Homeઆમચી મુંબઈસાવધાન! વીજળી બિલ ઓનલાઈન ભરો છો? તો એક વાર આ સમાચાર વાંચી...

સાવધાન! વીજળી બિલ ઓનલાઈન ભરો છો? તો એક વાર આ સમાચાર વાંચી લેજો, નહીંતર…

ઓનલાઈન છેતરપિંડી અંગે લોકોને વારંવાર સાવધાન કરવામાં આવે છે, છતાં પણ નાગરિકો તેનો ભોગ બને છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના નાશિકમાંથી જાણવા મળી છે. હાલના સમયમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કારણ તેમાં સમયની બચત થાય છે અને તુરંત ચુકવણી સાથે કામ થઈ જાય છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં ઝંઝટ વિના સરળતાથી કામ પતી જાય છે. તેથી ઘણા લોકો ઑનલાઇન વ્યવહાર કરે છે. જોકે તેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તાજેતરમાં નાસિકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓનલાઈન વીજ બિલ ભરવાના નામે એક કૌભાંડીએ મહિલાને અઢી લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.

પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સમજીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. નાશિકની હેપ્પી હોમ કોલોનીમાં રહેતી સબા કૌસર શેખે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ 17 જાન્યુઆરીએ તેની સાથે અઢી લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. તેની સામે ઓનલાઈન છેતરપિંડી કરનારે કહ્યું હતું કે તે વીજ વિતરણ કંપનીનો પ્રતિનિધિ છે. તે મુજબ, જ્યારે સબા બિલ ભરવાની વાત કરી રહી હતી ત્યારે સામેની વ્યક્તિએ કહ્યું કે થોડી પ્રક્રિયા કરવી પડશે, જે મુજબ, સબાએ પ્લે સ્ટોર પર જઈને ટીમ વ્યૂઅર એપ ડાઉનલોડ કરી હતી. આ એપની મદદથી તેણે મહિલાનો મોબાઈલ ફોન કબજે કરી અઢી લાખ રૂપિયાની ઉચાપત કરી હતી.

ઈન્ટરનેટ બેંકિંગની મદદથી મહિલાની બેંકના આઈડી અને પાસવર્ડ મેળવી બેંકમાંથી 2,13,499 રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ વાતની જાણ થતાં જ મહિલા નજીકના પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસે તેને સાયબર પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી હતી. ત્યાર બાદ મહિલાએ સાયબર પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી અને મહિલાની છેતરપિંડી કરનારા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સાયબર પોલીસ વધુ તપાસ કરી રહી છે. જે એકાઉન્ટ પર પૈસા જમા કરાવવામાં આવ્યા હતા તે મોબાઈલ નંબર સાથે જે એકાઉન્ટ પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અવારનવાર લોકોને ઓનલાઇન છેતરપિંડી અંગે સાવધાન કરવામાં આવે છે, છતાં લોકો કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે તે પ્રશ્ન આ પ્રસંગે ઉઠી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular