મુંબઈ: ભ્રષ્ટાચારના કેસમાં ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખને જામીન આપતા આદેશ પરના સ્ટેને ત્રીજી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવે એવી અરજી સીબીઆઈએ બોમ્બે હાઈ કોર્ટમાં કરી હતી. હાઈ કોર્ટ આ મામલે બુધવારે સુનાવણી હાથ ધરશે. ન્યાયાધીશ એમ.એસ. કર્ણિકની સિંગલ બેંચે ૧૨મી ડિસેમ્બરે એનસીપીના નેતા અનિલ દેશમુખની જામીન પર મહોર મારી હતી, પણ સીબીઆઈ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે, એટલે આ આદેશ ૧૦ દિવસ બાદ લાગુ થશે, એવું જણાવવામાં આવ્યું હતું.
તપાસ એજન્સીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પણ કોર્ટમાં વેકેશન ગાળો ચાલતો હોવાને કારણે તેને જાન્યુઆરી, ૨૦૨૩માં હાથ ધરવામાં આવશે. આને કારણે વધારાના સોલિસિટર જનરલ અનિલ સિંહે ન્યાયાધીશ એમ.એસ. કર્ણિકને દેશમુખ પ્રકરણમાં જે સ્ટે આપવામાં આવ્યો છે તેને લંબાવવાની માગણી કરી હતી. આ જ કોર્ટે દેશમુખના જામીન મંજૂર કર્યા હતા, પણ હજી સુધી એ લાગુ થયા નથી.
સુપ્રીમ કોર્ટ પાસે બદનસીબે વેકેશન બેંચ નથી એટલે કદાચ આદેશ ત્રીજી જાન્યુઆરી લંબાઇ શકે છે, એવું સિંહે કહ્યું હતું. જોકે દેશમુખના વકીલ અનિકેત નિકમે આ મામલે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં વેકેશન રજિસ્ટર ઉપલબ્ધ હોય છે. જોકે હાઈ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આ મામલે બુધવારે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.
(પીટીઆઈ)
ભૂતપૂર્વ પ્રધાન દેશમુખને જામીન આપતા આદેશ પરના સ્ટેને લંબાવવા સીબીઆઈની બોમ્બે હાઈ કોર્ટમાં અરજી
RELATED ARTICLES