, જ્યારે હોળી ગામની શેરીઓમાં કે શહેરની ગલીઓમાં પ્રકટાવીએ છીએ. દિવાળી એ ગરમ અને ઠંડી ઋતુનો સંધિકાળ છે, જ્યારે હોળી એ ઠંડી અને ગરમ ઋતુનો સંધિકાળ ગણાય છે. સંધિકાળમાં હવામાનમાં પલટો આવતો હોય છે એટલે આ સમયમાં પ્રાણીમાત્ર બે ઋતુનો ભોગ બને છે. ઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમીને કારણે પેદા થતા અસંખ્ય વિષાણુઓ, જીવજંતુઓ સમગ્ર વાતાવરણને અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવા વાતાવરણને શુદ્ધ કરવા હોળી ખૂબ જ ઉપયોગી તહેવાર બની રહે છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે રોજ ઘરે દીવાબત્તી કરીએ છીએ તે પણ દિવસ અને રાતના સંધિકાળ જ છે. આવા સમયે ફેલાતા જીવજંતુઓથી બચવા આ નાનકડો દીવો પણ ઘણું જ કામ આપે છે. આ જ ક્રિયાનું પુનરાવર્તન આપણે ઋતુઓના સંધિકાળમાં મોટા પ્રમાણમાં અગ્નિ પ્રકટાવીને કરીએ છીએ. આથી જ નવરાત્રિમાં હવન અને ફાગણ મહિનામાં હોળીનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. કેટલાક લોકો હોળી પ્રકટાવવાનો વિરોધ કરતાં, એવું કહે છે કે હોળીને કારણે વૃક્ષોનો નાશ થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે, પરંતુ હકીકત જુદી જ છે. પર્યાવરણને બચાવવા હોળી પ્રકટાવવી જરૂરી છે. કેવી રીતે તે હવે આપણે જોઈએ.
ચોમાસાની ઋતુમાં જમીન પર આડેધડ અનેક પ્રકારની વનસ્પતિ કે ઘાસ ઊગી નીકળે છે. આ એવા પ્રકારની વનસ્પતિ હોય છે, જેને આપણે આપણા કોઈ કામમાં આવે તે રીતે કે તે જગ્યાએ ઉગાડી નથી હોતી. તે આપો આપ જ ઊગી નીકળી હોય છે. ખેતરમાં કે વાડીમાં ઊગાડેલાં અનાજ કે ફળ કે શાકભાજીને ચોમાસામાં ભરપૂર પાણી મળે છે અને શિયાળામાં આપણે સિંચાઈ દ્વારા પાણી પાઈએ છીએ, પરંતુ એવી અસંખ્ય વનસ્પતિ છે જે માત્ર ચોમાસા પૂરતી ઊગે છે અને શિયાળામાં સૂકી હવાને કારણે અને પાણી ન મળતાં સુકાઈ જાય છે. આ ઉપરાંત વર્ષોથી જમીન પર ઊગેલાં મોટાં વૃક્ષો પણ દર વર્ષે પોતાના આત્મારૂપી રસકસને ગુમાવી દે છે અને માત્ર ઠૂંઠા વૃક્ષરૂપે તેમનો દેહ રહી જાય છે. જેમ મૃત વ્યકિતનો આપણે ‘અગ્નિસંસ્કાર’ કરીએ છીએ એ જ રીતે આવાં સૂકાવૃક્ષો, પાંદડાં અને સૂકી ડાળીડાળખાં ભેગાં કરીને ‘હોળી’ પ્રકટાવીને હકીકતમાં તો આપણે તેમનો યોગ્ય ‘અગ્નિસંસ્કાર’ જ કરીએ છીએ. મહા મહિનામાં જમીન પર અસંખ્ય પ્રમાણમાં પડેલાં ડાળીડાળખાં કે સૂકાં પાંદડાંને આપણે સળગાવીએ નહીં તો પણ એ પૃથ્વી તત્ત્વમાં ભળી જાય છે, પણ એમ થતાં વધુ સમય લાગે છે, જ્યારે આવાં સૂકી ઘાસ, પાંદડાં, ડાળખાં કે લાકડાંને અગ્નિદાહ દઈએ તો તેનો નિકાલ જલદી આવે છે. વળી, આમાંથી પેદા થતી રાખમાં ક્ષારનું પ્રમાણ વધારે હોઈ ઉત્તમ કુદરતી ખાતર બને છે, જે નવી વનસ્પતિ કે નવાં વૃક્ષોને ઉગાડવા માટે કામમાં આવે છે. જેમ પ્રત્યેક નવા અવતરતા બાળક માટે વૃદ્ધો જગ્યા કરી આપે એ પ્રાણીસૃષ્ટિનો નિયમ છે એ જ રીતે વનસ્પતિની સૃષ્ટિમાં પણ આ નિયમ લાગુ પડે જ છે. આપણે ન બાળીએ તો એ પોતે બળી મરે છે. ઘનઘોર જંગલમાં એકદમ ગીચોગીચ વૃક્ષ ઊગી નીકળ્યાં હોય અને તેમની વસતિ એટલી બધી વધી ગઈ હોય કે સૂર્યનારાયણ પણ તેમને વીંધીને જમીન પર પહોંચી ન શકે, ત્યારે વૃક્ષોની ડાળીઓ વાયુના સપાટાને કારણે એકમેક સાથે ઘસાઈને આમ પકડી લે છે, જેને આપણે જંગલમાં ‘દવ’ લાગ્યો એમ કહીએ છીએ. (કદાચ દીવો શબ્દ ‘દવ’ પરથી જ આવ્યો હશે.) આવા દવમાં વનસ્પતિ પોતે જ પોતાનો વિનાશ સર્જે છે, પણ સૂંકા લાકડાં કે વૃક્ષો પૂરેપૂરાં સળગી જાય છે, જ્યારે નવાં વૃક્ષો લીલાં હોઈ જલદી સળગતાં ન હોવાથી બચી જાય છે. આમ, વૃદ્ધ વૃક્ષો સંતાન વૃક્ષો માટે જગ્યા કરવા પોતાની આહુતિ આપી દે છે. મરેલાને બાળવા એ ગુનો નથી, પણ સંસ્કાર છે એમ સૂકાભઠ્ઠ વૃક્ષો, ડાળીઓ, લાકડાં, પાંદડાંને બાળવા એ અપરાધ નહીં, પણ સંસ્કાર જ છે. એમાં પણ ઠંડી વિદાય થવાની તૈયારી હોય અને ગરમીની શરૂઆત થતી હોય તે વખતે ‘હોળી’ ઊજવીને આપણે એક કાંકરે બે પક્ષીનો શિકાર કરીએ છીએ. એક તો મૃત વનસ્પતિ સૃષ્ટિનો યોગ્ય નિકાલ થાય છે અને બીજું અગ્નિને કારણે વાતાવરણમાં સ્વચ્છતા અને શુદ્ધતા પ્રકટે છે.
મૃત વ્યક્તિઓનો અગ્નિ સંસ્કાર ન કરીએ અને એમ ને એમ રઝળવા દઈએ તો પણ વર્ષો જતાં તે કોહવાઈને માટીમાં તો ભળી જ જવાનો છે, પણ ત્યાં સુધી જે જીવતા રહેલા છે તેમને કેટલો ત્રાસ, દુર્ગંધ અને રોગચાળો સહન કરવો પડે. આ જ રીતે પાનખર ઋતુમાં જમીન પર પડેલાં પાંદડાં, ડાળીડાળખાં, સૂકાં ઘાસ વગેરે એટલા પ્રમાણમાં વધી જાય કે જમીનની અંદર રહેલાં મૂળિયાં, બીજ કે જીવજંતુઓને હવા, પાણી અને પ્રકાશ મેળવવામાં ઘણી જ તકલીફ થાય. માટે તેમનો નિકાલ જરૂરી છે. ગામડાંની સરખામણીએ શહેરોમાં વૃક્ષો અને વનસ્પતિ ઓછાં હોય છે. એટલે કેટલાક લેભાગુ લોકો જલદીથી બે પૈસા કમાવવા માટે શહેરમાં કે શહેરની નજીક આવેલાં વૃક્ષોનું નિકંદન કાઢતા હોય એ પણ શક્ય છે. આવું કાર્ય કરતા લોકોને અટકાવવા એ આપણી ફરજ છે, પરંતુ એના લીધે હોળી જ ન પ્રકટાવવી એ અયોગ્ય છે. હોળી વાતાવરણમાં રહેલા ઉપદ્રવી જંતુઓનો નાશ તો કરે જ છે, વધુમાં તમારા શરીરના તંત્રમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. મહાશિવરાત્રિમાં
તમે ઉપવાસ કે જાગરણ ન કરી શક્યા હો, બીલીપત્રનો રસ ન પી શક્યા હો તો મૂંઝાવાની જરૂર નથી. શિયાળામાં તમારા શરીરમાં જામી ગયેલા કફને ઓગળવા હોળીની ગરમી ખૂબ જ કામ લાગે છે. હોળી પ્રકટાવી તેની આસપાસ પ્રદક્ષિણા ફરવાનો આ જ તો હેતુ છે, જેમ થીજી ગયેલા ઘીને ગરમ કરતાં તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે એ જ રીતે તમારી છાતી અને નાડીઓમાં જામી ગયેલા કફને પીગળાવી ઉત્સર્ગક્રિયા મારફતે શરીરથી છુટકારો મળી શકાય છે. આયુર્વેદના મતે મનુષ્યને બાલ્યાવસ્થામાં કફનો દોષ, યુવાવસ્થામાં પિત્તનો દોષ અને વૃદ્ધાવસ્થામાં વાયુનો દોષ સૌથી વધુ નડે છે. નાના બાળકને વાતાવાતમાં કફ થઈ જતો હોય છે માટે જ નવાં જન્મેલાં બાળકોને હોળીની ફરતે ફેરવવાનો રિવાજ આપણે ત્યાં છે. આમ કરવાથી તેમનામાં રહેલો વધારાનો કફ છૂટો પડી મૂત્ર કે દસ્ત વાટે બહાર નીકળી જાય છે અને તેઓ સ્વસ્થ રહે છે. આથી જ જન્મદાત્રી માતા, ગાયમાતા અને ધરતીમાતાની જેમ હોળીને પણ આપણે માતાના સ્વરૂપમાં જ વંદન કરીએ છીએ.