CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. આ છાપોમારી દિલ્હી સરકારની આબકારી નીતિને લઈને કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે,  સીબીઆઈના દરોડાની માહિતી ખુદ મનીષ સિસોદિયાએ આપી છે.

CBIએ એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળ પર દરોડા પાડ્યા છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. પૂર્વ એક્સાઇઝ કમિશનર એ ગોપી કૃષ્ણના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. નવી પોલિસીમાં દિલ્હી એક્સાઈઝ એક્ટ અને દિલ્હી એક્સાઈઝ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દારૂ વેચનારાઓની લાઇસન્સ ફી માફ કરવાથી સરકારને 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આબકારી મંત્રી તરીકે મનીષ સિસોદિયાએ જોગવાઈઓની અવગણના કરી હોવાના આરોપસર દરોડાની (CBI raids) કાર્યવાહી કરાઈ હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત દારૂના વેચાણનો કોન્ટ્રાક્ટ એક્સાઈઝ પોલિસીની વિરુદ્ધ જઈને લિકર ઉત્પાદક કંપનીઓને આપવામાં આવ્યો હતો, જ્યારે લિકર ઉત્પાદકો અને સપ્લાયર કંપનીઓને દારૂ વેચવાનો કોન્ટ્રાક્ટ આપી શકાય નહીં.

દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારે આ સંબંધમાં 15 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં થયેલી ગેરરીતિઓ સાથે સંબંધિત હતો. આ રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવ્યો હતો. તેમણે તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો અને આ મામલામાં સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી.

સીબીઆઇના દરોડાને લઇને મનીષ સીસોદિયાએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં સારું કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી જ આપણો દેશ હજુ નંબર-1 બન્યો નથી. આ લોકો (કેન્દ્ર સરકાર) દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના ઉત્કૃષ્ટ કામથી પરેશાન છે. તેથી જ દિલ્લીના આરોગ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે, જેથી કરીને શિક્ષણ અને આરોગ્યના સારા કામને અટકાવી શકાય.

Google search engine