Homeઆમચી મુંબઈપશ્ર્ચિમ રેલવેમાં એસી લોકલમાં ટેક્નિકલ ફેઈલ્યોર કિસ્સા વધ્યા

પશ્ર્ચિમ રેલવેમાં એસી લોકલમાં ટેક્નિકલ ફેઈલ્યોર કિસ્સા વધ્યા

એસીના બદલે નોન-એસી લોકલની સર્વિસ દોડાવી: પ્રવાસીઓ નારાજ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં એસી લોકલ ટ્રેનની સર્વિસ વધારવાની સાથે પ્રવાસીઓ તરફથી નોંધપાત્ર પ્રતિભાવ મળી રહ્યો હોવા છતાં ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે એસી લોકલના બદલે નોન-એસી લોકલ ટ્રેન દોડાવવાનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પ્રવાસીઓની પ્રશાસન પ્રત્યે નારાજગી વધી છે.
આ મુદ્દે પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે એસી લોકલની સર્વિસીસ રેગ્યુલર દોડાવી શક્યા નહોતા, જેમાં અપ એન્ડ ડાઉન લાઈનમાં એકસાથે ૧૪ સર્વિસીસ પર અસર પડી હતી. સોમવારે સવારના ૭.૧૮ અને ૯.૨૪ વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી, સવારના ૧૧.૧૫ વાગ્યાની ચર્ચગેટ-વિરાર, બપોરના ૨.૧૫ ચર્ચગેટ-ભાયંદર અને ૪.૩૯ વાગ્યાની ચર્ચગેટ-વિરાર, સાંજના ૭.૩૮ વાગ્યાની દાદર-ભાયંદર અને રાતના ચર્ચગેટ-મલાડ એસી ટ્રેનની સર્વિસીસ રદ કરી હતી, જ્યારે સવારના ૪.૫૬ વાગ્યાની બોરીવલી-વિરાર, સવારના ૫.૫૦ વાગ્યાની વિરાર-ચર્ચગેટ, સવારના ૮.૨૬ અને ૧૦.૧૬ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ તથા બપોરના ૧૨.૪૮ વિરાર-ચર્ચગેટ, બપોરના ૩.૨૩ વાગ્યાની ભાયંદર-ચર્ચગેટ, સાંજના ૬.૨૦ વાગ્યાની વિરાર-દાદર અને રાતના ૮.૩૬ વાગ્યાની ભાયંદર-ચર્ચગેટ કેન્સલ કરીને નોન-એસી લોકલ ટ્રેન (ઈએમયુ) દોડાવવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એસી લોકલની સર્વિસ વધારવામાં આવ્યા પછી દર અઠવાડિયે એક દિવસ એસીના બદલે નોન-એસી ટ્રેન દોડાવાય છે, તેથી એસી ટ્રેનના સીઝનધારકમાં પ્રશાસન પ્રત્યે નારાજગી વધી છે. વધારે ભાડું આપ્યા પછી પણ જો રેગ્યુલર સર્વિસ મળતી ન હોય તો શું કરવાનું? અઠવાડિયામાં એક દિવસ એટલે સમજો મહિનામાં ચારથી પાંચ દિવસ સર્વિસ ના મળે તો રેલવેએ હવે રિફંડ આપવાનું ચાલુ કરવું જોઈએ, એમ બોરીવલીના રહેવાસી અનિલ મહેતાએ જણાવ્યું હતું. પશ્ર્ચિમ રેલવેમાં આ વર્ષે એસી લોકલ ટ્રેનમાં એક કરોડથી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જે એક વિક્રમ હોવાનું પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular