ગેટ પર ‘આઈ લવ મનીષ સિસોદિયા’ લખેલું બેનર લગાવવા બદલ દિલ્હીની એક સરકારી શાળા સામે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. ઉત્તરપૂર્વ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓએ આવા બેનરો લગાવવાનો વિરોધ કર્યો હતો. આ પછી લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશનમાં દિલ્હી પ્રિવેન્શન ઑફ ડિફેસમેન્ટ ઑફ પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદી દિવાકર પાંડેએ જણાવ્યું કે 3 માર્ચે સવારે 8-8.30 વાગ્યાની વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક કાર્યકરો શાસ્ત્રી પાર્કમાં એક સરકારી શાળાના ગેટ ઉપર બેનર લગાવી રહ્યા હતા. સૌ પ્રથમ, તેઓએ શાળામાંથી એક ડેસ્ક બહાર કાઢ્યું, તેના પર ચડીને ગેટ પર ‘આઈ લવ મનીષ સિસોદિયા’ લખેલું પોસ્ટર ચોંટાડવાનું શરૂ કર્યું. લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ વિદ્યાનું મંદિર છે, તેને રાજનીતિથી દૂર રાખો.
લોકોએ આનો વિરોધ કરતાં બેનર હટાવી દેવામાં આવ્યા હતા. દિવાકર પાંડેએ કહ્યું કે સમસ્યા એ છે કે બાળકો પાસે ‘આઈ લવ મનીષ સિસોદિયા’ લખાવવામાં આવ્યું હતું. દિવાકર પાંડેએ આરોપ લગાવ્યો કે તેઓ (AAP કાર્યકરો) બાળકોનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે પ્રિન્સિપાલને પૂછ્યું પરંતુ તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી. પોલીસે હવે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
એક સ્થાનિક રહેવાસી દુર્ગેશ તિવારીએ કહ્યું કે AAPના કેટલાક કાર્યકરો અહીં આવ્યા હતા અને ગેટ પર ‘આઈ લવ સિસોદિયા’નું બેનર લગાવ્યું હતું અને સ્કૂલમાં આવતા બાળકોને ગેટ પાસે બેસવા માટે બોલાવ્યા હતા. જ્યારે મેં તેમને કહ્યું કે તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય નથી તો તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જે કરી રહી છે તે યોગ્ય નથી અને આપણા શિક્ષણપ્રધાનને જેલમાં મોકલવામાં આવ્યા છે. તિવારીએ કહ્યું કે બાળકોને દારૂ કોભાંડના આરોપીનો બચાવ કરવા કહેવા આવી રહ્યું છે, તે કેટલી હદે યોગ્ય છે?