સીબીએસઈ ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર

દેશ વિદેશ

પાસ થયા: સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ)નું ધોરણ દસ અને બારનું પરિણામ શુક્રવારે જાહેર થયું તે પછી ખુશી મનાવતા લખનઊની એક શાળાના વિદ્યાર્થીઓ.(પીટીઆઇ)

નવી દિલ્હી: સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેક્ધડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)એ શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર કર્યું હતું.
દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ ૯૪.૪૦ ટકા આવ્યું હતું. દસમા ધોરણની પરીક્ષા આપનારા કુલ છોકરાઓમાંથી ૯૩.૮૦ ટકા પાસ થયા હતા અને પરીક્ષા આપનારી કુલ છોકરીઓમાંથી ૯૫.૨૧ ટકા પાસ થઈ હતી.
પાસ થવાની ટકાવારીમાં છોકરીઓએ છોકરાઓને પાછળ પાડી દીધા હતા. છોકરાઓની સરખામણીએ ૧.૪૧ ટકા વધુ છોકરીઓ પાસ થઈ હતી. સીબીએસઈએ ૧૦મા અને ૧૨મા ધોરણનું પરિણામ એક જ દિવસે જાહેર કર્યું હોય તેવું પ્રથમ જ વાર બન્યું છે. તૃતીયપંથીઓની પાસ થવાની ટકાવારી ૯૦ ટકા રહી હતી.
સીબીએસઈએ શુક્રવારે બારમા ધોરણના પરિણામની પણ જાહેરાત કરી હતી.
બારમા ધોરણની પરીક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૯૨.૭૧ ટકા પાસ પાસ થયા હતા. બારમાની પરીક્ષા આપનાર તમામ તૃતીયપંથી વિદ્યાર્થી પાસ થઈ ગયા હતા.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બારમા ધોરણના વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારીમાં ઘટાડો થયેલો જોવા મળ્યો હતો.
ગયા વર્ષે સીબીએસઈના બારમા ધોરણની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ૯૯.૩૭ ટકા રહી હતી જેની સરખામણીએ આ વર્ષે પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ૯૨.૭૧ ટકા રહી હતી.
ગયા વર્ષે કોરોનાની મહામારીને કારણે પરીક્ષા લઈ શકાઈ ન હોવાથી સ્પેશિયલ ઍસેસમેન્ટ સ્કીમ અંતર્ગત પરિણામ જાહેર કરવામાં
આવ્યું હતું.
આ વર્ષે પરીક્ષા બે ટર્મમાં પૂરી કરવામાં
આવી હતી.
વર્ષ ૨૦૨૦માં અને વર્ષ ૨૦૧૯માં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી અનુક્રમે ૮૮.૭૮ ટકા અને ૮૩.૪૦ ટકા રહી હતી, એમ સીબીએસઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
અમુક વિદ્યાર્થીઓ અને સ્કૂલોએ દાવો કર્યો હતો કે પરિણામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી તે અગાઉ જ તેમને પરિણામ મળી ગયું હતું. પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓમાંથી ૩૩,૪૩૨ વિદ્યાર્થીએ ૯૫ ટકા કરતા અને ૧,૩૪,૭૯૭ વિદ્યાર્થીએ ૯૦ ટકા કરતા વધુ માર્ક્સ મેળવ્યા હતા.
૯૮.૯૩ ટકા પરિણામ સાથે જવાહર નવોદય વિદ્યાલય ટોચના સ્થાને રહી હતી તો ૯૭. ૯૬ ટકા સાથે સેન્ટ્રલ તિબેટન સ્કૂલ ઍડમિનિસ્ટ્રેશન, ૯૭.૦૪ ટકા સાથે કેન્દ્રીય વિદ્યાલય, ૯૪.૮૧ ટકા સાથે સરકારી સહાય મેળવતી સ્કૂલ, ૯૩.૩૮ ટકા સાથે સરકારી સ્કૂલ અને ૯૨.૨૦ ટકા સાથે ખનગી સ્કૂલો ત્યાર પછીના સ્થાને રહી હતી.
આ વર્ષે પણ બૉર્ડે મૅરિટ લિસ્ટની જાહેરાત નહોતી કરી. કોરોનાની મહામારીને કારણે સ્કૂલો બંધ થયા બાદ વર્ષ ૨૦૨૦થી બૉર્ડે મૅરિટ લિસ્ટ જાહેર કરવાનું બંધ કરી દીધું છે.
વર્ષ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષની સીબીએસઈ બૉર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩થી શરૂ થશે, એમ ઍક્ઝામ કંટ્રોલર સાન્યામ ભારદ્વાજે
કહ્યું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.