કોન મેનનાં કારસ્તાન: જો તમે ઈચ્છો તો હું આખો બ્રુકલિન બ્રિજ તમને વેચી શકું છું!

વીક એન્ડ

ભાતભાતકે લોગ -જ્વલંત નાયક

અમેરિકાને લોકો તકોની ભૂમિ (કફક્ષમ જ્ઞર ઘાાજ્ઞિિીંક્ષશશિંયત) તરીકે ઓળખે છે. જો તમારી પાસે મહેનત કરવાની ક્ષમતા, દાનત અને આવડત હોય તો તમે અહીં અઢળક ડોલર્સ રળી શકો છો, તમારી આવનારી પેઢીને એક બહેતર જીવન આપી શકો છો. હવે માની લો કે તમે અમેરિકામાં પગ મૂકો એ સાથે જ તમને એવી બમ્પર તક મળી જાય કે સાત પેઢી બેઠાં બેઠાં ખાય, તો તમે શું કરો? વાત રસ પડે એવી છે, પણ પ્રશ્ર્ન એ છે કે આવી તક મળે કઈ રીતે?
આખી ‘સ્કીમ’ને જરા વિગતે સમજો. ધારો કે તમે નવો ધંધો વિકસાવવા માટે થોડી મૂડી લઈને અમેરિકા પહોંચો છો અને કયા ધંધામાં પડવું એનું આયોજન કરી રહ્યા છો. હવે આ સંજોગોમાં કોઈ ‘ભલો આદમી’ આવીને તમને કહે છે કે મારી પાસે ફલાણી જગ્યા પર મોકાની મિલકત છે, જે હું આકસ્મિક જરૂરતને કારણે સસ્તા ભાવે કાઢી નાખવા માંગુ છું. જો તમે આ મિલકત ખરીદી લેશો તો એમાંથી તમને ભાડાની તગડી રકમ આજીવન મળતી રહેશે. એ પછી પેલો આદમી જે તે જગ્યાની માલિકી સાબિત કરવા માટે તમને ગળે ઊતરે એવા દસ્તાવેજ સુધ્ધાં દેખાડે છે. તમે નસીબ અજમાવવા માટે અમેરિકા ગયા હોવ અને આ રીતે કોઈ સુવર્ણ તક સામેથી આવી ચડે તો સ્વાભાવિક છે કે કાચા અથવા લાલચુ મનનો માણસ લપસી પડ્યા વિના રહે નહિ. બસ, ધુતારાઓ તમારા આવા જ લોભનો ફાયદો ઉઠાવતા હોય છે. આવા ધુતારાઓ ‘કોન મેન’ તરીકે ઓળખાય છે.
‘કોન મેન’ એટલે ‘કોન્ફિડન્સ ટ્રિક અમલમાં મૂકીને તમને છેતરતો માણસ’. કોન્ફિડન્સ ટ્રિક એટલે એવી ચાલબાજી, જેમાં કોઈ ચબરાક વ્યક્તિ સામેવાળા માણસને ખોટી માહિતી, દસ્તાવેજ કે ભ્રામક વાત દ્વારા બરાબર બાટલીમાં ઉતારે. સાદી ભાષામાં, ભોળા લોકોને છેતરવા માટે ફુલપ્રૂફ ટેક્નિક વાપરતા ધુતારા ‘કોન મેન’ તરીકે ઓળખાય છે. અમેરિકામાં એક એવો જ કોન મેન થઈ ગયો, જેનાં પરાક્રમોને કારણે એનું ઈતિહાસના ચોપડે અંકિત છે, અલબત્ત કાળા અક્ષરોમાં.
જ્યોર્જ સી. પાર્કર એનું નામ. જ્યોર્જ આઈરિશ દંપતીના પુત્ર તરીકે ન્યુ યોર્કમાં જન્મ્યો. ચાર ભાઈઓ અને ત્રણ બહેનોના બહોળા પરિવારમાં એ ઊછર્યો. સામાન્ય આઈરિશ કુટુંબનું આ ફરજંદ એટલી હદે અસામાન્ય નીકળ્યું કે આજેય લેખકો-સર્જકો અને મનોચિકિત્સકો માટે એ અભ્યાસનું પાત્ર બની શકે એમ છે.
ન્યુ યોર્ક: અમેરિકાનો ‘ગોલ્ડન ડોર’
શરૂઆતમાં વાત કરી એમ, દુનિયાભરના દેશોમાંથી લાખો લોકો અમેરિકામાં વસવાટ કરવાનું અને ત્યાંનું નાગરિકત્વ મેળવવાનું સ્વપ્ન સેવે છે. એ કંઈ આજનું નથી. ઓગણીસમી અને વીસમી સદીમાં પણ પરિસ્થિતિ આવી જ હતી. એ સમયે ન્યુ યોર્ક શહેરને અમેરિકામાં પ્રવેશ કરવા માટેનો ‘ગોલ્ડન ડોર’ માનવામાં આવતું. પરિણામે ઇમિગ્રન્ટ્સનાં ધાડેધાડાં અહીં ઠલવાતાં. એમાંના મોટા ભાગના લોકો ગરીબ હતા જે અમેરિકા આવીને નાની-મોટી મજૂરી કરતા અથવા ગુનાખોરીમાં ધકેલાતા. કેટલાક આવડત ધરાવતા લોકોને અહીં સારી કારકિર્દી ઘડવાની તક પણ મળતી. આ બધા વચ્ચે ઇમિગ્રન્ટ્સનો એક વર્ગ એવો હતો જે પોતપોતાના વતનથી થોડા પૈસા સાથે લઈને આવ્યો હતો. આ લોકો પોતાના પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરીને અમેરિકાના ઔદ્યોગિક વિકાસ અને ઊગતા બજારનો લાભ મેળવવા માગતા હતા. સ્વાભાવિકપણે એમના મગજનો મોટા હિસ્સો લાલચે રોકી લીધો હતો. એ સમયના ન્યુ યોર્કમાં આવા અનેક ‘રોકાણકારો’ ઠલવાતા, જેમનો ફાયદો લેવા જ્યોર્જ સી. પાર્કર જેવા અનેક કોન મેન પણ ફૂટી નીકળેલા.
તો હું આખો બ્રુકલિન બ્રિજ તમને વેચી શકું છું!
જ્યોર્જ પાર્કરની કાર્યશૈલી – જેને ગુનાશોધકો ‘મોડસ ઓપરેન્ડી’ કહે છે – અદ્ભુત હતી. બીજા દેશોમાંથી ન્યુ યોર્કમાં ઊતરી પડેલા રોકાણકારોને મળીને જ્યોર્જ ગજબના આંબા-આંબલી બતાવતો. ફોટોગ્રાફ્સ, ખોટા દસ્તાવેજ દ્વારા જ્યોર્જ અમુક-તમુક બિલ્ડિંગ્સ કે જમીન પોતાની માલિકીની હોય એવી છાપ ઊભી કરતો. એ પછી પોતે પસંદ કરેલા કોઈક લાલચુ રોકાણકાર આગળ જે તે પ્રોપર્ટી કેવું તોતિંગ વળતર આપી શકે એમ છે, એનાં બણગાં ફૂંકતો. આ બધી વાતો સાંભળીને જ્યારે પેલા રોકાણકારના મોઢામાંથી લાળ ટપકતી દેખાય, એટલે જ્યોર્જ હળવે રહીને એવી વાત મૂકતો કે જો સારો ભાવ મળે તો પોતે એ પ્રોપર્ટી વેચવા માગે છે! પેલા રોકાણકારને તો જાણે ‘સોનેરી તક’ હાથ લાગી હોય એવો આભાસ થતો. અંતે નકલી દસ્તાવેજના આધારે જે તે પ્રોપર્ટી લાલચુ રોકાણકારને તગડી કિંમતે પધરાવીને જ્યોર્જ રફૂચક્કર થઈ જતો! રોકાણકારને પોતે છેતરાયા હોવાનું જ્ઞાન થતું ત્યાં સુધીમાં તો જ્યોર્જ બીજે ઠેકાણે પહોંચી ગયો હોય! આવી તરકીબોનો ઉપયોગ કરીને જ્યોર્જે અનેક પ્રોપર્ટીઝ વેચી. હદ તો ત્યારે થઈ જ્યારે એણે ન્યુ યોર્કનાં કેટલાંક જાહેર બાંધકામો અને સ્મારકો પણ વેચી માર્યાં!
આ પૈકી સૌથી જાણીતું ઉદાહરણ મેનહટન અને બ્રુકલિન પરગણાને જોડતા બ્રુકલિન બ્રિજનું છે. જ્યોર્જ કોઈ બકરાને શોધીને એવું ઠસાવી દેતો કે બ્રુકલિન બ્રિજ બાપ-દાદાના સમયથી એની પરિવારની અંગત માલિકીનો છે. એ માટે એ બ્રિજ ઉપર ઊભો રહીને વિશિષ્ટ પોઝમાં ફોટોઝ ખેંચાવડાવતો. આજે સોશિયલ મીડિયા અને ફાસ્ટ કોમ્યુનિકેશનના જમાનામાં આ બધી વાતો હાસ્યાસ્પદ લાગે, પણ એ જમાનામાં લોકો પાસે આવી બધી બાબતો અંગે ખરાઈ કરવા માટે બહુ ઓછા રસ્તા હતા. એટલે આ પ્રકારના ફ્રોડ મોટા પાયે થતા (આપણે ત્યાં આજેય બીજાની જમીન પોતાને નામે વેચવાનાં કૌભાંડો થાય જ છેને?!). જ્યોર્જ પોતાની વાક્પટુતાને આધારે પોતાના શિકારને આંજી નાખતો. એ કહેતો કે જેની પાસે આ બ્રુકલિન બ્રિજની માલિકી હશે એ વ્યક્તિ અહીં ટોલ બૂથ બનાવીને બ્રિજ પરથી પસાર થનારા લોકો પાસે ટોલ વસૂલી શકશે. રોકાણકારોને આ વાત સોનાનાં ઈંડાં આપતી મરઘી જેવી લાગતી. એક વાર બ્રુકલિન બ્રિજ ખરીદી લઈએ તો આપણી સાત પેઢી ભલેને ટોલ ટેક્સ ઉઘરાવીને જલસા કરે! લોકો ઉછીના પૈસા લઈને પણ જ્યોર્જ પાસે બ્રુકલિન બ્રિજ ‘ખરીદી’ લેતા. આવા ખરીદદારો પાછા બીજે જ દિવસે બ્રિજના કોઈ એક છેડે ટોલ બૂથ બનાવવાની કામગીરી શરૂ કરતા! આ નવા ‘પ્રકારના’ બાંધકામ તરફ ન્યુ યોર્ક પોલીસનું ધ્યાન જાય, એટલે પોલીસ દોડાદોડી કરીને તાબડતોબ બાંધકામ અટકાવતી અને આખું ફ્રોડ બહાર આવતું!
તમને આ આખી વાત કાદર ખાનની કોઈ કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગતી હશે, પણ જ્યોર્જે આવી એકની એક મોડસ ઓપરેન્ડી દ્વારા અનેક વખત ન્યુ યોર્કનો બ્રુકલિન બ્રિજ જુદા જુદા બકરાઓને વેચી મારેલો!
બીજાંય અનેક સ્મારકો વેચાયાં
જ્યોર્જે બ્રુકલિન બ્રિજ સૌથી વધુ વખત વેચ્યો, પણ એનો અર્થ એવો નહિ કે ન્યુ યોર્કનાં બીજાં સ્મારકો તરફ એનું ધ્યાન નહોતું. એણે જનરલ હ્યુ ગ્રાન્ટની કબર, મેડિસન સ્ક્વેર ગાર્ડન, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ વગેરે જેવાં પ્રખ્યાત સ્થળોને પણ પોતાની ‘વેચાણકળા’નો લાભ આપેલો. અરે એક વાર તો એણે વિશ્ર્વવિખ્યાત ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ સુધ્ધાં વેચી મારેલું! દરેક સ્મારક માટે એણે જુદી જુદી ટેક્નિક વાપરેલી. દાખલા તરીકે જનરલ ગ્રાન્ટની કબરનો સોદો કરતાં પહેલાં એણે કબર પાસે ફોટોઝ ખેંચાવડાવેલા. આ ફોટોઝને આધારે એણે સાબિત કર્યું કે જનરલ ગ્રાન્ટ એના દાદા હતા! રિયલ એસ્ટેટના પોતાના આ ‘બિઝનેસ’ માટે જ્યોર્જે એક ઓફિસ પણ બનાવેલી.
…આખરે પકડાયો
જ્યોર્જ પાર્કર ભારે ચાલાક હતો. એ ત્રણેક વખત જુદા જુદા ગુનાસર પોલીસને હાથે ઝડપાયો, પરંતુ ખાસ સજા થઈ નહિ. ૧૯૦૮માં એ પકડાયો, એ પછી બિલકુલ ફિલ્મી ઢબે કોર્ટરૂમમાંથી નાસી છૂટ્યો! થયું એવું કે કોઈક કામસર કોર્ટમાં આવેલા શેરિફે આવીને પોતાનો કોટ અને માથે પહેરવાની હેટ ઉતારીને ખીંટીએ ટીંગાડ્યાં. જ્યોર્જનું ધ્યાન એના પર પડ્યું અને સિફતપૂર્વક એણે પોલીસની નજર ચૂકવીને શેરિફનાં કોટ-હેટ સેરવી લીધાં. બસ, પછી તો આપણી હિન્દી ફિલ્મોમાં થાય છે એમ જ, જ્યોર્જ ભાઈ શેરિફનાં કપડાં પહેરીને વટ કે સાથ ચાલતાં ચાલતાં નવ-દો-ગ્યારહ થઈ ગયા!
આમ તો જ્યોર્જ હંમેશાં પોલીસ પકડથી બચીને રહેત, પણ આ મહાખેપાની માણસ નાનીસરખી ચૂકને કારણે ઝડપાયો. ૧૯૨૮માં દોઢસો ડોલર્સનો એક ચેક રિટર્ન થવાના ગુના સબબ જ્યોર્જની ધરપકડ થઈ. એ પછીની પોલીસ તપાસમાં એનાં જૂનાં કારનામાંઓ પરથી પણ પડદો ઊંચકાયો. કોર્ટ દ્વારા જ્યોર્જને આજીવન કારાવાસની સજા ફટકારીને સિંગ સિંગ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો. જેલમાં જ્યોર્જ કર્મચારીઓ અને સાથી કેદીઓનો ફેવરિટ બની રહ્યો. એનાં કારનામાં સાંભળવામાં જેલવાસીઓને મોજ પડી જતી. આઠેક વર્ષ જેલમાં વિતાવ્યા બાદ ૧૯૩૭માં પાર્કરે જેલમાં જ અંતિમ શ્ર્વાસ લીધા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.