એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બિહારમાં અંતે જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી શરૂ થઈ ગઈ. નીતીશકુમાર ક્યારનાય જ્ઞાતિ આધારિત વસતિ માટે કૂદાકૂદ કરતા હતા પણ ભાજપ સાથે ગઠબંધન હોવાથી પાછા પડતા હતા. ભાજપને જ્ઞાતિ આધારિત વસતી માફક નથી આવતી કેમ કે તેનાથી તેનાં હિતો જોખમાય છે તેથી ભાજપ બ્રેક મારતો હતો. હવે નીતીશે ભાજપની ધૂંસરી ફગાવી દીધી છે ને તેમના જેવી જ વિચારધારા ધરાવતા તેજસ્વી યાદવ સાથે બેસી ગયા છે તેથી જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીનો પ્રારંભ કરાવી દીધો.
બિહારમાં શનિવારથી તમામ ૩૮ જિલ્લામાં એકસાથે જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી શરૂ થઇ અને ખુદ મુખ્યમંત્રી નીતીશકુમારે એક દલિત પરિવારની વિગતો નોંધીને જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીની શરૂઆત કરાવી. નીતીશે રાજ્ય સરકારના લાખો કર્મચારીઓને ધંધે લગાડી દીધા છે. બિહારની રાજધાની પટણામાં જ આશરે બે લાખ સરકારી કર્મચારીઓ કામે લાગ્યા છે ને જ્ઞાતિ આધારિત વસતિ ગણતરીનું કામ ધમધોકાર શરૂ થઈ ગયું છે.
નીતીશની યોજના પ્રમાણે બિહારમાં બે તબક્કામાં જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરાશે. પહેલા તબક્કામાં ૭ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી દરમિયાન મકાનોની ગણતરી કરાશે. ૧૫ દિવસમાં મકાનોની ગણતરી કરાય ત્યારે લાલ માર્કરથી મકાનની દીવાલ પર તેની વિગત પણ લખી દેવાશે. બીજો તબક્કો ૧ એપ્રિલથી શરૂ થશે. ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ વચ્ચે જ્ઞાતિ અને સ્કિલનો સર્વે કરાશે. બીજા તબક્કામાં ૨૫-૩૦ પ્રશ્નો હશે. ઘરના મોભીનું નામ, જ્ઞાતિ, પરિવારના સભ્યોની સંખ્યા, કાર, મોબાઇલ, આવકનો સ્રોત, નોકરી, બેરોજગારોની વિગતો સહિતની માહિતી મેળવાશે. આ માહિતીનું વિશ્ર્લેષણ કરીને પછી જે જ્ઞાતિઓ પછાત છે તેમના માટેની યોજનાઓની જાહેરાત કરાશે.
બિહારમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની શરૂઆત સાથે ભારતમાં જ્ઞાતિવાદને આધારે સમાજને વહેંચવાનું નવું પ્રકરણ શરૂ થયું છે. નીતીશ સહિતના જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણ કરનારાનું કહેવું છે કે, વસતિ ગણતરીમાં જ્ઞાતિનો ઉલ્લેખ નથી તેથી દેશમાં કઈ જ્ઞાતિ કેટલી પછાત છે તેની ખબર પડતી નથી. તેના કારણે પછાત રહી ગયેલી જ્ઞાતિનાં લોકોને પછાતપણામાંથી બહાર કાઢવા માટે સરકારી યોજનાઓ નથી બની શકતી ને તેમને અન્યાય થાય છે. કઈ જ્ઞાતિનાં કેટલાં લોકો છે તેની ખબર પડે તો સરકારી યોજનાઓમાં કઈ જ્ઞાતિને કેટલું મહત્ત્વ આપવું, તેમના માટે કેવી ખાસ યોજનાઓ બનાવવી, તેમના વિકાસ માટે કેટલું બજેટ ફાળવવું વગેરે ખબર પડે ને સર્વાંગી વિકાસ કરી શકાય. આ કારણે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી જરૂરી છે.
આ દલીલ વાહિયાત છે કેમકે તમારે લોકોનું ભલું કરવું હોય, તેનો વિકાસ કરવો હોય તો તેના માટે જ્ઞાતિ પૂછવાની જરૂર જ નથી. પછાતપણાને જ્ઞાતિવાદ સાથે કંઈ લેવાદેવા નથી. ફલાણી જ્ઞાતિનાં લોકો ધનિક જ હોય ને ઢીંકણી જ્ઞાતિનાં લોકો ગરીબ જ હોય એવું હોતું નથી. કેટલાક અપવાદોને બાદ કરતાં દરેક જ્ઞાતિમાં થોડાક ધનિક ને વધારે ગરીબ હોય જ છે. ખરેખર લોકોનું ભલું કરવું હોય તો આર્થિક સધ્ધરતાને આધાર માનીને સરકારી યોજનાઓનો લાભ ગરીબોને આપી જ શકાય. તેને માટે ગરીબની જ્ઞાતિ જાણવી જરાય જરૂરી નથી.
અત્યારે જ્ઞાતિ આધારિત સર્વે થાય છે એ રીતે આર્થિક માપદંડ પ્રમાણેનો સર્વે કરીને ખરેખર જેને જરૂર છે તેને મદદ કરી જ શકાય. જ્ઞાતિથી ઉપર ઊઠીને જેને શિક્ષણની જરૂર છે તેને શિક્ષણ, જેને રોજગારીની જરૂર છે તેને રોજગારી, જેને સ્વરોજગારી માટે આર્થિક સહાયની જરૂર છે તેને આર્થિક સહાય આપી જ શકાય. એ રીતે મદદ કરવા માટે જ્ઞાતિ જાણવાની જરૂર નથી. એ રીતે મદદ કરાય તો ખરેખર જરૂરિયાતમંદ છે તેને જ સહાય મળશે.
જોકે નીતીશ સહિતના લોકોની પિન જ્ઞાતિ આધારિત વસતી ગણતરી પર ચોંટેલી છે કેમ કે તેમાં રાજકીય ફાયદો છે. રાજકીય પક્ષો અત્યારે પણ જ્ઞાતિવાદી રાજકારણ રમે જ છે પણ ચોક્કસ આંકડા તેમની પાસે નથી હોતા. આ આંકડા લેવા જંગી ખર્ચ કરવો પડે. તેના બદલે સરકારી ખર્ચે કઈ જ્ઞાતિની કેટલી વસતી છે તેની ખબર પડી જાય તો તેમનું કામ થઈ જાય. આ ગણતરીના આધારે ક્યા વિસ્તારમાં ઓબીસીની કઈ જ્ઞાતિને સાચવી લેવી તેની ખબર પડી જાય. સાથે સાથે ઓબીસીની બધી જ્ઞાતિઓને પંપાળવાની જરૂર જ નહીં. જે જ્ઞાતિની વસતી વધારે હોય એવી ચાર-પાંચ જ્ઞાતિઓને સાચવી લો એટલે પત્યું. જેમની મોટી મતબેંક છે એવી થોડીક જ્ઞાતિઓને પડખામાં લઈને સત્તા કબજે કરવાનો આ ખેલ છે.
ભાજપનાં હિતો આ પ્રકારની વસતી ગણતરીથી જોખમાય તેથી ભાજપ તેની વિરુદ્ધ છે પણ ભાજપ પણ બીજી રીતે સમાજમાં વિભાજન થાય એ પ્રકારનું ગંદુ રાજકારણ રમે જ છે. ભાજપે સવર્ણોમાં ઈકોનોમિક વીકર સેક્શન (ઈડબલ્યુએસ) માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરી એ સમાજના વિભાજનના ગંદો ખેલ જ છે.
નીતીશકુમારની જેમ ભાજપ જ્ઞાતિવાદના આધારે સમાજનું વિભાજન કરવાનો ગંદો ખેલ પણ કરે છે. હમણાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતની જાહેરાત કરી હતી. એસસી અને એસટી માટે બેઠકો અનામત રખાય ત્યાં સુધી ઠીક છે પણ ઓબીસી માટે અનામત જરૂરી જ નથી પણ ભાજપ જ્ઞાતિવાદનું કાર્ડ જ રમી રહ્યો છે.
અલાહાબાદ હાઈ કોર્ટે ઓબીસી અનામત સામે મનાઈહુકમ ફરમાવીને તાત્કાલિક ચૂંટણી કરાવવા આદેશ આપ્યો તો યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે લઈ આવી છે. યોગીએ તો હુંકાર પણ કર્યો છે કે, પહેલાં ઓબીસી અનામત આવશે ને પછી જ ચૂંટણી આવશે.
ટૂંકમાં વાત એટલી જ છે કે, ભાજપ હોય કે નીતીશ હોય કે બીજો કોઈ પણ રાજકીય પક્ષ હોય, મતબેંકના રાજકારણ માટે થઈને તેમને સમાજના ભાગલા કરવામાં જરાય શરમ આવતી નથી. સાવ હાસ્યાસ્પદ લાગે એવાં કારણો આપીને એ લોકો જ્ઞાતિવાદનાં દૂષણોને પોષ્યા કરે છે. લોકો પણ આ સંકુચિતતાને વધાવી લે છે તેથી રાજકારણીઓ દેશનું ભલું કરવાના
બદલે આ જ રમત રમીને સત્તા હાંસલ કરવાનો શોર્ટકટ
અપનાવે છે.