CBIએ ભ્રષ્ટાચારના એક કેસમાં ભૂતપૂર્વ નાણા સચિવ અરવિંદ માયારામના ઘર પર દરોડા પાડ્યા હતા. ભૂતપૂર્વ નાણા સચિવ અરવિંદ માયારામ ભારતીય નોટો માટે ખાસ કલર શિફ્ટ સિક્યોરિટી થ્રેડના સપ્લાયમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ અંગે તપાસ ચાલુ છે.
કેન્દ્રીય એજન્સીએ આરોપ લગાવ્યો છે કે માયારામ અને નાણા મંત્રાલયના અજાણ્યા અધિકારીઓએ બેંક નોટોમાં ઉપયોગમાં લેવાતા ખાસ કલર શિફ્ટ સિક્યોરિટી થ્રેડના સપ્લાય માટે કંપની ડી લા રુ ઇન્ટરનેશનલની અનુચિત તરફેણ કરી હતી.
સીબીઆઇને નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના મુખ્ય તકેદારી અધિકારી તરફથી ફરિયાદ મળ્યા બાદ 2018 માં તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારથી માયારામ સીબીઆઇના રડારમાં હતા.
સીબીઆઈએ ગુનાહિત ષડયંત્ર અને છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ સંબંધિત IPC કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ, 1978 બેચના નિવૃત્ત IAS અધિકારીના જયપુર અને દિલ્હીના આવાસ પર સર્ચ કરવામાં આવ્યું હતું.
નોંધપાત્ર વાત એ છે કે, થોડા દિવસો પહેલા માયારામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.